પટણા: બિહારની રાજધાની પટણા પહોંચ્યા બાદ પાટીદાર નેતા હાર્દિક પટેલે લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવ સાથે મુલાકાત કરી. શનિવારે આરજેડી નેતા તેજસ્વી યાદવના નિવાસસ્થાને હાર્દિક પટેલ તેમને મળવા માટે પહોંચ્યાં. તેજસ્વીએ હાર્દિકનું સ્વાગત કર્યું અને બંને ગળે મળ્યાં. તેજસ્વીએ હાર્દિક પટેલ સાથેની મુલાકાતની તસવીર પણ ટ્વિટર ઉપર શેર કરી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેજસ્વી યાદવે ટ્વિટર પર તસવીર શેર કરતા લખ્યું કે મહાત્મા ગાંધીની જન્મભૂમિથી ચાલીને કર્મભૂમિ પધારેલા યુવાસાથી હાર્દિક પટેલ સાથે મુલાકાત થઈ. અમે યુવા દક્ષિણપંથી અધિનાયકવાદના ખાત્મા, સમતામૂલક સમાજના નિર્માણ, ખેડૂતો અને યુવાઓના હિતો માટે સંઘર્ષ કરી રહ્યાં છીએ. અમે તાનાશાહી તાકાતો સામે મળીને ડટીને લડીશું અને જીતીશું.


હાર્દિક પટેલ શનિવારે તેજસ્વી યાદવને મળ્યો તે પહેલા જાગરૂક સંમલનમાં સામેલ થયો હતો. અહીં તેણે બિહારની રાજનીતિ અને નીતિશકુમાર પર આકરા પ્રહારો કર્યાં. હાર્દિક પટેલે નીતિશકુમાર પર આકરા પ્રહારો ઉપરાંત કુર્મી, કુશવાહા અને ધાનુકને એકજૂથ થઈને તેમની સામે લડવાનું આહ્વાન કર્યું.



અહીં હાર્દિકે પોતાનું નામ પણ બદલી નાખ્યું અને કહ્યું કે મારુ નામ કુર્મી ધાનુક હાર્દિક પટેલ છે. મુખ્યમંત્રી નીતિશકુમાર પર નિશાન સાધતા તેણે કહ્યું કે આ વખતે નીતિશકાકાએ મને એટલા માટે ન બોલાવ્યો કારણ કે દિલ્હીવાળા નારાજ થઈ જશે. હું કહીશ કે કાકા મારાથી કેમ ડરી ગયા? અમે નાલંદાથી ચૂંટણી લડવાના નથી.


હાર્દિક પટેલ અને તેજસ્વી યાદવની મુલાકાતથી સ્પષ્ટ છે કે બંનેએ કુર્મી, કુશવાહા અને ધાનુક મતોને પોતાની તરફેણમાં કરવા ની કવાયત શરૂ કરી દીધી છે. જેના કારણે સત્તાપક્ષમાં પણ કુર્મી, કુશવાહા અને ધાનુક મતોની ચિંતા શરૂ થઈ ગઈ હશે.