યમુના ગાંડીતુર : દિલ્હી અને હરિયાણામાં સેંકડો ગામડાઓમાં પાણી ભરાયા
યમુનાનગર તંત્રએ જિલ્લા મુખ્યમથકો અને તમામ બ્લોકમાં ત્વરિત કાર્યવાહી માટે પુર નિયંત્રણ કાર્યાલયની સ્થાપના કરી છે
નવી દિલ્હી : હરિયાણાના બે જિલ્લાનાં ત્રણ ડઝન ગામમાં પુરનું પાણી ભરાઇ ગયા બાદ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે રવિવારે પ્રભાવિત વિસ્તારોનું હવાઇ સર્વેક્ષણ કર્યું હતું. આ સાથે જ તેમણે ભારે વરસાદથી ખેડૂતોના પાકને થયેલ નુકસાન અંગે પણ સમીક્ષા કરી હતી. અધિકારીઓને ખાસ આદેશ આપીને ખેડૂતોને થયેલા નુકસાન અંગે માહિતી મેળવવા માટેના નિર્દેશો પણ આપ્યા હતા.
તંત્રએ શનિવારે યમુનાનગર, કરનાલ, પાણીપત અને સોનીપત જિલ્લામાં હાઇ એલર્ટ ઇશ્યું કર્યું છે. અધિકારીઓએ કહ્યું કે, હથિની કુંડ બેરેજમાંથી 6,00,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યા બાદ યમુનાનગર જિલ્લાનાં 30 ગામોમાં અને કરનાલનાં 10 ગામોમાં પાણી ઘુસી ગયા છે. યમુના નદી ગાંડીતુર થઇને વહી રહી છે.
મદદની જોવાઇ રહેલી રાહ
યમુનાનગર શહેરના બહારના વિસ્તારમાં આવેલ મંડી ગામના એક નિવાસી જુબૈર ખાને જણાવ્યું કે, સરકાર પાસેથી કોઇ સહાય મળી નથી. નશિવારે રાત્રે અચાનક જળ સ્તર વધવાનાં કારણે ઘરવખતી બગડી ગઇ છે. માણસના ખાવા માટે પણ કોઇ વ્યવસ્થા નથી સાથે સાથે પશુઓ પણ ભુખ્યા છે. સરકાર અમને ગામ છોડવા માટે કહી રહી છે પરંતુ અમારા ઢોર - ઢાંકરના કારણે અમે અહીંથી નિકળી શકીએ તેમ નથી.
યમુનાનગરના ઉપાયુક્ત ગિરીશ અરોરાએ કહ્યું કે, ભારતીય સેના અને એનડીઆરએફની ટીમને રાહત અને બચાવ કાર્ય માટે એલર્ટ પર રખાયેલ છે. અધિકારીઓએ કહ્યું કે, નદીના વધેલા જળ સ્તરના કારણે યમુનાનુ પાણી ભરાય તેવી શક્યતાવાળા વિસ્તારોની ઓળખ કરીને ત્યાં રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. હિમાચલ પ્રદેશ અને ઉતરાખંડમાં ઘણઆ સ્થળો પર ભારે વરસાદ થઇ રહ્યો છે. તંત્રએ હથિનિકુંડમાંથી આ દરમિયાન ઘણા મોટા પ્રમાણમાં પાણી છોડ્યું છે.