શારીરિક સંબંધના હકનો એક કેસ ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચી ગયો છે. કામના સિલસિલામાં પતિથી દૂર રહેલી મહિલાએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. તેણે પોતાની અરજીમાં પૂછ્યું કે શું મહિનામાં બે વીકેન્ડ તેના પતિને મળવા જવાથી તેની વૈવાહિક જવાબદારી પૂરી થાય છે કે નહીં. હકીકતમાં તે પહેલા તેના પતિએ નિયમિત શારીરિક સંબંધના પોતાના હક માટે સુરતની એક ફેમિલી કોર્ટમાં પત્ની વિરુદ્ધ હિન્દુ મેરેજ એક્ટની કલમ 9 હેઠળ કેસ દાખલ કર્યો હતો અને કોર્ટને અપીલ કરી હતી કે કોર્ટ તેની પત્નીને તેની પાસે આવીને રહેવાનો આદેશ આપે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પતિએ પોતાની અરજીમાં કહ્યું હતું કે તેની પત્ની તેની સાથે રોજ રહેતી નથી. તેના પુત્રના જન્મ બાદથી જ તે જોબના કારણે તેના માતા પિતા સાથે રહે છે. તેણે કહ્યું હતું કે તેની પત્ની ફક્ત મહિનામાં બીજા અને ચોથા અઠવાડિયામાં જ તેને મળવા આવે છે અને બાકીનો સમય તે તેના માતા પિતા સાથે રહે છે. પતિએ એવી પણ ફરિયાદ કરી કે તેની પત્નીએ પુત્રના સ્વાસ્થ્યને અવગણીને તથા પતિને વૈવાહિક અધિકારોથી વંચિત રાખીને પોતાની નોકરી ચાલુ રાખી. 


જવાબમાં પત્નીએ સિવિલ પ્રક્રિયા સંહિતાના નિયમ 7 આદેશ 11 હેઠળ ફેમિલી  કોર્ટમાં એક અરજી દાખલ કરી અને કોર્ટને પતિના કેસને રદ કરવાનો આગ્રહ કરતા કહ્યું કે પતિનો કેસ ચલાવવા યોગ્ય નથી. તેણે કહ્યું કે તે દર મહિને બે વિકેન્ડ નિયમિત રીતે ઘરે આવે છે, અને પતિનો દાવો છે કે પત્નીએ તેને છોડી દીધો છે. જો કે 25 સપ્ટેમ્બરે, ફેમિલી કોર્ટે પત્નીની આપત્તિને ફગાવી દીધી અને કહ્યું કે કરાયેલા દાવાઓ માટે પૂરેપૂરી સુનાવણીની જરૂર રહેશે અને આ મામલાનો નિર્ણય પ્રી ટ્રાયલ તબક્કામાં કરી શકાય નહીં. 


બીજી બાજુ હાઈકોર્ટમાં મહિલા તરફથી દલીલ  કરાઈ કે કલમ 9 હિન્દુ વિવાહ અધિનિયમ કહે છે કે કોઈ વ્યક્તિને વૈવાહિક જવાબદારી પૂરી કરવા માટે ત્યારે જ કહી શકાય જ્યારે તે તેના પતિ કે પત્નીથી અલગ થઈ ગઈ હોય. આ મામલે પત્ની દર બીજા અઠવાડિયાના અંતમાં તેના પતિના ઘરે જાય છે અને પતિ એ દાવો કરી શકે નહીં કે તે તેનાથી અલગ થઈ ગઈ છે. 


જસ્ટિસ વી ડી નાણાવટીએ પૂછ્યું કે, જો પતિ તેની પત્નીને પોતાની સાથે આવીને રહેવા માટે કહે તો તેમા ખોટું શું છે? શું તેને કેસ કરવાનો હક નથી? જસ્ટિસે કહ્યું કે આ મુદ્દા પર વિચારવાની જરૂર છે. આ સાથે જ કોર્ટે પતિને 25 જાન્યુઆરી સુધીમાં જવાબ આપવા કહ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube