સુપ્રીમ કોર્ટે ગુજરાત પોલીસનો ઉધડો લીધો, `કયા અધિકારથી યુવકોને થાંભલા સાથે બાંધીને મારપીટ કરી, વીડિયો બનાવ્યો`
Gujarat News: ગુજરાતના ખેડા જિલ્લામાં વર્ષ 2022માં એક ગરબાના કાર્યક્રમ દરમિયાન વિવાદ થયો હતો અને આ મામલે પોલીસે કેટલાક વિધર્મી લોકોની અટકાયત કરી હતી અને પછી બાદમાં આ યુવકોને થાંભલા સાથે માર મારવામાં આવ્યો, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો. હવે આ ઘટના પર સુપ્રીમ કોર્ટે ગુજરાત પોલીસની આકરી ઝાટકણી કાઢી છે.
તમને જો યાદ હોય તો ગુજરાતના ખેડા જિલ્લામાં વર્ષ 2022માં એક ગરબાના કાર્યક્રમ દરમિયાન વિવાદ થયો હતો અને આ મામલે પોલીસે કેટલાક વિધર્મી લોકોની અટકાયત કરી હતી અને પછી બાદમાં આ યુવકોને થાંભલા સાથે માર મારવામાં આવ્યો, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો. હવે આ ઘટના પર સુપ્રીમ કોર્ટે ગુજરાત પોલીસની આકરી ઝાટકણી કાઢી છે. કોર્ટે ગુજરાત પોલીસ ઓફિસરને સવાલ કર્યો કે તમે કયા હકથી લોકોને પોલ સાથે બાંધ્યા અને માર્યા? મારપીટ મામલે દાખલ થયેલી અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે આ ટિપ્પણી કરી.
આરોપીઓની અટકાયત અને તપાસ મામલે ગાઈડ લાઈન હોવા છતાં તેનો ભંગ કરાતા સુપ્રીમ કોર્ટ લાલચોળ થઈ ગઈ. પોલીસકર્મીઓને ખંખેરી નાખતા કહ્યું કે આ કેવા પ્રકારનો અત્યાચાર? લોકોને થાંભલા સાથે બાંધવાના અને પછી તેમને જાહેરમાં મારવાના અને વીડિયો ઉતારવાનો. શું તમને આ રીતે લોકોને થાંભલા સાથે બાંધીને મારવાનો અધિકાર છે? કયા કાયદા અંતર્ગત આવું કર્યું તમે. દરેક પોલીસકર્મીને ખ્યાલ હોવો જોઈએ કે લોકોને અટકાયતમાં લેવા અને પૂછપરછ કરવા માટે ગાઈડલાઈન અને કાયદો શું છે.
જસ્ટિસ બીઆર ગવઈએ તો કહ્યું કે જાઓ અને કસ્ટડીનો આનંદ લો. તમે તમારા જ પોલીસ અધિકારીઓના મહેમાન બનશો, તેઓ તમને ખાસ ટ્રિટમેન્ટ આપશે. જોકે બાદમાં સુપ્રીમ કોર્ટમાં જે અપીલ દાખલ કરાઈ છે તેની સુનાવણી માટે સુપ્રીમ કોર્ટ તૈયાર થઈ અને હાઈકોર્ટ દ્વારા પોલીસકર્મીઓને જે સજાનો આદેશ અપાયો તેના પર હાલ પુરતો સ્ટે મુકાયો છે. હાલ અરજી સુનાવણી માટે રેડી છે. અત્રે જણાવવાનું કે આ મામલે ચાર પોલીસકર્મીઓ પર કન્ટેપ્ટના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે 14 દિવસની કેદની સજા કરી હતી. પોલીસકર્મીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી. સુપ્રીમ કોર્ટે કન્ટેપ્ટ કાર્યવાહી પર સ્ટે તો આપી દીધો પરંતુ સાથે સાથે બરાબરનો ઉધડો પણ લઈ લીધો. સુપ્રીમ કોર્ટે ગુજરાત પોલીસના ચાર અધિકારીઓને કોર્ટના અનાદર અને જેલની સજા મામલે રાહત આપી અને તેમની સજા પર રોક વધારી દીધી પરંતુ તેમને બરાબર ફટકાર તો લગાવી જ દીધી. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી આર ગવઈ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે પોલીસ કર્મીઓને ઝાટકતા કહ્યું કે શું તમારી પાસે કાયદા અંતર્ગત લોકોને થાંભલા સાથે બાંધવાનો અને તેમની પીટાઈ કરવાનો અધિકાર છે?
શું છે મામલો?
નોંધનીય છે કે વર્ષ 2022માં ઓક્ટોબરમાં ખેડાના ઉંધેલા ગામમાં એક ગરબાના કાર્યક્રમ દરમિયાન પથ્થરમારાનો બનાવ બન્યો હતો જેમાં કાર્યવાહી કરતા પોલીસે 13 જેટલા યુવકોને પકડ્યા હતા. કેટલાકને બાદમાં ગામમાં એક થાંભલા સાથે બાંધીને મારવામાં આવ્યા હતા. આ ઘટના જાહેરમાં બનતા ભીડ ભેગી થઈ હતી. યુવકોને કોરડા ફટકારવામાં આવ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે યુવકોને માર મરાયો તેઓ પોલીસ અટકાયતમાં હતા. પોલીસે અટકાયત અને તપાસ માટે એક ચોક્કસ પ્રકારની ગાઈડલાઈન જાહેર કરી છે જેનું પાલન ન થતા આ પોલીસકર્મીઓને 14 દિવસની કેદની સજા થઈ. આ કેસમાં 13 પોલીસકર્મીઓ પર મારવાનો આરોપ લાગ્યો હતો, જેમાંથી 4 પોલીસકર્મીને સજા થઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube