શમી પછી હવે ટીમ ઈન્ડિયાનો `આ` ક્રિકેટર મુશ્કેલીમાં ફસાયો, કોર્ટનો FIR દાખલ કરવાનો આદેશ
જોધપુરની એક સ્પેશિયલ એસસી/એસટી કોર્ટે પોલીસને હાર્દિક પંડ્યા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવાનો આદેશ આપ્યો છે.
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા પોતાની એક ટ્વિટથી મુશ્કેલીમાં મૂકાયો છે. બંધારણના ઘડવૈયા ડો.ભીમરાવ આંબેડકર પર કરેલી એક ટિપ્પણીના કારણે વિવાદમાં ફસાયો છે. જોધપુરની એક સ્પેશિયલ એસસી/એસટી કોર્ટે પોલીસને હાર્દિક પંડ્યા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવાનો આદેશ આપ્યો છે. હકીકતમાં હાર્દિક પંડ્યા વિરુદ્ધ કોર્ટમાં અરજી કરાઈ હતી અને તેની સામે એફઆઈઆર દાખલ કરવાની માંગણી કરાઈ હતી જેને કોર્ટે સ્વીકારી લીધી.
ટ્વિટ કરીને ફસાયો હાર્દિક પંડ્યા
પંડ્યા વિરુદ્ધ કોર્ટમાં અરજી દાખલ કરનારા ડી.આર.મેઘવાલનું કહેવું છે કે 26 ડિસેમ્બર, 2017ના રોજ પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી બંધારણના ઘડવૈયા ડો.ભીમરાવ આંબેડકર વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. મેઘવાલે આરોપ લગાવ્યો છે કે પંડ્યાની આ પોસ્ટમાં ડો. ભીમરાવ આંબેડકરનું અપમાન જ કરાયુ એટલુ નહીં પરંતુ દલિત સમુદાયના લોકોની ભાવનાને પણ ઠેસ પહોંચી છે.
પંડ્યાએ કરી હતી ટ્વિટ- કોણ આંબેડકર?
ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં છપાયેલા અહેવાલ મુજબ મેઘવાલનું કહેવું છે કે પંડ્યાએ ટ્વિટ કરીને કહ્યું હતું કે 'કોણ આંબેડકર? તેમણે કહ્યું કે પંડ્યાએ ટ્વિટમાં લખ્યું હતું કે એ વ્યક્તિ કે જેણે દેશના બંધારણનો ડ્રાફ્ટ તૈયાર કર્યો કે પછી એ વ્યક્તિ કે જેણે દેશને અનામત નામની એક બિમારી આપી.' અત્રે જણાવવાનું કે મેઘવાલ પોતાને રાષ્ટ્રીય ભીમ સેનાના સભ્ય ગણાવે છે.