હરિયાણામાં કોંગ્રેસની હાર માટે જવાબદાર કોણ? રાહુલ ગાંધી કોના પર એકદમ થઈ ગયા લાલઘૂમ...
હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને અપેક્ષા મુજબ પરિણામ મળ્યું નથી. પાર્ટીનું પ્રદર્શન ઘણું નબળું હતું. કોંગ્રસ હારનું ઠીકરું EVM પર ફોડી રહ્યું છે પરંતુ, આંતરિક રીતે એવી પણ ચર્ચા છે કે, કેટલાક કોંગ્રેસના નેતાઓએ જ પક્ષને નુક્સાન પહોંચાડ્યું છે. આ બધા વચ્ચે ગુરુવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને કોંગ્રેસ નેતાઓની બેઠક મળી હતી જેમાં હરિયાણા ચૂંટણીના પરિણામોની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં રાહુલ ગાંધી ગુસ્સે પણ થયા હોવાની માહિતી છે. જુઓ આ રિપોર્ટ..
હરિયાણામાં કોંગ્રેસની હાર માટે જવાબદાર કોણ?
ચૂંટણીમાં હુડ્ડાને ફ્રી હેન્ડ આપવો પડ્યો ભારે?
કેમ ધાર્યા મુજબના પરિણામથી વંચિત રહી કોંગ્રેસ?
આ તમામ સવાલોના જવાબ મેળવવા માટે કોંગ્રેસ હાલ ધમ પછાડા કરી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને કોંગ્રેસ નેતાઓની બેઠક મળી હતી હતી. આ બેઠકમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિત ઘણા નેતાઓએ હાજરી આપી હતી.કોંગ્રેસની સમીક્ષા બેઠકમાં હરિયાણાના વરિષ્ઠ નેતાઓમાં જૂથવાદ, પક્ષના હિત કરતાં સ્વાર્થની પ્રાધાન્યતા, અને એક ડઝનથી વધુ બેઠકો પર પ્રાયોજિત બળવાખોરોની હાજરીને વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હારના મુખ્ય કારણો તરીકે ઓળખવામાં આવ્યા હતા.
દિલ્હીમાં યોજાયેલી સમીક્ષા બેઠક દરમિયાન રાહુલ ગાંધી ગુસ્સે ભરાયા હોવાની પણ માહિતી સામે આવી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, હરિયાણામાં ચૂંટણી જીતી શકાઈ હોત પરંતુ રાજ્ય કોંગ્રેસના નેતાઓએ પોતાના સ્વાર્થને આગળ રાખ્યો હતો.
કેટલાક નેતાઓએ પક્ષ કરતાં પોતાના હિતને પ્રાથમકિતા આપી..
પક્ષ પ્રત્યે કેટલાક નેતાઓએ વફાદારી દાખવી નહીં..
હરિયાણા ચૂંટણીનું પરિણામ સ્વીકારવા લાયક નથી..
જે પણ ભૂલ થઈ છે એ ભૂલોને સુધારવી જોઈએ..
રાહુલ ગાંધીએ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને પ્રદેશ અધ્યક્ષ ઉદયભાનને બોલાવ્યા હતા. માહિતી પ્રમાણે કોંગ્રેસે હુડ્ડાને ચૂંટણીમાં ફ્રી હેન્ડ આપ્યો હતો અને હુડ્ડાના કહેવા પ્રમાણે જ 89માંથી 72 ટિકિટ આપવામાં આવી હતી. પરંતુ હુડ્ડા ચૂંટણી જીતી શક્યા ન હતા. સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે હુડ્ડા અને ઉદયભાન બંને નેતા સમીક્ષા બેઠક હાજર રહ્યા નહોતા.
બેઠકમાં હારના કારણો જાણવા માટે ફેક્ટ ફાઇન્ડીંગ કમિટી બનાવવાનો નિર્ણય લેવાયો હતો. આ કમિટી હરિયાણા જઈને નેતાઓ સાથે ચર્ચા કરીને રિપોર્ટ તૈયાર કરીને હાઈકમાન્ડને સોંપશે. તે જ સમયે, તપાસ સમિતિ તેનો અહેવાલ ખડગેને સોંપે પછી કાર્યવાહી કરવામાં આવશે. મળતી માહિતી મુજબ, પાર્ટી હરિયાણાના પરિણામોને ગંભીરતાથી લઈ રહી છે. જોકે, ભાજપ આને ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી નહીં પરંતુ, રાહુલ ગાંધી બચાવો કમિટી કહી રહ્યું છે..
ઉલ્લેખનીય છે કે, હરિયાણામાં કોંગ્રેસને બહુમતી કરતા વધુ સીટો મળવાની આશા હતી. પરંતું પરિણામ ઊલટું આવ્યું છે. કોંગ્રેસ 37 બેઠકોમાં સમેટાઈ ગઈ અને ભાજપે ગત વખત કરતા વધુ બેઠકો મેળવી હતી. ભાજપને 48 બેઠકો મળી હતી. સંપૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહી છે.. ચૂંટણી પહેલા હુડ્ડા અને કુમારી શૈલજા વચ્ચે મતભેદ થયો હતો. શું સીએમ પદને લઈને ટોચના નેતાઓ વચ્ચેની લડાઈથી કોઈ નુકસાન થયું? હવે કોંગ્રેસ આ તમામ બાબતો પર વિચાર કરી રહી છે. શું ખોટી ટિકિટ આપવામાં આવી હતી? બેઠકમાં સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી..