પાટીલ સાહેબ તમારા ભાજપના નેતાઓને જ પક્ષના સંસ્થાપક વિશે નથી ખબર! ડો.શ્યામા પ્રસાદ વિશે કોણે શું કહ્યું જાણો
મોટાભાગના ભાજપના નેતાઓ જ પોતાના સંસ્થાપક ડો.શ્યામા પ્રસાદ મુખર્જીને નથી ઓળખતા, જોકે નવાઈની વાત છેકે, કોંગ્રેસનો હાથ છોડીને પક્ષ પલટો કરીને નવો સવો ભાજપમાં જોડાયેલો હાર્દિક પટેલે તેમના પર અભ્યાસ કરીને બેઠો છે.
ભદ્રેશકુમાર મિસ્ત્રી, અમદાવાદઃ ડો.શ્યામા પ્રસાદ મુખર્જીએ સ્થાપેલી ભારતીય જનતા પાર્ટીને વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી હોવાનો દાવો કરવામાં આવે છે. જોકે, આશ્ચર્ય અને આઘાતજનક બાબત એ છેકે, તેમના જ પક્ષના ઘણાં પૂર્વ મંત્રીઓ, ધારાસભ્યો અને નેતાઓને ડો.શ્યામા પ્રસાદ મુખર્જી કોણ હતાં? તેમણે પક્ષ અને દેશ માટે શું યોગદાન આપ્યું તેની ખબર શુદ્ધા નથી. ઉલ્લેખનીય છેકે, પ્રધાનમંત્રી મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તો આજના દિવસે સવારે જ ડો.શ્યામા પ્રસાદને યાદ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી દીધી હતી. જોકે, 6 જુલાઈ 2022ને સાંજે 7 વાગ્યા સુધીમાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું આ અંગે કોઈ ટ્વીટ આવ્યું નથી. ચૂંટણીની વ્યસ્તતામાં પાટીલ સાહેબ પણ પક્ષના પાયા સમાન સંસ્થાપક ડો.શ્યામા પ્રસાદ મુખર્જીને યાદ કરવાનું ભૂલી ગયા છે?
આજે જનસંઘના સંસ્થાપક ડો.શ્યામા પ્રસાદ મુખર્જીની 120મી જન્મ જયંતી છે. એ વ્યક્તિ કે જેમણે દુનિયાના સૌથી મોટા રાજકીય પક્ષ ગણાતા ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરી હતી. જોકે, નવાઈની વાત તો એ છેકે, ખુદ ભાજપના ઘણાં નેતાઓ અને કાર્યકરો જ તેમને નથી ઓળખતા. આ અમે નથી કહી રહ્યાં પણ ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મથી જ્યારે તેમને ડો.શ્યામા પ્રસાદ મુખર્જી વિશે સવાલ પૂછવામાં આવ્યાં ત્યારે ટીવી પર રોજ ડિબેટ કરતા નેતાઓના જ્ઞાનનું પ્રદર્શન થયું અને આ આઘાતજનક સમાચાર સામે આવ્યાં.
ભાજપના મોટા નેતાઓ, હોદ્દેદારો અને કાર્યકરોને જ્યારે પૂછવામાં આવ્યું કે ડો.શ્યામા પ્રસાદ મુખર્જી કોણ છે અને ભાજપમાં તેમની શું ભૂમિકા હતી? ત્યારે મોટાભાગના લોકોની પાસે આનો જવાબ નહોંતો. ઘણાં કહ્યું તમે અમારા પ્રવક્તાને આ સવાલ પૂછી લો. નવાઈની વાત તો એ છેકે, જ્યારે ખુદ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રવક્તાને શ્યામા પ્રસાદ મુખર્જી વિશે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે એમની પાસે પણ માહિતીનો અભાવ હોવાથી તેમણે પણ સહ પ્રવક્તાના નામની ખો આપી દીધી.
જેમણે જમ્મુ-કાશ્મીરમાં 370ની કલમ હટાવવા માટે ભારે વિરોધ કર્યો. જેમણે એક દેશમાં બે વિધાન, બે નિશાન અને બે પ્રધાન નહીં ચાલે તેવું સૂત્ર આપીને એક જનઆંદોલન ઉભું કર્યું. અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે જેમણે તે સમયે નહેરુ કેબિનેટમાંથી રાજીનામું ધરી દીધું. એક પ્રખર વિચારક અને શિક્ષણવિદ ગણાતા શ્યામા પ્રસાદ મુખર્જીએ જનસેવક તરીકે પોતાનું આખું જીવન ખપાવી નાંખ્યું. અને તેમની જ બનાવેલી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આજે પોતાના સંસ્થાપકને જ નથી ઓળખતા એ નવાઈની વાત છે.
એથી પણ નવાઈની વાત એ છેકે, હાલમાં જ નવા સવા ભાજપના સભ્ય બનેલા હાર્દિક પટેલને જ્યારે પૂછવામાં આવ્યું કે, ડો.શ્યામા પ્રસાદ મુખર્જી કોણ હતા? ભાજપ માટે તેમણે શું યોગદાન આપ્યું હતું? ત્યારે હાર્દિક પટેલને ડો.શ્યામા પ્રસાદ મુખર્જીની આખી પ્રોફાઈલ, તેમણે કરેલાં કર્યો, પક્ષ માટે તેમનું યોગદાન અને તેમનું વિઝન બધુ જ કંઠસ્થ હતું. હાર્દિકે કહ્યુંકે, ડો.શ્યામા પ્રસાદનું કાશ્મીર અંગેનું સપનું 370ની કલમ દૂર કરીને પ્રધાનમંત્રી મોદીએ સાકાર કરી. તેઓ પ્રખર રાષ્ટ્રવાદી હતાં. અને એક દેશમાં બે વિધાન, બે નિશાન અને બે પ્રધાન ન ચાલી શકે.
જોકે, ડો.શ્યામા પ્રસાદ મુખર્જી કોણ હતા? ભાજપમાં તેમની શું ભૂમિકા હતી? તેમની પરિકલ્પનાનું ભાજપ કેવું હતું? આ સવાલના ગુજરાત ભાજપના નેતાઓ, ધારાસભ્યો અને કાર્યકરોએ શું જવાબ આપ્યાં તે જાણવા જેવા છે....
થોડીવારમાં કોલ કરું એમ કહીને જવાબ આપવાનું ટાળ્યુંઃ
'હું હાલ વડોદરા છું, રાડો ફિલ્મના પ્રમોશનમાં આવ્યો છું. શ્યામા પ્રસાદ મુખર્જી વિશે પૂછવું છેને હા, તો હું થોડીવારમાં કોલ કરું'
- હિતુ કનોડિયા, ધારાસભ્ય, ઈડર
એક કામ કરો, તમે અમારા પ્રવક્તાને જ પૂછી લોઃ
'શ્યામા પ્રસાદ મુખર્જી, હા-હા, શું એમનો બર્થ ડે છે આજે, અચ્છા-અચ્છા. ઓફિસે આવજો હું જોઈને કહું એમના વિશે. અત્યારે તો હું મહેસૂલ મંત્રીના ત્યાં છું, અહીં બહુ ભીડ છે. એક કામ કરો, શ્યામા પ્રસાદ મુદ્દે તમે અમારા પ્રવક્તાને જ પૂછી લો.'
- બલરામ થાવાણી, ધારાસભ્ય, નરોડા
એમનો મેઈન રોલ તો તમારે પ્રવક્તાને જ પૂછવો પડે:
'શ્યામા પ્રસાદ, હાં હાં એ બહુ પહેલાં RSSમાં હતાં, તેઓ સનાતન ધર્મમાં માનતા હતા અને હું પણ સનાતન ધર્મમાં માનું છું. એટલે જ હું અમારા ત્યાં હનુમાનજીનું મોટું મંદિર બનાવું છું. એમના ટાઈમે ભાજપ સારું ચાલતું હતું. એમના નામથી જ ભાજપ આગળ આવ્યું છે. એ પણ હિન્દુ ધર્મને માનતા હતા, હું પણ હિન્દુ ધર્મને માનું છું. સારા માણસ હતાં. બાકી એમનો મેઈન રોલ શું હતો પાર્ટીમાં એ વિશે તો તમે અમારા પ્રવક્તાને જ પૂછે લીજો.
- મધુ શ્રીવાસ્તવ, ધારાસભ્ય, વાઘોડિયા
રાષ્ટ્રને એક કરવા તેમણે શહીદી વહોરી હતીઃ
'શ્યામા પ્રસાદ મુખર્જીએ ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવાનું કામ કર્યું. તેઓ એક પ્રખર રાષ્ટ્ર ભક્ત હતાં. રાષ્ટ્રને એક કરવા માટે શ્યામા પ્રસાદ મુખર્જીએ શહીદી વહોરી હતી. એમણે પોતાની આખી જિંદગી દેશ પ્રેમ માટે વાપરી નાંખી. એ મારા ભાજપના સ્થાપક હતાં.'
સુરેશ પટેલ, ધારાસભ્ય, મણીનગર
શ્યામા પ્રસાદ કોઈપણ કામ કરે તે દિલથી કરતા હતાં:
શ્યામા પ્રસાદ મુખર્જી તો અમારા વરિષ્ઠ નેતા હતા અને ભાજપના પ્રમુખ પણ રહી ચૂક્યાં છે. એ પહેલાં ભાજપ સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યાં છે. કોઈપણ કામ કરે તે દિલથી કરતા હતાં. બધાના હક્ક માટે લડાઈ લડતા હતાં.
- નિર્મલાબેન વાધવાણી, પૂર્વ રાજ્ય મંત્રી, ગુજરાત સરકાર
મોટાભાગના નેતા અને કાર્યકરોએ અમારા પ્રવક્તાને આ અંગે પૂછો એમ કહીને છટકબારી કરી. ત્યારે એમના પ્રવક્તા તો એમનાથી પણ બે ડગલાં આગળ નીકળ્યાં. જ્યારે ખુબ ભાજપના પ્રદેશ પ્રવક્તા યજ્ઞેશ દવેને ડો.શ્યામા પ્રસાદ મુખર્જી કોણ હતા અને તેમની ભાજપમાં શું ભૂમિકા હતી તેવો સવાલ પૂછવામાં આવ્યો તો જવાબ આપવાને બદલે તેમણે પણ સહ પ્રવક્તાના નામની ખો આપી દીધી. ' એક કામ કરો શ્યામા પ્રસાદ મુખર્જી અંગે તમારે જે કંઈ પૂછવું હોય એ અમારા સહપ્રવક્તાને પૂછી લો, એ તમને મારા કરતા પણ વધારે સારો જવાબ આપશે. શ્યામા પ્રસાદ વિશે એમને વધારે ખ્યાલ છે.
- યજ્ઞેશ દવે, પ્રદેશ પ્રવક્તા, ગુજરાત ભાજપ
સ્ટાર્ટ અપ અને સ્કિલ ડેવલપમેન્ટની વાત તેમણે કરી હતીઃ
ડો.શ્યામા પ્રસાદ મુખર્જીમાં ત્યાગ અને સમર્પણની ભાવના હતી. આઝાદ ભારતમાં દેશ ભક્તિ માટે તેમણે પહેલું બલિદાન આપ્યું હતું. યુવાઓમાં રહેલી પ્રતિભા બહાર આવે તેમણે એવા કામો કર્યાં હતાં. કાશમીરમાં પ્રવેશ મેળવવા પરમીટ પ્રથા નાબુદ થવી જોઈએ, આ મુદ્દો ઉઠાવીને વિરોધ કર્યો અને તેમની હત્યા કરી દેવાઈ. તેમણે સ્ટાર્ટ અપ અને સ્કિલ ડેવલપમેન્ટની વાત કરી હતી.
- પ્રશાંત કોરાટ, પ્રમુખ, ગુજરાત ભાજપ યુવા મોરચો