હવામાન વિભાગે વળી પાછી ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. નવરાત્રી સમયમાં વરસાદના કારણે  ખેલૈયાઓના રંગમાં ભંગ પડી શકે છે. હવામાન ખાતાએ આગામી 4 દિવસ ક્યાં કયાં વરસાદ પડી શકે છે તે આગાહી કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લો પ્રેશર સક્રિય
હવામાન ખાતાના જણાવ્યાં મુજબ અરબી સમુદ્રમાં લક્ષદ્વીપ નજીક એક લો પ્રેશર સક્રીય થયું છે. લો પ્રેશરના કારણે ગુજરાત તરફ ભેજ આવશે. એવું કહેવાય છે કે આગામી 3થી 4 દિવસમાં તે મજબૂત થઈને ડિપ્રેશન પણ બની શકે તેવી શક્યતા છે. 


ગુજરાતને કેટલું નડશે?
ગુજરાતનો દરિયાકાંઠો અરબ સાગરવાળો છે. આ અરબ સાગરમાં લો પ્રેશર સર્જાયું છે. હાલ ભલે આ લો પ્રેશર લક્ષદ્વીપ પાસે બન્યું હોય પરંતુ તેની દિશા ઉત્તર પશ્ચિમ છે. જેના લીધે ગુજરાતમાં પણ વરસાદ જોવા મળી શકે છે. એમાં પણ જો આ લો પ્રેશર ગુજરાત સુધી પહોંચે તો જોખમ બની શકે. જો કે હાલમાં તો આ લો પ્રેશરની દિશા ઓમન તરફ રહે તેવી શક્યતા છે. 


આગામી 4 દિવસ વરસાદની આગાહી
હવામાન ખાતાએ આગામી 4 દિવસ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં છુટા છવાયા વરસાદની આગાહી કરી છે. ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નર્મદા સુરત ડાંગ વલસાડ નવસારી તાપીમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. 


અત્રે જણાવવાનું કે આ વખતે ચોમાસાની સીઝનમાં આવું આ 15મું લો પ્રેશર બન્યું છે. ચોંકાવનારી વાત એ છે કે અગાઉ જે 14 લો પ્રેશર બન્યા હતા તેમાંથી 6 જેટલા ડિપ્રેશન અથવા તો તેનાથી પણ આગળની શ્રેણી સુધી પહોંચ્યા હતા. જો આ લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાય તો તે ચાલુ મોનસુન સીઝનનું 7મું ડિપ્રેશન બનશે.