મિશન કર્ણાટક : કોંગ્રેસે ભાડે લીધો ફ્લેટ, BJP શોધી રહી છે અમિત શાહ માટે ઘર
કર્ણાટકમાં એપ્રિલમાં ચૂંટણીની સંભાવનાને જોતાં ભાજપ કોંગ્રેસ બંને રણમેદાનમાં આવી ગયા છે. મિશન કર્ણાટક માટે કોંગ્રેસ ભાજપના દિગ્ગજ નેતાઓ કર્ણાટકમાં ધામા નાંખી રહ્યા છે જેમાં કોંગ્રેસે તો ફ્લેટ પણ ભાડે રાખી લીધો છે તો જ્યારે ભાજપ અમિત શાહ માટે ઘર શોધી રહી છે.
બેંગલુરૂ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જાહેર કાર્યક્રમની સાથે જ કર્ણાટકમાં ચૂંટણી શંખનાદ કર્યો છે. જેમાં તેમણે કહ્યું હતું કે, કર્ણાટકમાં હવા બદલાઇ રહી છે અને કોંગ્રેસ હવે EXIT ગેટ પર ઉભી છે. આ સાથે જ આગામી એપ્રિલ માસમાં થનાર વિધાનસભા ચૂંટણીને લઇને રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ આગામી 10-12 ફેબ્રુઆરી દરમિયાન કર્ણાટક રાજ્યના ત્રણ દિવસના પ્રવાસે આવનાર છે. ચૂંટણીને પગલે રાજ્યમાં રાજકીય સમીકરણો તેજ બન્યા છે. ભાજપ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હવે કર્ણાટક તરફ નજર દોડાવી રહ્યા છે. જેમાં કોંગ્રેસે તો અહીં ફ્લેટ ભાડે રાખી લીધો છે જ્યારે ભાજપ દ્વારા અમિત શાહ માટે ઘરની શોધ ચલાવાઇ રહી છે.
ભાજપની કેવી છે રણનીતિ?
મિશન કર્ણાટક માટે ભાજપે તખ્તો તૈયાર કરી દીધો છે. ભાજપના મુખ્ય રણનીતિકાર એવા અમિત શાહે કમાન સંભાળી છે અને અહીં એમના રોકાણ માટે ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. એરપોર્ટ નજીકના વિસ્તારમાં ભાજપ દ્વારા એમના માટે એક ઘરની શોધ ચાલી રહી છે. ધ ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર પાર્ટીએ કેટલાક સમય પહેલા જ પાર્ટી અધ્યક્ષ સહિત મુખ્ય રણનીતિકારો માટે એક ખાસ વિલા ખરીદવાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. પરંતુ બાદમાં આ પ્લાન પડતો મુકાયો હતો. ભાજપે 224 સભ્યોની વિધાનસભાની ચૂંટણી માટે ગત નવેમ્બરથી જ ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે. જે અંતર્ગત ચૂંટણીમાં પાર્ટીના ચહેરા અને પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદુરપ્પાએ પરિવર્તન યાત્રા કરી તમામ વિસ્તારોમાં રેલી કાઢી હતી. અમિત શાહે આ યાત્રાને લીલી ઝંડી આપી હતી તો રવિવારે પીએમ મોદીની રેલી સાથે આ યાત્રાનું સમાપન થયું. આ સાથે છેલ્લા બે મહિનાથી પાર્ટી બૂથ લેવલે સંગઠનને મજબૂત કરવાના પ્રયાસો થઇ રહ્યા છે.
કોંગ્રેસની રણનીતિ કેવી છે?
ચૂંટણીને જોતાં કોંગ્રેસે પણ પોતાના દિગ્ગજ નેતાઓ માટે બેંગલુરૂમાં બે મોટા ફ્લેટ ભાડે લીધા છે. એઆઇસીસી જનરલ સેક્રેટરી કેસી વેણુગોપાલ અને ચાર સચિવા માણિકરામ ટેગૌર, પીસી વિષ્ણુનાથ, મધુ યાશકી ગોડ અને સાકે શૈલજાનાથના રોકાણ માટે ફ્લેટ ભાડા પર લેવાયો છે. ચાર બેડરૂપના ફ્લેટમાં આ ચારેય સચિવો રોકાશે અને એમના પાસેના બીજા ફ્લેટમાં કેસી વેણુંગોપાલના રોકાવાની વ્યવસ્થા કરવામાં આવી છે. પાર્ટી સુત્રોના જણાવ્યા અનુસારા આ ફ્લેટનું લોકેશન પાર્ટી ઓફિસ અને વિધાનસભા પાસે છે જેની પાછળ હેતુ એ છે કે ચારે નેતાઓ ચૂંટણી રણનીતિ બનાવવા માટે અન્ય નેતાઓ અને કાર્યકરો સાથે આસાનીથી મળી શકે.
આ સાથે રાજ્યમાં સત્તાધારી કોંગ્રેસે 1લી ફેબ્રુઆરીથી લોકો સાથે સંપર્ક માટે ચૂંટણી પૂર્વે અભિયાન શરૂ કરી દીધું છે. 15 ફેબ્રુઆરીથી એક માર્ચ સુધી તમામ કમિટીઓથી લઇને બુથ લેવલ સુધી મળવાની યોજવાની છે. એ પછી 1લી માર્ચછી લઇને 20 માર્ચ સુધી રાજ્યના વરિષ્ઠ નેતાઓ રાજ્યમાં બસ દ્વારા લોકસંપર્ક માટે પરિભ્રમણ કરશે.