નવી દિલ્હી : પૂર્વ કેન્દ્રિય મંત્રી અને વરિષ્ઠ ભાજપ નેતા ઉમા ભારતીએ હરિયાણામાં સરકાર બનાવવા માટે સિરસાના અપક્ષ ઉમેદવાર ગોપાલ કાંડા દ્વારા ભાજપને સમર્થન આપવા સામે સવાલ ઉઠાવ્યા છે. તેમણે પાર્ટીને ગીતિકા શર્મા આત્મહત્યા કાંડ યાદ કરાવ્યો છે અને કહ્યું કે, આ ગોપાલ કાંડા એજ વ્યક્તિ છે જેના કારણે એક યુવતીએ આત્મહત્યા કરી હતી અને ન્યાય ન મળવાની રાવ સાથે તેણીની માતાએ પણ આત્મહત્યા કરી હતી. તેમણે એટલે સુધી કહ્યુ કે, ગોપાલ કાંડાનું ચૂંટણી જીતવું એ એના ગુનાઓમાંથી છુટકારો નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉમા ભારતીએ ટ્વિટર પર પોતાની વાત વ્યક્ત કરતાં લખ્યું કે, મને જાણકારી મળી છે કે ગોપાલ કાંડા નામના અપક્ષ ધારાસભ્ય દ્વારા પાર્ટીને સમર્થન આપવાની વાત છે પરંતુ મારે આ મામલે કંઇક કહેવું છે. ગોપાલ કાંડા એજ વ્યક્તિ છે કે જેના કારણે એક યુવતીએ આત્મહત્યા કરી હતી. ન્યાય ન મળવાની રાવ સાથે તેણીની માતાએ પણ આત્મહત્યા કરી હતી. આ મામલો અત્યારે કોર્ટમાં વિચારાધીન છે અને આ શખ્સ જામીન પર બહાર છે. 



તેમણે વધુમાં લખ્યું કે, ગોપાલ કાંડા નિર્દોષ છે કે ગુનેગાર એ તો સાક્ષીઓ અને તથ્યો દ્વારા નક્કી થશે. પરંતુ ચૂંટણી જીતવું એ એને ગુનામાંથી છુટકારો નથી આપતું. ચૂંટણી જીતવા માટે ઘણા ફેક્ટર કામ કરતા હોય છે. હું ભાજપાને અનુરોધ કરૂ છું કે, આપણે પાર્ટીના નૈતિક વિચારો ભૂલવા ન જોઇએ. આપણી પાસે નરેન્દ્ર મોદી જેવી શક્તિ છે. માત્ર દેશ નહીં પરંતુ સમગ્ર વિશ્વની જનતા એમની સાથે છે. મોદીજીએ સતોગુણીની ઉર્જાથી રાષ્ટ્રવાદની શક્તિ ઉભી કરી છે. 



તેમણે કહ્યું કે, હરિયાણામાં આપણી સરકાર જરૂરથી બનશે. પરંતુ એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે જે રીતે ભાજપના કાર્યકર્તાઓ સ્વચ્છ પ્રતિભાના હોય છે એ જ રીતે આપણી સાથેના લોકો પણ એવા જ હોય. 


લેટેસ્ટ ન્યૂઝ જાણો, જુઓ LIVE TV