હરિયાણામાં વિધાનસભા ચૂંટણીના પરિણામોની તસવીર લગભગ સ્પષ્ટ થઈ ગઈ ચૂકી છે. રાજ્યમાં એકવાર ફરીથી ભગવો લહેરાવવાની તૈયારીમાં છે. ભાજપ ફરી સરકાર બનાવે તેવી સ્થિતિ છે. ચૂંટણી પંચની વેબસાઈટના આંકડા મુજબ હાલ પ્રદેશમાં ભાજપે 46 સીટો જીતી લીધી છે અને 2 સીટો પર આગળ છે. જ્યારે કોંગ્રેસ 35 સીટ જીતી ચૂકી છે અને 2 પર આગળ છે. ભાજપ સ્પષ્ટ બહુમતી જે 46 સીટોની છે તેના કરતા પણ આગળ જોવા મળી રહ્યો છે. આ પરિણામોએ કોંગ્રેસની આશાઓને મોટો ઝટકો આપ્યો છે. જેની અસર હવે કોંગ્રેસના નેતાઓના નિવેદનોમાં જોવા મળી રહી છે. હરિયાણા ચૂંટણીના પરિણામો અંગે જયરામ રમેશે એકવાર ફરીથી ગડબડીનો આરોપ લગાવી દીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તંત્રની જીત...લોકતંત્રની હાર
કોંગ્રેસના દિગ્ગજ નેતા જયરામ રમેશે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે હરિયાણા ચૂંટણીમાં તંત્રની જીત થઈ છે. લોકતંત્રની હાર થઈ છે. તેમનો ઈશારો સ્પષ્ટ છે કેતેઓ અને તેમની પાર્ટી આ પરિણામોથી નાખુશ છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ હરિયાણાના ચૂંટણી પરિણામોની ફરિયાદ કરશે. 


લગાવ્યો ગંભીર આરોપ
જયરામ રમેશે કહ્યું કે હરિયાણા ચૂંટણીના પરિણામોને સ્વીકારવા અમારા માટે શક્ય નથી, અમારા ઉમેદવારો દ્વારા ઉઠાવવામાં આવેલા ગંભીર મુદ્દાઓ ચૂંટણી પંચને જણાવવામાં આવશે. હરિયાણાના પરિણામો સંપૂર્ણ રીતે અપ્રત્યાશિત અને આશ્ચર્યજનક છે. તે ગ્રાઉન્ડ હકીકતથી વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે અમને હરિયાણાના ઓછામાં ઓછા 3 જિલ્લામાંથી મતગણતરીની પ્રક્રિયા અને ઈવીએમ વિશે ગંભીર ફરિયાદોની સૂચનાઓ મળી છે. 


કોંગ્રેસ પાર્ટીની પરંપરા
જયરામ રમેશે હરિયાણામાં પાર્ટીના પ્રદર્શન પર કહ્યું કે હરિયાણા વિશે જે પણ વિશ્લેષણ કરવાનું છે, અમે જરૂર કરીશું. પરંતુ સૌથી પહેલા અમારે વિવિધ જિલ્લાઓમાંથી આવી રહેલી ફરિયાદોને ચૂંટણી પંચ મોકલવાની છે. અમે શું કર્યું, શું નહીં, ક્યાં ભૂલ થઈ તેનું વિશ્લેષણ જરૂર થશે. એક સમિતિ પણ બનાવવામાં આવશે, આ કોંગ્રેસ પાર્ટીની પરંપરા છે. પરંતુ હાલ વિશ્લેષણનો સમય નથી. આ સમય સૌથી મહત્વપૂર્ણ છે કે અમારી જીત અમારી પાસેથી છીનવી લેવાઈ છે. સિસ્ટમનો દૂરઉપયોગ કરવામાં આવ્યો છે. લોકોની  ભાવનાઓ અને ગ્રાઉન્ડ હકીકત બદલાવના પક્ષમાં હતી, પરંતુ પરિણામ જે આવ્યું તે તેનું યોગ્ય પ્રતિબિંબ નથી. તેનું વિશ્લેષણ થશે. 


જમ્મુ કાશ્મીર ચૂંટણી પરિણામો પર શું કહ્યું
જમ્મુ કાશ્મીર ચૂંટણી પરિણામો પર તેમણે કહ્યું કે, હું સ્વીકારુ છું કે જમ્મુમાં અમારું પ્રદર્શન સારું થવું જોઈતું હતું. તેના કેટલાક કારણો છે, જેના પર ચર્ચા થશે. પરંતુ મહારાષ્ટ્રમાં, હું યાદ અપાવવા માંગુ છું કે કોંગ્રેસ પાર્ટી લોકસભા ચૂંટણીમાં પહેલા નંબરે હતી. જમ્મુ કાશ્મીરમાં અમને આશા છે કે જલદી એનસી અને કોંગ્રેસ ગઠબંધનની સરકાર બનશે. એક સામાન્ય કાર્યક્રમ તૈયાર કરાશે અને અમે લોકોની આશાઓને પૂરી કરવા માટે દરેક શક્ય પ્રયત્ન કરીશું. 


શું કહ્યું કુમારી શૈલજાએ
કોંગ્રેસ નેતા કુમારી શૈલજાએ કહ્યું કે પાર્ટીએ એવા લોકોની ઓળખ કરવી જોઈએ જેમણે 10 વર્ષ બાદ પાર્ટીને સત્તામાં લાવવાના પ્રયત્નો પર પાણી ફેરવી દીધુ. હરિયાણા ચૂંટણી પરિણામ નિરાશાજનક છે. કોંગ્રેસ હાઈકમાને તેની પાછળના કારણોની સમીક્ષા કરવી જોઈએ. કોંગ્રેસ કાર્યકરોની નિરાશાથી દુખી છું. મને વિશ્વાસ છે કે પાર્ટી હાઈકમાન હારના કારણોની સમીક્ષા કરશે.