રાજકારણમાં લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો શુક્રવારે અંત આવી ગયો. વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા આખરે કોંગ્રેસમાં જોડાઈ ગયા અને ગણતરીના કલાકોમાં જ પાર્ટીએ વિનેશ ફોગાટને વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ પણ પકડાવી દીધી. કોંગ્રેસે વિનેશ ફોગાટને જુલાના સીટથી મેદાનમાં ઉતારી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેમ કોંગ્રેસમાં જોડાઈ?
અનેક દિવસોથી ચાલી રહેલી ચર્ચાને પૂર્ણવિરામ મૂકતા હરિયાણા ચૂંટણીના ગરમાવા વચ્ચે વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા શુક્રવારે કોંગ્રેસની શરણમાં આવી ગયા. બંનેને પાર્ટી મહાસચિવ કે સી વેણુગોપાલ, પવન  ખેડા સહિત અન્ય નેતાઓની હાજરીમાં કોંગ્રેસની સદસ્યતા અપાવવામાં આવી. વેણુગોપાલે જણાવ્યું કે અમને બંને પહેલવાનો પર ગર્વ છે. અમે તેમને ખાતરી અપાવીએ છીએ  કે અમે પહેલા પણ તેમની સાથે હતા અને આગળ પણ તેમની સાથે રહીશું. આ અવસરે વિનેશે કોંગ્રેસમાં સામેલ થવાનું કારણ પણ જણાવ્યું. 


શું કહ્યું વિનેશ ફોગાટે?
વિનેશ ફોગાટે આ અવસરે કોંગ્રેસમાં જોડાવવાનું કારણ પણ જણાવી દીધુ. તેણે કહ્યું કે જ્યારે તેણે અને અન્ય મહિલા પહેલવાનોએ બૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો તો દુર્ભાગ્યની વાત હતી કે ભાજપે અમારો સાથ આપવો જરૂરી ન સમજ્યું. આ મુશ્કેલ પળમાં જો કોઈએ અમારો સાથ આપ્યો તો તે કોંગ્રેસ જ હતી, આથી અમે કોંગ્રેસમાં જોડાવવાનો નિર્ણય લીધો. 


વિનેશે કહ્યું કે મને એ કહેતા અત્યંત પીડા થાય છે કે જ્યારે અમને આખા દેશની સાથે ઢસડવામાં આવ્યા ત્યારે ભાજપે અમારો સાથ ન આપ્યો. આવા સમયમાં કોંગ્રેસે અમને સાથ આપ્યો. હું વિશ્વાસ અપાવું છું કે હું પાર્ટીના ટોચના નેતૃત્વની આશા પર ખરી ઉતરીશ. મને આજે એ કહેતા અત્યંત ગર્વ  થાય છે કે આજની  તારીખમાં હું એક એવી પાર્ટીનો ભાગ છું કે જે મહિલાઓ માટે રસ્તાઓથી લઈને સંસદ સુધી પોતાનો અવાજ બુલંદ કરે છે. 


ચાલુ રહેશે  લડત
વિનેશ ફોગાટે કહ્યું કે કોંગ્રેસમાં સામેલ થવાની સાથે જ આજે એક  નવી ઈનિંગની શરૂઆત કરવા જઈ રહી છું. એક વાત સ્પષ્ટ  કરવા માંગુ છું કે અમારી લડાઈ ચાલુ હતી અને આગળ પણ રહેશે. અમે ક્યારેય ડર્યા ન હતા અને આગળ પણ નહીં ડરીએ. જો કોઈને એવું લાગતું હશે કે વિનેશ ફોગાટ ડરી જશે તો હું જણાવવા માંગુ છું કે અમે ક્યારેય ડરનારાની જમાતમાં સામેલ નથી રહ્યા. અમે દરેક પરિસ્થિતિમાં ડટીને સામનો કરવાનું શીખ્યું છે અને આગળ પણ કરતા રહીશું. 


સન્યાસ પર મોટો ખુલાસો
કોંગ્રેસમાં જોડાયા બાદ વિનેશે કહ્યું કે, હું જો ઈચ્છત તો જંતર મંતર પરથી જ કુશ્તી છોડી શકત પરંતુ હું આઈટી સેલ દ્વારા ફેલાયેલા જુઠ્ઠાણાને ખતમ કરવા માંગતી હતી. જેમાં એવું કહેવાતું હતું કે અમારી કરિયર ખતમ થઈ ચૂકી છે આથી અમે નેશનલ રમ્યા પરંતુ ભગવાનની મરજી કઈક બીજી જ હતી. 


8મીએ પરિણામ
અત્રે જણાવવાનું હરિયાણા વિધાનસભાની તમામ 90 બેઠકો પર એક જ તબક્કામાં મતદાન થશે અને 5 ઓક્ટોબરના રોજ મતદાન થશે. તમામ બેઠકોના પરિણામ 8 ઓક્ટોબરના રોજ જાહેર કરાશે. અગાઉ હરિયાણામાં મતદાન માટે 1 ઓક્ટોબરની તારીખ જાહેર થઈ હતી અને 4 ઓક્ટોબરે મતગણતરી હતી. પરંતુ બિશ્નોઈ સમાજના તહેવાર આસોજ અમાવસ્યાના કારણે ભાજપે ચૂંટણી પંચને  તારીખ આગળ વધારવાની અપીલ કરી હતી. જેને ચૂંટણી પંચે સ્વીકારી લીધી અને મતદાનની તારીખ બદલી નાખી.