નવી દિલ્હી: એનડીએ ઉમેદવાર હરિવંશ રાજ્યસભામાં ઉપસભાપતિ તરીકે ચૂંટાઈ આવ્યાં. ઉપલા ગૃહમાં તેમના અભિનંદન પાઠવતા પીએમ નરેન્દ્ર મોદીએ તેમના અનેક વણસ્પર્શેલા પહેલુઓ અંગે સદનમાં જણાવ્યું. આવા જ એક ઉદાહરણનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે આજે જે દશરથ માંઝીને દુનિયા યાદ કરે છે તેમની કહાનીને પહેલીવાર હરિવંશે જ પોતાના અખબાર પ્રભાત ખબરમાં પ્રકાશિત કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે દશરથ માંઝીએ પહાડ ચીરીને રસ્તો બનાવ્યો હતો. હકીકતમાં તેમની પત્ની ગર્ભવતી હતી અને પ્રસવ પીડા દરમિયાન હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જ તેમનું મોત થઈ ગયું. દશરથના ગામમાં રસ્તો નહતો અને છાશવારે દુષ્કાળની ચપેટમાં આવતો રહેતો અંતરિયાળ વિસ્તાર હતો. દશરથને પાક્કો વિશ્વાસ હતો કે જો રસ્તો હોત તો તેમની પત્નીનું નિધન ન થાત. આથી તેમણે પોતાના ગામની પાસેના પહાડને ચીરીને રસ્તો બનાવ્યો. 


આ જ રીતે પીએમ મોદીએ હરિવંશ સંલગ્ન એક વધુ કિસ્સો પણ સંભળાવ્યો. તેમણે કહ્યું કે જ્યારે હરિવંશ વડાપ્રધાન ચંદ્રશેખરના એડિશનલ મીડિયા એડવાઈઝર હતાં ત્યારે તેમને પહેલેથી  ખબર હતી કે ચંદ્રશેખર રાજીનામું આપવાના છે પરંતુ તેમણે આ સૂચનાનો કારણવગર ઉપયોગ કર્યો નહીં. તેમણે પોતાના અખબાર પ્રભાત ખબર સુદ્ધાને ખબર પડવા દીધી નહતી. જો તેઓ ઈચ્છત તો તેને પ્રકાશિત કરીને પોતાના અખબારની વાહવાહ કરાવી શકતા હતાં. 



ઉલ્લેખનીય છે કે જેડીયુના રાજ્યસભા સભ્ય હરિવંશ નારાયણ સિંહ યુપીએના ઉમેદવાર બી કે હરિપ્રસાદને હરાવીને રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન બન્યાં. હરિવંશને 125 અને હરિપ્રસાદને 105 મત મળ્યાં. આ સંદર્ભમાં જાણીએ તેમના અંગે મહત્વની વાતો...


1. હરિવંશનો જન્મ 1956માં બલિયાના મધ્યમવર્ગ પરિવારમાં થયો હતો. બીએચુમાંથી ઈકોનોમિક્સમાં એમએ અને પત્રકારત્વમાં ડિપ્લોમાં કર્યું. 
2. કોલેજના દિવસોમાં તેઓ સમાજવાદી નેતા જયપ્રકાશ નારાયણ (જેપી)થી પ્રભાવિત હતા. 1974માં જેપી આંદોલનમાં સક્રિય ભાગ પણ લીધો. 
3. 40 વર્ષ લાંબા પત્રકારત્વની શરૂઆત 1977માં ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના ટ્રેઈની જર્નાલિસ્ટ તરીકે કરી હતી. ત્યારબાદ મુંબઈમાં ધર્મયુગ પત્રિકા સાથે જોડાયા અને 1981 સુધી કામ કર્યું. હરિવંશે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેમણે 500 રૂપિયામાં પોતાની પહેલી નોકરી શરૂ કરી હતી. 


4. 1981-84 દરમિયાન તેમણે બેંક ઓફ ઈન્ડિયામાં કામ કર્યું. ત્યારબાદ અમૃતબજાર પત્રિકાના મેગેઝીન રવિવારમાં આસિસ્ટન્ટ એડિટર બન્યાં. 1989માં તેમણે ઉષા માર્ટિન સમૂહના સંઘર્ષરત અખબાર પ્રભાત ખબરની રાંચીમાં કમાન સંભાળી. જ્યારે તેઓ પ્રભાત ખબર પહોંચ્યાં તે વખતે અખબારનું સર્ક્યુલેશન માત્ર 400 કોપી જ હતું. 25 વર્ષ સુધી તેમણે આ અખબારના સંપાદક તરીકેની જવાબદારી સંભાળી અને તેમના નેતૃત્વમાં આ અખબાર ઝારખંડનું સર્ક્યુલેશન મામલે નંબર વન અખબાર બન્યું. તેમણે ઝારખંડ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં પ્રભાત ખબરની અનેક આવૃત્તિઓને લોંચ કરી. 


5. 1990માં જ્યારે ચંદ્રશેખર વડાપ્રધાન બન્યા તો તેઓ તેમના એડિશનલ મીડિયા એડવાઈઝર બન્યાં. 25 વર્ષ સુધી પ્રભાત અખબારની કમાન સંભાળ્યા બાદ 2014માં રાજ્યસભા માટે નામાંકિત થયાં. નીતિશકુમારની પાર્ટી જેડીયુએ તેમને રાજ્યસભા મોકલ્યાં. રસપ્રદ વાત એ છે કે જ્યારે તેમને રાજ્યસભા મોકલવામાં આવ્યાં ત્યારે તેઓ જેડીયુના પ્રાથમિક સભ્ય પણ નહતાં. 


જ્યારે રાજ્યસભા માટે થઈ નિર્વિરોધ પસંદગી
રાજ્યસભામાં પોતાની નિર્વિરોધ પસંદગીના અનુભવ અંગે હરિવંશે લખ્યુ હતું કે તેઓ એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર રાજ્યસભા પહોંચી ગયાં. તેમણે લખ્યું કે તેમણે રાજ્યસભા માટે નામાંકન ફોર્મ 10,000 રૂપિયામાં ખરીદ્યુ હતું. પરંતુ નિર્વિરોધ ચૂંટાઈ આવવાના કારણે આ રકમ તેમને પાછી આપવામાં આવી. જેના કારણે રાજ્યસભા સુધી પહોંચવા માટે તેમણે એક પણ રૂપિયો ખર્ચ કરવો પડ્યો નહીં.