Gujarat Rain Alert: રાયગઢમાં મૃત્યુઆંક 22 થયો, ગુજરાત માટે વરસાદની ખતરનાક આગાહી, આ જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર
Weather Forecast Today: વરસાદ અંગે સૌથી મોટું અલર્ટ ગુજરાત માટે જાહેર કરાયું છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ ગુજરાતમાં 3 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જાણો કયા વિસ્તારો માટે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે.
Weather Forecast Today: દેશની આર્થિક રાજધાની મુંબઈમાં સતત પડી રહેલા વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ત્યારબાદ શુક્રવારે ત્યાં ટ્રાફિક જામ જોવા મળ્યો. મુંબઈના ચેમ્બુરમાં વરસાદના પાણી ઘરમાં ઘૂસી ગયા. હવામાન વિભાગે મુંબઈ અને આજુબાજુના વિસ્તારોમાં આજે પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જે જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે તેમાં પાલઘર, મુંબઈ, થાણા, રાયગઢ અને રત્નાગિરિ સામેલ છે. ગુજરાતમાં પણ આજે અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.
ગુજરાતમાં આજે અત્યંત ભારે વરસાદની આગાહી
વરસાદ અંગે સૌથી મોટું અલર્ટ ગુજરાત માટે જાહેર કરાયું છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ ગુજરાતમાં 3 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જેના કારણે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. જે જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે તેમાં ભાવનગર, તાપી, ડાંગ, વલસાડ જિલ્લાઓ સામેલ છે. નવસારી, વલસાડ, ડાંગમાં ભારેથી અતિભારેની આગાહી છે. અધિકારીઓને સતર્ક રહેવાનું જણાવવામાં આવ્યું છે અને રાહત બચાવ અભિયાનની તૈયારી રાખવાના નિર્દેશ અપાયા છે.
અંબાલાલ પટેલની આગાહી
આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુ એક ઘાતક આગાહી કરી છે. જોકે, રાજ્ય પર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે રાજ્યભરમાં ઓછા-વધતા પ્રમાણમાં વરસાદ થઈ રહ્યો છે અને આગામી દિવસોમાં પણ યથાવત રહેવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. અંબાલાલ પટલે અગાઉ હાલના સમય માટે આગાહી કરીને ભારે વરસાદનો વરતારો કર્યો હતો, જોકે હજુ પણ તેમણે ભારે વરસાદ રાજ્યભરના વિવિધ ભાગોમાં થવાની સંભાવના વ્યક્ત કરી છે. જેમાં તેમણે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ ખાબકવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આગામી સમયમાં દક્ષિણ ગુજરાતમાં ડાંગ, વલસાડ, સુરત, નવસારીમાં ભારે વરસાદની આગાહી છે. મજબૂત ગસ્ટ ગુજરાત તરફ ભારે ભેજ લઈને આવી રહ્યું છે.
24 જુલાઈ સુધી ભારે વરસાદ રહેશે. જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થશે. દક્ષિણ ગુજરાતના આહવા ડાંગ વલસાડ, નવસારી, સુરતમાં પણ ભારે વરસાદ રહેશે તેવી સંભાવનાઓ અંબાલાલ વ્યક્ત કરી રહ્યા છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ અને અમદાવાદના ભાગો સુધી ભારે વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ રહેશે. વરસાદી પવનનુ જોર પણ વધશે. અંબાલાલે પવન સાથે ભારે વરસાદ થવાની સંભાવનાઓ સાથે ખેડૂતોને બાગાયતી પાકોનુ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠાના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે.
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. આ કારણે મધ્ય સૌરાષ્ટ્રમાં જળબંબાકારની સ્થિતિ સર્જાશે. આ ઉપરાંત દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, ગોધરા, કચ્છ, અરવલ્લી, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતમાં વડોદરા , આણંદ, અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી છે. 22, 23 અને 24 તારીખ સાર્વત્રિક વરસાદ ગુજરાતમાં રહેશે. વરસાદનું બીજું વહન 27 તારીખે આવશે. વરસાદના બીજા વહનમાં ઉત્તર ભારતની નદીઓમાં પુર આવશે.
અંબાલાલ પટેલે વધુમા જણાવ્યુ છે. કે ઓગસ્ટમાં ભૂ-મધ્ય મહાસાગર પર ત્રણ સ્ટોમ સક્રિય થશે. જે સ્ટોર્મની અસરથી અરબ સાગરનો ભેજ સક્રિય થતા સ્ટોર્મ તરફ ખેચાશે. ઓગસ્ટમાં આ ગતિવિધીના કારણે વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ ભૂ-મધ્ય મહાસાગરના ઉપરના ભાગોમાં વેપારી પવનો ફૂકાશે. અરબ સાગરનો ભેજ તથા બંગાળના ઉપસાગરના ભેજના કારણે વરસાદ પડશે.
રાયગઢમાં મૃત્યુઆંક 22 થયો
મહારાષ્ટ્રના રાયગઢમાં લેન્ડસ્લાઈડની ઘટનામાં મૃતકોની સંખ્યા 22 થઈ છે. ત્યાં ગામડું લેન્ડસ્લાઈડની ઝપેટમાં આવી ગયું હતું. પાલઘરના કેટલાક વિસ્તારો માટે પણ વરસાદનું રેડ એલર્ટ જાહેર કરેલું છે. રાયગઢના ઈરશાલવાડી ગામમાં તબાહી મચેલી છે.
ઉત્તરાખંડ માટે ઓરેન્જ એલર્ટ
હવામાન ખાતાએ આગામી 24 કલાક માટે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ શનિવાર બપોર સુધી અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. પ્રદેશમાં ટિહરી, પૌડી દેહરાદૂન, હરિદ્વાર, ઉત્તરકાશી, પિથૌરાગઢ, બાગેશ્વર અને ચંપાવતમાં ભારે વરસાદની શક્યતા છે. ઓરેન્જ એલર્ટની ચેતવણી યથાવત છે.
મધ્ય પ્રદેશ માટે પણ એલર્ટ
હવામાન ખાતાએ મધ્ય પ્રદેશના બૈતૂલ, રતલામ, ઉજ્જૈન, છિંદવાડા, સીહોર, હરદા, ખંડવા, ખરગૌન, દેવાસ અને ઈન્દોરમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરેલું છે. જ્યારે નરસિંહપુર, સિવની, બાલાઘાટ, રાયસેન, નર્મદાપુરમ, બડવાની, ઝાબુઆ, ધાર, શાજાપુર, મંદસૌર, અને નીમચમાં મધ્યમ વરસાદનું એલર્ટ જાહેર કરેલું છે.
હિમાચલમાં પણ ફરી વરસાદનો જોવા મળશે કહેર
હિમાચલ પ્રદેશમાં એકવાર ફરીથી ભારે વરસાદની આગાહી છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ શિમલા, સોલન, સિરમૌર, ઉના, હમીરપુર, લાહૌલ સ્પિતિ અને કિન્નોરમાં આગામી 3 દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે. જેને જોતા રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.