કોંગ્રેસના `ચાણક્ય`ની ગુજરાતની આ બેઠક પર AAP નો દાવો, હવે શું કરશે રાહુલ ગાંધી, કોણ લડશે ચૂંટણી?
Lok Sabha Election 2024: ગુજરાત એ ભાજપનો મજબૂત ગઢ છે. છેલ્લા ઘણા સમયથી લોકસભા ચૂંટણીમાં ભાજપ તમામ સીટ કબજે કરતુ આવ્યું છે. જ્યારે કોંગ્રેસને ફાળે નિરાશા જ આવી છે. આ વખતે આમ આદમી પાર્ટી પણ મેદાનમા છે. 2024માં જો બંને પાર્ટીઓ મળીને ચૂંટણી લડશે તો તેમના માટે ખાતું ખોલાવવું એ જ મોટો પડકાર રહેશે. આ બધા વચ્ચે ભરૂચ બેઠકનો મુદ્દો પણ ગરમાયેલો છે.
બીજે ક્યાંય ભલે I.N.D.I.A અલાયન્સમાં ચૂંટણી લડવાને લઈને અલગ અલગ સૂર જોવા મળી રહ્યા હોય પરંતુ ગુજરાતમાં તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંનેએ સાથી મળીને લડવું એ મજબૂરીથી કમ નથી કારણ કે ગુજરાત એ ભાજપનો એકદમ મજબૂત ગઢ છે. જ્યાં પાર્ટી તમામ સીટો કબજે કરતી આવી છે. પણ સીટોની ખેંચતાણ સ્થિતિ ક્યાં પહોંચાડશે તે પણ એક મોટો સવાલ છે. કારણ ઈન્ડિયા અલાયન્સમાં કઈ નક્કી થાય તે પહેલા જ આમ આદમી પાર્ટીએ ભરૂચ બેઠક પર પોતાનો દાવો ઠોકી દીધો છે. પાર્ટીના રાજ્યસભા સાંસદ સંદીપ પાઠકે જ સીટ શેરિંગ પહેલા આ સીટ માટે દાવેદાર પણ ગણાવી દીધા છે.
સંદીપ પાઠકના જણાવ્યાં મુજબ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ નવા વર્ષના પહેલા અઠવાડિયામાં ચૂંટણી પ્રચારનું બ્યુગલ ફૂંકશે. આ સભા ભરૂચ લોકસભામાં આવતી ડેડિયાપાડા વિધાનસભા વિસ્તારમાં હશે. એક સમયે કોંગ્રેસનો કિલ્લો ગણાતી ભરૂચ બેઠક હવે ભગવામય છે. જ્યારે આમ આદમી પાર્ટીનું કહેવું છે કે કોંગ્રેસ છેલ્લા 3 દાયકાથી આ બેઠક જીતી શકશે નહીં.
કોંગ્રેસના આ નેતા લડવા માંગે છે ચૂંટણી!
આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા ભરૂચ બેઠકથી ચૂંટણી લડવા માંગે છે જ્યારે આ દાવેદારી વચ્ચે મોટો સવાલ એ છે કે મીડિયા રિપોર્ટ મુજબ આ બેઠક માટે કોંગ્રેસના એક સમયે ચાણક્ય ગણાતા અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ પણ તૈયારીઓ કરી રહ્યા છે તો તેમનું શું થશે? તેઓ પિતાની ઈચ્છા વિરુદ્ધ જઈને તેમનો રાજકીય વારસો આગળ વધારવા માંગે છે. મુમતાઝ પટેલ અહેમદ પટેલના નિધન બાદ સતત ભરૂચમાં કાર્યરત છે અને પિતા દ્વારા શરૂ કરાયેલા સામાજિક કાર્યોને પણ આગળ ધપાવી રહ્યા છે. આવામાં આમ આદમી પાર્ટીએ ભરૂચ સીટથી દાવેદારી ઠોકીને કોંગ્રેસને અસમંજસમાં નાખી દીધી છે. જો કે મુમતાઝ પટેલની ગુજરાત વિધાનસભા વખતે ચૂંટણી લડવાની ખુબ અટકળો થઈ હતી પરંતુ તેમણે ના પાડી હતી. ભરૂચની વાત કરીએ તો એક સમયે કોંગ્રેસનો મજબૂત ગઢ ગણાતી ભરૂચ બેઠક પછીથી ભાજપનો ગઢ બની અને હાલ ભાજપ પાસે છે અને હવે આમ આદમી પાર્ટી તેમાં ગાબડું પાડવા માટે તાકાત વાપરી રહી છે. ત્યારે આવામાં કોંગ્રેસનું શું થશે. આમ આદમી પાર્ટી ભરૂચ લોકસભા બેઠકથી મજબૂત નેતા અને વિધાયક ચૈતર વસાવાને મેદાનમાં ઉતારવા માંગે છે. ચેતર વસાવા હાલ વનકર્મીને ધમકાવવાના અને ફાયરિંગના મામલે જેલમાં બંધ છે.
હોટ સીટ છે ભરૂચ
ગુજરાતની ભરૂચ બેઠકથી હાલ ભાજપના આદિવાસી નેતા મનસુખ વસાવા સાંસદ છે. વસાવા 1998થી સતત ચૂંટણી લડે છે. આવામાં ભાજપના આ ગઢમાં કોંગ્રેસ પડકાર ફેંકશે કે પછી આમ આદમી પાર્ટી ડંકો વગાડશે. તે અંગે રાજકીય વર્તુળોમાં ખુબ ચર્ચા છે. ગુજરાત વિધાનસભામાં નેતા વિપક્ષ રહી ચૂકેલા સુખરામ રાઠવાના નિવેદનનો મામલો પણ ગરમાયો છે. તેમાં તેમણે અપ્રત્યક્ષ રીતે મુમતાઝની ચૂંટણી ન લડવા અંગેની વાત કરી. તેને કારણે ભરૂચ કોંગ્રેસના નેતાઓમાં નારાજગી છે. આમ આદમી પાર્ટી રાજ્યની જે લોકસભા બેઠકોથી ચૂંટણી લડવા માંગે છે તેમાં ભરૂચ તો પહેલા નંબરે છે. જેના સંકેત સંદીપ પાઠકના નિવેદનમાં પણ જોવા મળ્યા હતા. જેમણે કહ્યું હતું કે ગુજરાતમાં ભાજપ ચૈતર વસાવા સામેની લોકસભાની પહેલી સીટ હારશે.
હાલ ભાજપનો મજબૂત ગઢ છે ભરૂચ
ચૈતર વસાવા ભરૂચ બેઠકથી મનસુખ વસાવાને સીધી ટક્કર આપવા માંગે છે. આવામાં લોકસભા ચૂંટણી પહેલા જ ભરૂચ બેઠક જબરદસ્ત ચર્ચામાં આવી ગઈ છે. કોંગ્રેસના ચાણક્ય રહી ચૂકેલા અહેમદ પટેલે ખુબ નાની ઉંમરમાં આ બેઠક જીતીને પછી તો જીતની હેટ્રિક લગાવી હતી. પરંતુ 1989ની ચૂંટણીમાં ભાજપ સામે હાર મળ્યા બાદ પછી રાજ્યસભામાં ચૂંટાવા લાગ્યા હતા. ભરૂચ એક એવી સીટ છે જે હિન્દુત્વના ગઢના એપીસેન્ટર તરીકે પણ જોવામાં આવે છે. એક સમયે ગુજરાત સરકારના સંવેદનશીલ સ્થાનોમાં ટોપ પર રહેલા ભરૂચમાં લોકસભા બેઠક પર 1984થી ભાજપનો દબદબો છે. એટલું જ નહીં વિધાનસભા બેઠકો ઉપર પણ ભાજપનો પરચમ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube