ઝી બ્યૂરો, અમદાવાદઃ ચૈત્ર સુદ એકમ એ મરાઠી નવા નર્ષનો પ્રથમ દિવસ છે. આજથી મરાઠીઓના નવા વર્ષનો પ્રારંભ થાય છે. આજના દિવસે મરાઠી સમાજના લોકો એકબીજાને મળીને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવે છે. આજના દિવસને ગુડી પાડવો કહેવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભગવાન રામ સાથે જોડાયેલી છે ગુડી પાડવા અંગેની દંતકથાઃ
ગુડી પાડવા એવી દંતકથા પ્રચલિત છે કે પ્રભુ શ્રી રામચંદ્ર ચૌદ વર્ષનો વનવાસ ભોગવી, લંકાપતિ રાવણનો વધ કરી વિજયી થઇ જે દિવસે અયોધ્યા પાછા ફર્યા તે દિવસ ચૈત્ર સુદ એકમ હતી. અયોધ્યા નગરીના લોકોએ ઘેર- ઘેર ગુડી, તોરણો ઊભા કરી રામના પાછા ફરવાનો આનંદ વ્યક્ત કર્યો. તે સંદર્ભે ગુડી પડવાનો આ તહેવાર દર વર્ષે ઉજવવામાં આવે છે. ગુડી પડવાને ‘વર્ષ પ્રતિપદા’ તરીકે પણ ઓળખવામાં આવે છે.


આ દિવસથી રામનવમી સુધી રામ મંદિરમાં કીર્તનનો પ્રારંભ થાય છે
આ દિવસની શરૂઆત કડવા લીમડાનાં પાન ખાવાથી કરવાની પ્રથા છે. કડવા લીમડાને આ અરસામાં નવા પાન ફૂટેલા હોય છે. તેના કૂમળા પાન લઇ તેમાં ગોળ, જીરું, સ્વાદ પૂરતું મીઠું અને લીંબુ નાંખી તેને વાટીને ગોળી બનાવવામાં આવે છે. આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે કડવો લીમડો અત્યંત આરોગ્યપ્રદ અને કીટનાશક છે. આ ઊભી કરેલી ગુડીને સંધ્યા સમયે ઉતારવામાં આવે છે. ગામમાં જ્યાં રામનું મંદિર હોય ત્યાં રાયડાની માળા અર્પણ કરવામાં આવે છે. હળદર- કંકુ, ચોખા ચડાવીને પછી જ ગુડી ઉતારવામાં આવે છે. આ દિવસથી રામનવમી સુધી રામ મંદિરમાં કીર્તનનો પ્રારંભ થાય છે.


કેવી રીતે કરવામાં આવે છે ગુડી પાડવાની પૂજાઃ
મહારાષ્ટ્રમાં આ દિવસે ઘરના આંગણામાં પાંચ પાંડવોની 5 રતિકૃતિ તૈયાર કરી તેની આસપાસ સુંદર રંગોળી કરવામાં આવે છે. ગામડાંઓમાં આંગણામાં ગાયના છાણથી લીંપીને તેની પર આ રંગોળી તૈયાર કરાય છે. આ જગ્યાએ ગુડી (લાકડી) ઊભી કરવામાં આવે છે. ગુડીની પૂજા કરવામાં આવે છે.


ગુડી પાડવાની પૂજા પહેલાં કેવી રીતે કરાય છે તૈયારીઓઃ
ગુડી ઊભી કરતાં પહેલાં લાકડીને તેલ લગાવી તેને ચોખ્ખા પાણીથી ધોઇ લેવામાં આવે છે. તેને હળદર- કંકુ ચડાવવામાં આવે છે. ગુડી માટે પિત્તળનો કે ચાંદીનો લોટો, કડવા લીમડાની ડાળી, હાયડા, નાનું કાપડ, સાડ, ફૂલનો હાર વગેરે સામગ્રી લેવામાં આવે છે. લાકડીના છેડે નાના રંગીન કપડાંને ફીટ બાંધી તેના પર લોટો ઊંધો મૂકવામાં આવે છે. આ ઊંધા લગાવેલા લોટામાં કડવા લીમડાની ડાળી લગાવી હાયડાનો હાર પહેરાવવામાં આવે છે. લાકડી પર સાડી જે રીતે પહેરાય તે રીતે લાકડીને સાડી પહેરાવાય છે. ઘરના આગળના ભાગમાં રસ્તા પરથી પણ સરળતાથી જોઇ શકાય તે રીતે ગુડીને બાંધવામાં આવે છે. આ ગુડીને રામના સ્વાગત માટે શુભ ધ્વજના પ્રતીકરૂપ ગણવામાં આવે છે. ગુડી ઊભી કર્યા પછી તેના પર હળદર કંકુ ચડાવવામાં આવે છે. ઘરના પ્રવેશદ્વાર પર આંબાની ડાળી અને તોરણ લગાવવામાં આવે છે. નવા વર્ષના પંચાંગની પૂજા કરવામાં આવે છે.


શાળામાં આ દિવસે કરાય છે પાટી પૂજનઃ
આ દિવસે નાનાં બાળકો પાસે શાળામાં પાટી પૂજન એટલેકે, સરસ્વતી પૂજન કરાવવામાં આવે છે. પાટી પર ચંદ્ર, સૂર્ય, સરસ્વતી દોરી પાટીની એટલે કે વિદ્યાની પૂજા કરવામાં આવે છે


સારા કાર્યો માટે શુભ મનાય છે ગુડી પડવાનો દિવસઃ
ગુડી પડવાનો દિવસ વર્ષના વણજોયા સારા મુહૂર્ત પૈકીનો એક દિવસ છે. આ દિવસ વર્ષના વણજોયા સાડાત્રણ મુહૂર્ત પૈકીનો એક છે. સામાન્ય રીતે હિંદુઓ કોઇ પણ નવી બાબતનો પ્રારંભ કરવા માટે શુભ દિવસ જ પસંદ કરે છે.નવા ઘરમાં રહેવા જવું. કીમતી વસ્તુઓની ખરીદી કરવી. વગેરે બાબતો માટે આ દિવસ શુભ મનાય છે. 


કેમ શુભ મનાય છે આ દિવસઃ
આજનો દિવસ એટલે ચૈત્ર સુદ એકમ. આજથી પવિત્ર ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થાય છે. એટલું જ નહીં આ દિવસે નવા સંવતનો પણ પ્રારંભ થાય છે. એજ રીતે આજથી નવું પંચાંગ પણ શરૂ થાય છે. હિંદુ કાળગણના પ્રમાણે શાલિવાહન શકની શરૂઆત આ દિવસે જ થઇ હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube