HARIDWAR YATRA: હરિદ્વારમાં કેમ થાય છે અસ્થિઓનું વિસર્જન? અહીં કેમ રખાય છે દરેક વંશની નોંધણી? જાણો હરિદ્વાર વિશેની રોચક વાતો
હરદ્વાર હિન્દુ ધર્મનું પવિત્ર નગર છે, જેનો વહીવટ નગર નિગમ બોર્ડ કરે છે. હિન્દી ભાષામાં હરદ્વારનો અર્થ હરિ(`ઇશ્વર`) થાય છે. હરદ્વાર હિંદુઓના સાત પવિત્ર સ્થળો પૈકીનું એક છે. સાત મોક્ષદાયિની નગરીઓમાંની એક હરિદ્વાર ગણાય છે જેના દર્શન કરી દરેક વ્યકિત પોતાના જીવનમાં કંઇક જોયું, જાણ્યું હોય તેવી પ્રતીતિ કરે છે. હરિદ્વારનો ઈતિહાસ,હરિદ્વારમાં ક્યા પર્વનું થાય છે આયોજન,હરિદ્વારમાં હિંદુ વંશની નોંધણી,હરિદ્વારમાં ગંગા આરતી આ આર્ટિકલમાં જાણો આ તમામ બાબતો વિશે.
નિરજ ચોકસી, અમદાવાદઃ હરદ્વાર સમુદ્રની સપાટીથી 3139 મીટરની ઊંચાઇ પર સ્થિત છે. ગંગોત્રી હિમશિખરથી 253 કિલોમીટરની પહાડોમાં યાત્રા કરી ગંગા નદી હરદ્વાર ખાતેથી મેદાની ક્ષેત્રમાં પ્રવેશ કરે છે, આથી જ હરદ્વારને ગંગાદ્વારના નામથી પણ ઓળખવામાં આવે છે. હરદ્વારમાં કુંભનો મેળો પણ યોજાય છે. હરદ્વારનો ઉલ્લેખ પૈરાણિક કથાઓમાં કપિલસ્થાન, ગંગાદ્વાર તેમ જ માયાપુરીના નામે કરવામાં આવ્યો છે.
હરદ્વાર અને હરિદ્વાર
હરદ્વાર ચારધામ યાત્રા માટેનું પણ પ્રવેશદ્વાર છે. આથી જ ભગવાન શિવના અનુયાયીઓ હરદ્વાર અને ભગવાન વિષ્ણુના અનુયાયીઓ હરિદ્વાર નામથી આ સ્થળનો ઉલ્લેખ કરે છે. હર એટલે શિવ અને હરિ એટલે વિષ્ણુ. મહાભારતના બાણપર્વમાં ધૌમ્ય ઋષિ, રાજા યુધિષ્ઠિરને ભારતનાં તીર્થસ્થળો વિશે કહે એમાં ગંગાદ્વાર અર્થાત હરદ્વાર અને કનખલનાં તીર્થોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
કપિલ ઋષિનો આશ્રમ પણ અહીં જ હતો, એથી અહીંનુ પ્રાચીન નામ કપિલ અથવા કપિલસ્થાન મળે છે. મહાન રાજા ભગીરથ, જે સૂર્યવંશી રાજા સગરના પ્રપૌત્ર હતા, ગંગાજીને સતયુગમાં વર્ષોની તપસ્યા પછી પોતાના 60,000 પૂર્વજોના ઉધ્ધાર અને કપિલ ઋષિના શ્રાપથી મુક્ત કરવા માટે પૃથ્વી પર લાવ્યા હતા. આ એક એવી પરંપરા છે, જેને કરોડો હિંદુ આજે પણ નિભાવે છે. તેઓ પોતાના પૂર્વજોના ઉધ્ધારની આશા રાખી એમની અસ્થિકુંભ લાવે છે અને ગંગાજીમાં વિસર્જિત કરે છે. કહેવાય છે કે ભગવાન વિષ્ણુએ એક પથ્થર પર પોતાનાં પદ-ચિન્હોની છાપ રાખી છે જે હરકી પૈડીમાં એક ઉપરી દિવાલ પર સ્થાપિત છે, જ્યાં નિત્ય પવિત્ર ગંગાજી એને પાવન કરતી રહે છે.
હરિદ્વારનો ઈતિહાસ
હરિદ્વારનો ઈતિહાસ ખૂબ જુનો અને રહસ્યમય છે.'હરિદ્વાર' ઉતરાખંડમાં આવેલું છે જે ભારતના સાત પવિત્ર સ્થળોમાંથી એક છે.હરિદ્વાર ઉત્તરાખંડના ચાર ધામોનો પ્રવેશ દ્વાર છે.આ ભગવાન શિવ અને વિષ્ણુની ભૂમી છે.આ ધરતીને સત્તાની ભૂમી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પવિત્ર શહેર ભારતની જટીલ સંસ્કૃતિ અને પ્રાચીન સભ્યતાનો ખજાનો છે.પવિત્ર ગંગા નદીનાકિનારે વસેલા 'હરિદ્વાર' શહેરના શબ્દનો અર્થ થાય છે.હરિ સુધી પહોંચવાનો રસ્તો. હરિદ્વારનું પ્રાચીન નામ 'માયા' અથવા 'માયાપુરી' છે જેની ગણતરી સપ્તમોક્ષદાયીની પુરીયોમાં થાય છે. હરિદ્વારનો એક ભાગ આજે પણ માયાપુરીના નામથી પ્રસિદ્ધ છે.એવું પણ કહેવામાં આવે છે કે, પ્રાચીન સમયમાં સમુદ્ર મંથનના સમયે અમૃતનું ટીપું હરિદ્વારમાં પડ્યું હતું તેજ કારણે હરિદ્વારમાં કુંભના મેળાનું આયોજન થાય છે.
હરિદ્વારમાં ક્યા પર્વનું થાય છે આયોજન
હરિદ્વારમાં કુંભ મેળાની સાથે બીજા અનેક તહેવારો ઉજવાય છે અહીં કવદ મેળો,સોમવતી અમાવસ,ગંગા દશેરા,ગુધલ મેળાનું આયોજન થાય છે આ ગુધલ મેળામાં લગભગ 30થી 35 લાખ લોકો ભાગ લે છે.
હરિદ્વારમાં કેમ અસ્થિ વિસર્જન કરાય છે
રાજા સાગરના વંશજ રાજાએ તેમના પૂર્વજોના ઉદ્ધાર માટે તપસ્યા કરી તથા માં ગંગાને ધરતી પર લાવવામાં આવી. સ્વર્ગથી ઉતરીને માં ગંગા ભગવાન શિવની જટાથી થઈને રાજા ભગીરથના પાછળ પાછળ ગઈ. જ્યારે રાજા ભગીરથ ગંગા નદીને લઈને હરિદ્વાર પહોંચ્યા તો રાજા સાગરના પૂર્વજોના ભસ્મ થયેલા આવશેષોને ગંગાના સ્પર્શ માત્રથી મોક્ષ પ્રાપ્ત થયો આ સમયથી હરિદ્વારમાં અસ્થિ વિસર્જનની પરંપરા ચાલતી આવે છે.
હરિદ્વારમાં હિંદુ વંશની નોંધણી
હરિદ્વારમાં તમારી વંશાવલી મળી શકે છે એટલે કે તમારા પૂર્વજોની માહિતી અહીંથી મળી જશે તમને જાણીને આશ્ચર્ય લાગશે પણ તે વાત સાચી છે. પૈરાણીક રિવાજો પ્રમાણે હિન્દુ પરિવારોની છેલ્લી કેટલીએ પેઢીઓની મોટી વંશાલી હિન્દુ બ્રાહ્મણ પંડિતો પાસે છે. પંડિતોના પૂર્વજોએ આ વંશાલી પોતાના હાથેથી લખીને પોતાના વંશજોને આપી છે. આ વંશાલીને જિલ્લા અને ગામના આધારે વર્ગીકૃત કરવામાં આવી. દરેક જિલ્લાની નોંધણનો બ્રાહ્મણ અલગ હોય છે. ભારતના ભાગલા સમયે જે જિલ્લા અને ગામ પાકિસ્તાનમાં રહી ગયા અને જે હિન્દુ ભારત આવી ગયા તે લોકોની પણ વંશાલી તમને અહીં પ્રાપ્ત થઈ જશે.
હરિદ્વારમાં ગંગા આરતી
હરિદ્વારમાં સવાર અને સાંજ બંને સમયે આરતી થાય છે. પરંતુ, સંધ્યા આરતીનું ખાસ મહત્ત્વ હોય છે. મોટી સંખ્યામાં લોકો અહીં આરતીના દર્શન માટે આવે છે. ઢોલ-નગારા અને ઝાલરના નાદ સાથે ગંગાની આરતી કરવામાં આવે છે. જ્યારે આરતી થાય છે ત્યારે ગંગા નદી શાંત થઈ જાય છે. વહેતી નદી જાણે થોડો વિરામ લઈ આરતીને સ્વીકારતી હોય તોવું લાગે છે જેવી જ આરતી પૂર્ણ થાય છે ને તરત જ નદી વહેવા લાગે છે. ગંગા વિશાળ નદી હોવાથી માત્ર હરિદ્વાર જ નહીં ઋષિકેશ, પ્રયાગરાજ અને વારાણસીમાંથી પણ પસાર થાય છે. પરંપરા અનુસાર આ શહેરમાં પણ ગંગાજીની આરતી કરવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube