જુલાઈ મહિનામાં ભારતના મોટાભાગના રાજ્યોમાં રેકોર્ડબ્રેક વરસાદ નોંધાયા બાદ હવે ચોમાસું જાણે શાંત થવા જઈ રહ્યું છે. ભારતીય હવામાન ખાતા (IMD) એ એવા સંકેત આપ્યા છે. રવિવારે હવામાન ખાતાએ જાણકારી આપી કે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ નબળા તબક્કામાં પ્રવેશી ચૂક્યું છે. આવામાં મધ્ય અને પ્રાયદ્વિપીય ભારતમાં વરસાદની ગતિવિધિ ઘટવાના એંધાણ છે. જો કે આવનારા 4-5 દિવસમાં ઉત્તરાખંડ, ઉત્તર યુપી, ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને પૂર્વોત્તરમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. ગુજરાતમાં હવે  આગામી સમયમાં વરસાદની કેવી સ્થિતિ રહેશે તે પણ ખાસ જાણો. આ ઉપરાંત અંબાલાલ પટેલે આગામી સમયમાં વાવાઝોડાની પણ શક્યતા વ્યક્ત કરી છે તે અંગે પણ ખાસ જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નબળું પડશે ચોમાસું
હવામાન વિભાગના મહાનિદેશક એમ મોહાપાત્રાનું કહેવું છે કે ચોમાસું હવે નબળા તબક્કામાં પ્રવેશી ચૂક્યું છે. અમે આખા જુલાઈમાં ચોમાસાનો સક્રિય તબક્કો જોયો. તેમણે જણાવ્યું કે હવે એક્ટિવ ફેઝ બાદ વીક ફેઝની અપેક્ષા છે. તેમણે કહ્યું કે આગામી ઓછામાં ઓછા એક સપ્તાહ માટે પ્રાયદ્વિપીય અને મધ્ય ભારતમાં ઓછો વરસાદ પડશે. હિમાલયની તળેટી અને પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદ પડશે. વરસાદની કમીનો સામનો કરી રહેલા બિહાર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને ઉત્તર પ્રેદશના કેટલાક ભાગો જેવા રાજ્યોમાં વરસાદની આશા છે. 


4-5 દિવસ સુધી અહીં જોવા મળશે અસર
હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 4-5 દિવસ સુધી મધ્ય અને પ્રાયદ્વિપિય ભારતમાં વરસાદમાં ઘટાડો નોંધાઈ શકે છે. હવામાનના જાણકાર અને પૂર્વ સચિવ એમ રાજીવને પણ ટ્વીટ કરીને કહ્યું કે ચોમાસું  બ્રેકનો સમય હવે શરૂ થયો છે. જે 2 અઠવાડિયા સુધી રહી શકે છે. ઉત્તર ભારતમાં અતિભારે વરસાદ પડશે અને સમગ્ર દેશમાં મોનસુન શુષ્ક રહેશે. એક્ટિવ ફેઝ બાદ હવે બ્રેક ફેઝ આવી ગયો છે. 


તેમણે કહ્યું કે ચોમાસાની નબળી સ્થિતિ ઓછામાં ઓછા 20 ઓગસ્ટ સુધી રહેશે. તેમણે તેને અલ નીનોની અસર ગણાવી છે. રાજીવને કહ્યું કે ચોમાસાના નબળા તબક્કા દરમિયાન મોનસુન ટ્રફ હિમાલયની નજીક જતું રહે છે અને તેની તળેટીમાં જ રહે છે. અસમમાં પૂરની આશંકા છે, કારણ કે નેપાળમાં ભારે વરસાદ પડી રહ્યો છે. બિહારમાં પણ પૂર આવી શકે છે. 


અલ નીનોની અસર
એવું કહેવાય છે કે અલ નીનો ઓગસ્ટમાં વધુ મજબૂત થઈ શકે છે. જેના પગલે મોનસૂનનો વરસાદ નબળો પડી શકે છે. જો કે હજુ પણ અલગ નીનોની સ્થિતિ બનેલી છે જે આગામી વર્ષ સુધી જઈ શકે છે. 


ગુજરાતમાં ભુક્કા કાઢી નાંખે એવી ગરમી પડશે?
દેશમાં ચોમાસું નબળા તબક્કામાંથી હાલ પસાર થઈ રહ્યું હોવાનું હવામાન ખાતું કહી રહ્યું છે. જ્યારે આગાહીકાર અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે કે, ઓગસ્ટમાં ગરમીની શરુઆત થઈ જશે પરંતુ 13 સપ્ટેમ્બરથી 23મી ઓક્ટોબર સુધી ગરમી રહેવાની શક્યતાઓ છે. નવેમ્બરમાં પણ ગરમી રહેવાની શક્યતાઓ છે. 


બિપરજોય કરતા પણ ખતરનાક વાવાઝોડું આવશે?
આ બધા વચ્ચે પણ વાવાઝોડાનો અને ચક્રવાતોનો ખતરો તો રહેલો જ છે એવું અંબાલાલ પટેલનું માનવું છે. તેમનું એવું માનવું છે કે આગામી સમયમાં ગુજરાત પર ચક્રવાતનો ખતરો પણ મંડરાઈ રહ્યો છે. ગુજરાત પર ભારે વરસાદ, પુર, ભુક્કા કાઢી નાંખે એવી ગરમી, વાવાઝોડું અને ચક્રવાત આ બધા જ સંકટ તોળાઈ રહ્યાં છે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે.


ગુજરાતમાં ગમે ત્યારે આવી શકે છે ચક્રવાત
અંબાલાલ પટેલે જણાવ્યું છેકે, બિપોરજોય ગયું પણ ગુજરાત પર એના જેવા જ બીજા સંકટોના વાદળો ઘેરાઈ રહ્યાં છે. ઓક્ટોમ્બર અને  નવેમ્બર માસમાં ચક્રવાતોનું પ્રમાણ વધશે. 17થી 20 ઓક્ટોબર દરમિયાન ચક્રવાતો વધશે અને ડિસેમ્બર સુધી ચક્રવાતોની અસર રહી શકે છે.


ગુજરાતમાં પુર આવી શકે છે?
આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છેકે, મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થવાની શક્યતાઓને જોતા તેમણે નર્મદા નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે જેના કારણે સરદાર સરોવર ડેમનું જળ સ્તર ખાસ્સું વધવાની શક્યતાઓ છે તેવું અંબાલાલનું માનવું છે. આ સિવાય તેમણે તાપી અને નર્મદા નદી પણ બે કાંઠે થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ સિવાય તેમણે ઉત્તરભારતમાં પણ ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube