Mumbai Monsoon: વર્ષ બદલાયું પરંતુ મુંબઈને એજ હાલત છે. વર્ષ બદલાયું પરંતુ મુંબઈમાં ઠેર-ઠેર ભરાય છે પાણી આવું એટલા માટે કહેવું પડી રહ્યું છે. કેમ કે દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા પ્રિ-મોન્સૂનની કામગીરી પૂરી કરી હોવાના દાવા કરવામાં આવે છે. પરંતુ વરસાદ શરૂ થતાંની સાથે જ મુંબઈના લોકોની હાલત બદતર બની જાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દ્રશ્યો પુણેના નુંબજનગર વિસ્તારના છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં 70 જેટલાં લોકો ફસાઈ ગયા. પરંતુ ફાયર બ્રિગેડની ટીમે તમામનું રેસ્ક્યુ કરીને તેમને સુરક્ષિત સ્થળે ખસેડ્યા. રસ્તા પર પડેલી ગાડીઓ પણ અડધી પાણીમાં ડૂબી ગઈ છે. આ દ્રશ્યો રાયગઢના કસ્બે શિવથર અને સમર્થ શિવથર વચ્ચેના છે.  ભારે વરસાદના કારણે અહીંયા આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. જેમાં આખું મહાડ પોલીસ સ્ટેશન ધોવાઈ ગયું. 


મુંબઈ બાદ આ વખતે પુણેમાં આફતનો વરસાદ વરસ્યો છે. રાતથી શરૂ થયેલા વરસાદના કારણે પુણેના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું. રસ્તા પર પાણી ભરાઈ જવાના કારણે વાહનચાલકો અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક સોસાયટીમાં તો ટુ વ્હીલર ડૂબી જાય તેટલું પાણી ભરાઈ ગયું છે. તો બીજીબાજુ ભારે વરસાદથી નદી-નાળા પણ નવા નીરથી છલકાઈ ઉઠ્યા છે. 


મુંબઈ હોય કે નવી મુંબઈ, દરેક જગ્યાએ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જેના કારણે નવી મુંબઈનું APMC માર્કેટ હોય કે નવી મુંબઈનું મેફ્કો માર્કેટ. દરેક જગ્યાએ વરસાદી પાણી ભરાઈ ગયા છે તો મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં પણ પાણી ભરાવાથી લોકો હેરાન-પરેશાન થઈ રહ્યા છે. 


મુંબઈમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદે જનજીવન પર બ્રેક લગાવી દીધી છે. કેમ કે આકાશમાંથી અનરાધાર પાણી વરસતાં બાંદ્રામાં રસ્તા પર પાણી ભરાઈ જતાં વાહનચાલકો પરેશાન છે. તો પાણી ભરાઈ જવાના કારણે અંધેરી સબવે બંધ કરી દેવામાં આવ્યો છે. આ તરફ નવી મુંબઈના સનપાડા અંડરપાસમાં  ગાડીના ટાયર ડૂબી જાય તેટલું પાણી ભરાઈ ગયું છે. આ તરફ મૂશળધાર વરસાદના કારણે મીઠી નદી પણ જીવંત થઈ ઉઠી છે. હાલમાં નદીમાં નવા નીરની આવક થતાં તે બેકાંઠે વહેવા લાગી છે. જેના કારણે નદીકાંઠાના વિસ્તારમાં રહેતાં લોકોને સતર્ક કરી દેવામાં આવ્યા છે. 


મુંબઈમાં વરસાદ પડે અને ટ્રાફિક ન થાય તોજ નવાઈ કહેવાય. આ વખતે પણ વેસ્ટર્ન એક્સપ્રેસ વે હોય કે ઈસ્ટર્ન એક્સપ્રેસ વે પર વાહનોની લાંબી લાઈન જોવા મળી જેના કારણે વાહનચાલકોને કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાઈ રહેવું પડ્યું. મૂશળધાર વરસાદની વચ્ચે હવામાન વિભાગે ફરી એકવાર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદના કારણે મુંબઈ ફરી એકવાર પાણી-પાણી બની ગયું છે ત્યારે હવામાન વિભાગની આગાહીએ ફરી લોકોની ચિંતા વધારી દીધી છે.