મુંબઈ: ગુલશનકુમાર હત્યા કેસ સંબંધિત અરજી પર બોમ્બે હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપી દીધો છે. જેમાં મર્ડરના એક દોષિત રઉફ મર્ચન્ટની સજાને યથાવત રાખવામાં આવી છે. રઉફ મર્ચન્ટ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનો સાથી છે જેને સેશન કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી હતી. હાઈકોર્ટે રમેશ તોરાની અંગેની મહારાષ્ટ્ર સરકારની અરજી જોકે ફગાવી દીધી છે. આ ઉપરાંત અન્ય એક આરોપી અબ્દુલ રશિદ, જેને અગાઉ સેશન્સ કોર્ટે છોડી મૂક્યો હતો તેને પણ હાઈકોર્ટે દોષિત ઠેરવ્યો. જસ્ટિસ જાધવ અને જસ્ટિસ બોરકરે અરજી પર ચુકાદો આપ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીનું જાણીતુ નામ ગણાતા ટી સિરીઝ કંપનીના માલિક ગુલશનકુમારની 12 ઓગસ્ટ 1997ના રોજ મુંબઈના અંધેરી વિસ્તારમાં આવેલા એક મંદિરની બહાર ગોળી મારીને હત્યા કરાઈ હતી. તેમાં કેટલાક લોકોની ધરપકડ કરાઈ હતી. કેટલાક લોકો પર હજુ કેસ ચાલુ છે. 


ગુલશનકુમાર મંદિરમાં પૂજા કરવા માટે પહોંચ્યા હતા અને તે દરમિયાન હુમલાખોરોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. તપાસમાં એવી વાત સામે આવી હતી કે અંડરવર્લ્ડના ડોન અબુ સાલેમના ઈશારે તેના સાથીઓએ આ હત્યાને અંજામ આપ્યો હતો. ગુલશનકુમારના પિતાની જ્યૂસની દુકાન હતી પરંતુ ગુલશનકુમારે મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાં ઓળખ બનાવી. તેમણે ટી સિરીઝની સ્થાપના કરી જે સંગીત જગતમાં દેશની જાણીતી કંપનીઓમાંથી એક છે. ભક્તિ સંગીતની કેસેટો દ્વારા ગુલશનકુમારે સમગ્ર દેશમાં સંગીતની દુનિયામાં ક્રાંતિ લાવવાનું કામ કર્યું હતું. ટી સિરીઝે અનેક ફિલ્મો પણ પ્રોડ્યૂસ કરી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube