હૈદરાબાદઃ હૈદરાબાદ ટાસ્ક ફોર્સ પોલીસ અને સૈફાબાદ પોલીસે એક સંયુક્ત ઓપરેશનમાં રૂ.7.51 કરોડની રોકડ રકમ સાથે ચાર વ્યક્તિની ધરપકડ કરી છે. તેમની પાસે આટલી મોટી રોકડ રકમ ક્યાંથી આવી તેના અંગે પુછપરછ ચાલી રહી છે. આ અગાઉ પણ 29 ઓક્ટોબરના રોજ વાહન ચેકિંગ દરમિયાન પોલીસે રૂ.1 કરોડ 20 લાખ 50 હજારની રોકડ રકમ પકડી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેલંગાણામાં 7 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ અને સરકારી તંત્ર એકતમ સચેત થઈ ગયું છે. દરેક સડક પર પોલીસ તૈનાત કરવામાં આવી છે અને એક-એક વાહનની તપાસ કરવામાં આવી રહી છે. 


પોલીસે કેસ દાખલ કરીને આરોપીઓની પુછપરછ ચાલુ કરી છે. આરોપીઓ પાસે આટલી મોટી રકમ ક્યાંથી આવી, તેનો માલિક કોણ છે અને તેઓ આટલી રોકડ રકમ લઈને ક્યાં જઈ રહ્યા હતા તેના અંગે પોલીસ પુછપરછ કરી રહી છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે, તેમના જેવા બીજા એવા કેટલા લોકો છે જે આ પ્રકારની ગતિવિધિમાં સંડોવાયેલા છે. 


ઉલ્લેખનીય છે કે, તેલંગાણામાં 7 ડિસેમ્બર, 2018ના રોજ એક જ તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. અહીં મતગણતરી 11 ડિસેમ્બરના રોજ અન્ય 4 રાજ્યોની વિધાનસભાની મતગણતરી સાથે જ થવાની છે. તેલંગાણામાં 12 નવેમ્બરના રોજ ઉમેદવારીપત્ર ભરવાનું જાહેરનામું બહાર પડશે. ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 19 નવેમ્બર છે અને નામ પાછા ખેંચવાની અંતિમ તારીખ 22 નવેમ્બર છે. 



વર્તમાનમાં અહીં કે.ચંદ્રશેખર રાવના નેતૃત્વવાળી પાર્ટી તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS) સત્તામાં હતી. સી.એમ. ચંદ્રેશેખર રાવની ભલામણથી 6 સપ્ટેમ્બર 2018ના રોજ વિધાનસભા ભંગ કરી દેવામાં આવી હતી. આથી, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને મિઝોરમની સાથે તેલંગાણાની ચૂંટણી થઈ રહી છે. 7 ડિસેમ્બરના રોજ તેલંગાણા અને રાજસ્થાનમાં એકસાથે મતદાન થવાનું છે.