ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત જેવી સ્થિતિ કોંગ્રેસની દેશમાં પણ છે. દર વર્ષે લિસ્ટ આવે છે પણ ચહેરા એમના એમ જ હોય છે. કોંગ્રેસ એવા નેતાઓના ભરોસે મોદી સરકારને હરાવવા માગે છે જે નેતાઓએ એમનું અસ્તિત્વ શોધવાની જરૂર છે. મોદી સરકારના સમયગાળા દરમિયાન પાર્ટીના 5 મહાસચિવોએ તો ક્યાંક ચૂંટણી લડી નથી તો 4 લડનારા હારી ગયા છે. કોંગ્રેસ આમના ભરોસે 300 સીટો જીતવાનું લક્ષ્યાંક રાખે છે. કોંગ્રેસ પાર્ટીના સત્તાવાર આદેશ અનુસાર, મલ્લિકાર્જુન ખડગેએ લોકસભાની લગભગ 300 બેઠકોના સમીકરણો તૈયાર કરવાની જવાબદારી 12માંથી 9 મહાસચિવને સોંપી છે. કેસી વેણુગોપાલને ફરીથી સંગઠનના મહાસચિવ બનાવવામાં આવ્યા છે. આમ નવી બોટલમાં જૂના દારૂની જેમ ખડગે પણ એ જ પંગતમાં બેસી ગયા છે. રાજસ્થાનમાં જ્યાં એક સમયે કોંગ્રેસની સરકાર બનાવવામાં સિંહફાળો હતો એ પાયલોટને છત્તીસગઢની જવાબદારી સોંપી રાજસ્થાનથી દૂર કરી દીધા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પોતાની ટીમની જાહેરાત કરી છે. કોંગ્રેસે નવી ટીમમાં 12 મહામંત્રીના પદ બનાવવામાં આવ્યા છે. આ ટીમમાં સચિન પાયલટ અને ગુલામ અહેમદ મીર સિવાય મહાસચિવની યાદીમાં તમામ ચહેરા જૂનાજોગીઓના છે. કોંગ્રેસ આ સેનાપતિઓની મદદથી 2024ના ચૂંટણી પ્રચારમાં ઉતરશે, જ્યાં તેમને ત્રીજી વખત મોદીના વિજયી રથને રોકવાના પડકારનો સામનો કરવો પડશે.  પ્રિયંકા ગાંધીને મહાસચિવ બનાવવામાં આવ્યા છે, પરંતુ તેમને કોઈ ચાર્જ આપવામાં આવ્યો નથી. કેસી વેણુગોપાલ પહેલાંની જેમ સંગઠન અને જયરામ રમેશ કોમ્યુનિકેશનને સંભાળવાનું ચાલુ રાખશે. રસપ્રદ વાત એ છે કે કોંગ્રેસે જે 12 નેતાઓને મહાસચિવ બનાવ્યા છે તેમાં 9 મહાસચિવ એવા છે કે જેઓ મોદી યુગમાં ચૂંટણી લડ્યા નથી અથવા તો લડ્યા તો પણ ખરાબ રીતે હારી ગયા છે. આમ જેમને જીતવા માટે બીજાના સહારાની જરૂર છે એવા મહાસચિવો માથે 300 સીટો જીતાડવાના પ્લાનિંગની જવાબદારી છે. 


કોણ છે કોંગ્રેસના 12 નવા સેનાપતિ-
મુકુલ વાસનિક :  24 અકબર રોડ (કોંગ્રેસ હેડક્વાર્ટર)માં મુકુલ વાસનિકનો પ્રભાવ લાંબા સમયથી આજે પણ અકબંધ છે. ખડગેએ વાસનિકને ગુજરાતના પ્રભારી બનાવ્યા છે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે, જે હાલમાં ભાજપ પાસે છે. મુકુલ વાસનિક અહીં કોઈ ચમત્કાર કરે તો તેના પડઘા દિલ્હી સુધી પડશે પણ ભાજપના ચક્રવ્યૂહને ભેદવો અહીં કોંગ્રેસ માટે મુશ્કેલ છે.  વાસનિક મધ્યપ્રદેશ, રાજસ્થાન જેવા રાજ્યોના પ્રભારી રહી ચૂક્યા છે. રાજ્યસભાના માધ્યમથી રાજકારણમાં સક્રિય રહેલા વાસનિક મોદી યુગમાં એક પણ ચૂંટણી જીતી શક્યા નથી. 2014માં વાસનિકને મહારાષ્ટ્રની રામટેક સીટ પરથી શિવસેનાના કિરપાલ તુમાનેએ 1 લાખ 75 હજાર મતોથી હરાવ્યા હતા. વાસનિકે 2019માં ચૂંટણી લડી ન હતી. હવે તેઓ કોંગ્રેસમાં દબદબો ધરાવીને બેસી ગયા છે. 


પ્રિયંકા ગાંધી વાડ્રા : 2018માં રાજકારણમાં પ્રવેશ કરનાર પ્રિયંકા ગાંધીને ફરીથી પાર્ટીના મહાસચિવ બનાવવામાં આવ્યા છે. જોકે પ્રિયંકા પાસેથી યુપીનો હવાલો લઈ લેવામાં આવ્યો છે. પ્રિયંકા યુપીના પ્રભારી હતા, ત્યારે પાર્ટી 2022ની વિધાનસભા ચૂંટણીમાં જબરો ફટકો પડ્યો હતો. 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે પરંપરાગત અમેઠી બેઠક પણ ગુમાવી હતી. પ્રિયંકા ગાંધીને મોદી યુગમાં પોતાની રીતે ચૂંટણી લડવાનો કોઈ અનુભવ નથી.


જિતેન્દ્ર સિંહ- જિતેન્દ્ર સિંહને મલ્લિકાર્જુન ખડગેની નવી ટીમમાં પ્રમોટ કરવામાં આવ્યા છે. પહેલાં સિંહ માત્ર આસામના પ્રભારી હતા, પરંતુ હવે તેમને મધ્યપ્રદેશની કમાન પણ મળી ગઈ છે. બંને રાજ્યોમાં લોકસભાની 43 બેઠકો છે, જેમાંથી કોંગ્રેસ પાસે માત્ર 3 બેઠકો છે. અહીં જિતેન્દ્રસિંહે કમાલ કરવો પડશે.  જનરલ સેક્રેટરી તરીકે જિતેન્દ્ર સિંહનું પ્રદર્શન નબળું રહ્યું છે. તેમના નેતૃત્વમાં કોંગ્રેસને આસામ ચૂંટણી (2021)માં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. સિંહ મધ્યપ્રદેશમાં ચૂંટણી પહેલાં સ્ક્રીનિંગ કમિટીના અધ્યક્ષ પણ હતા, જેઓ ટિકિટ વિતરણની જવાબદારી સંભાળતા હતા. પરંતુ અહીં પણ કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો. સિંહ મોદી યુગમાં પોતાની રીતે ચૂંટણી પણ જીતી શક્યા નથી. 2014 અને 2019 માં, સિંહે રાજસ્થાનની અલવર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી, પરંતુ બંને ચૂંટણીમાં તેમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. 2019માં ભાજપના બાબા બાલકનાથે સિંહને 3 લાખ 30 હજાર મતોથી હરાવ્યા હતા.


રણદીપ સુરજેવાલા : ખડગેની નવી ટીમમાં રણદીપ સુરજેવાલાને પણ જગ્યા મળી છે. જેમને કર્ણાટકના પ્રભારી તરીકે યથાવત રાખવામાં આવ્યા છે. જો કે તેમની પાસેથી મધ્યપ્રદેશનો હવાલો લઈ લેવામાં આવ્યો છે. આ વર્ષે ઓગસ્ટમાં સુરજેવાલાને મધ્યપ્રદેશની જવાબદારી સોંપવામાં આવી હતી. કર્ણાટકમાં કુલ 28 લોકસભા સીટો છે અને 2019માં કોંગ્રેસને માત્ર 1 સીટ મળી છે. કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષનું ગૃહ રાજ્ય પણ છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ માટે કર્ણાટક ખૂબ મહત્વનું માનવામાં આવી રહ્યું છે. સુરજેવાલાની વાત કરીએ તો 2019માં હરિયાણા વિધાનસભા ચૂંટણી દરમિયાન સુરજેવાલા ચૂંટણી હારી ગયા હતા. તેમને ભાજપના લીલા રામે પરાજય આપ્યો હતો. જ્યારે સુરજેવાલા પ્રભારી હતા, ત્યારે ઉત્તર ભારતના મધ્ય પ્રદેશમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.


દીપક બાબરિયા : ગુજરાતના દીપક બાબરિયાને હરિયાણા અને દિલ્હીના પ્રભારી મહાસચિવ બનાવવામાં આવ્યા છે. 2014 પછી બાબરિયાએ એક પણ ચૂંટણી લડી નથી. બાબરીયા રાહુલ ગાંધીના નજીકના ગણાય છે. બાબરિયા સૌપ્રથમ 2014માં ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમને નેશનલ હેરાલ્ડની પેરન્ટ કંપની એસોસિયેટ જર્નલ્સમાં ડિરેક્ટર બનાવવામાં આવ્યા હતા. 2018માં જ્યારે બાબરિયા મહાસચિવ હતા, ત્યારે કોંગ્રેસ મધ્ય પ્રદેશની ચૂંટણી જીતી હતી, પરંતુ ત્રણ મહિના પછી યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં પાર્ટીની એક બેઠક ઘટી ગઈ હતી. દીપક બાબરિયાનું ગુજરાતમાં કોઈ અસ્તિત્વ જ નથી. જેઓ વર્ષોથી દિલ્હી રહીને કોંગ્રેસમાં દબદબો ધરાવી રહ્યાં છે.


અવિનાશ પાંડે : મહારાષ્ટ્રના અવિનાશ પાંડેને યુપીનો હવાલો સોંપવામાં આવ્યો છે. પાંડે અત્યાર સુધી ઝારખંડના પ્રભારી હતા. તેઓ રાજસ્થાનના પ્રભારી પણ રહી ચૂક્યા છે, પરંતુ 2020માં પાયલટ-ગેહલોતના બળવા બાદ તેમને પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. અવિનાશ પાંડેએ પણ 2014 પછી કોઈ ચૂંટણી લડી નથી. પાંડે 2016 સુધી રાજ્યસભાના સભ્ય હતા. પાંડેને યુપીની કમાન સોંપવામાં આવી છે, જ્યાં ઘણા જિલ્લાઓમાં પાર્ટીનું સંગઠન નથી. પ્રિયંકા પાસેથી યુપીનો પ્રભાર લઈ અવિનાશ પાંડેને સોંપવામાં આવ્યો છે. અહીં પાંડેજી બલિનો બકરો બન્યા છે. 


કુમારી શૈલજા : એક સમયે કોંગ્રેસની સરકારમાં કેન્દ્રીય મંત્રી કુમારી શૈલજાને ઉત્તરાખંડના પ્રભારી મહાસચિવ બનાવવામાં આવ્યા છે. શૈલજાના નેતૃત્વમાં, કોંગ્રેસને છત્તીસગઢમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. શૈલજાના નેતૃત્વમાં પાર્ટી 2019માં હરિયાણાની ચૂંટણી પણ જીતી શકી ન હતી. એટલું જ નહીં, શૈલજા પોતે પણ 2014થી ચૂંટણી જીતી શકી નથી. 2019 માં, શૈલજાએ અંબાલા બેઠક પરથી ચૂંટણી લડી હતી, જ્યાં ભાજપના રતનલાલ કટારિયાએ તેમને 3 લાખ 40 હજાર મતોથી હરાવ્યા હતા. આમ તેમનું પોતાનું કોઈ કદ નથી. એમને પ્રભારી મહાસચિવ બનાવાયા છે. જેઓ પોતાની સીટ બચાવી શક્યા ન હતા.  ઉત્તરાખંડમાં લોકસભાની કુલ 5 બેઠકો છે અને 2019માં ભાજપે તમામ બેઠકો જીતી હતી.


ગુલામ અહેમદ મીર - જમ્મુ-કાશ્મીર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ગુલામ અહેમદ મીરને કોંગ્રેસ દ્વારા ઝારખંડ અને બંગાળના મહાસચિવ પ્રભારી બનાવવામાં આવ્યા છે. બંને રાજ્યોમાં લોકસભાની કુલ 56 બેઠકો છે, જેમાંથી કોંગ્રેસ પાસે હાલમાં 3 બેઠકો છે. ઝારખંડમાં કોંગ્રેસ પણ સત્તામાં ભાગીદાર છે. મીરની વાત કરીએ તો મીર 2014 પછી એકપણ ચૂંટણી જીતી શક્યા નથી. 2019માં તેઓ અનંતનાગ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.


દીપ દાસમુન્શી- કોંગ્રેસે પૂર્વ કેન્દ્રીય મંત્રી દીપા દાસમુન્શીને કેરળ, લક્ષદ્વીપ અને તેલંગાણાના પ્રભારી જનરલ સેક્રેટરી તરીકે નિયુક્ત કર્યા છે. ત્રણેય જગ્યાએ લોકસભાની 38 બેઠકો છે. દીપા દાસમુનશીની નિમણૂકથી કોંગ્રેસના રાજકીય વર્તુળોમાં ચોંકાવનારો માહોલ છે. એટલું જ નહીં, દાસમુનશી પોતે 2014 પછી એકપણ ચૂંટણી જીતી શક્યા નથી. 2019 માં રાયગંજ લોકસભા સીટ પર દાસમુનશીની ડિપોઝીટ જપ્ત કરવામાં આવી હતી. રાયગંજ 2014 સુધી કોંગ્રેસની પરંપરાગત બેઠક માનવામાં આવતી હતી. આમ જેઓ પોતાની સીટ બચાવી શકતા નથી એમને કોંગ્રેસના 2 પાવરફૂલ રાજ્યોનો હવાલો સોંપાયો છે. 


જયરામ રમેશ : ખડગેએ નવી ટીમ જાહેર કરી છે જેમાં જયરામ રમેશને કોમ્યુનિકેશન વિભાગનો હવાલો આપીને મહાસચિવ બનાવ્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી રમેશનું રાજકારણ પણ રાજ્યસભાના સમર્થન પર જ ટકે છે. રમેશ 2004થી રાજ્યસભાના સાંસદ છે. સોનિયા ગાંધી વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી માટે એક સમયે સસ્પેન્ડ થયેલા જયરામ રમેશને હાલમાં રાહુલ ગાંધીના નજીકના માનવામાં આવે છે. રમેશ પાસે 2024ની ચૂંટણી માટે કોંગ્રેસની મીડિયા સ્ટ્રેટેજી બનાવવાની જવાબદારી છે.


કેસી વેણુગોપાલ- કોંગ્રેસે 2024ની ચૂંટણી માટે કેસી વેણુગોપાલને મુખ્ય સેનાપતિ (સંગઠન મહાસચિવ) બનાવ્યા છે. વેણુગોપાલ 2018માં સંગઠન મહાસચિવ બન્યા, ત્યારથી કોંગ્રેસ માત્ર હિમાચલ, તેલંગાણા અને કર્ણાટકમાં જ ચૂંટણી જીતવામાં સફળ રહી છે. વેણુગોપાલ સંગઠન મહાસચિવ હતા, ત્યારે કોંગ્રેસ એક લોકસભા ચૂંટણી અને 20 થી વધુ વિધાનસભા ચૂંટણી હારી છે. વેણુગોપાલ કોંગ્રેસના ઘણા નેતાઓના નિશાના પર પણ રહ્યા છે.


સચિન પાયલોટ- ટોંકના ધારાસભ્યને પ્રથમ વખત સંગઠનમાં મહાસચિવનું પદ મળ્યું છે. 2018માં જ્યારે પાયલોટ પ્રમુખ હતા ત્યારે રાજસ્થાનમાં કોંગ્રેસની જીત થઈ હતી. જોકે, લોકસભા ચૂંટણીમાં પાયલટનું પ્રદર્શન નબળું રહ્યું છે. 2014માં પાયલટ પોતે અજમેરથી ચૂંટણી હારી ગયા હતા. 2019 માં કોંગ્રેસને પાયલટના ગઢ દૌસા અને સવાઈ માધોપુરમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. પાયલોટને છત્તીસગઢનો હવાલો મળ્યો છે, જ્યાં પાર્ટી તાજેતરમાં ચૂંટણી હારી હતી. છત્તીસગઢમાં હાલમાં 11માંથી 2 સીટો કોંગ્રેસ પાસે છે. પાયલોટને રાજસ્થાનથી દૂર કરીને છત્તીસગઢનો હવાલો સોંપી રાજસ્થાન ગહેલોતને સોંપી દીધું છે.