નાયબ સિંહ સૈની બન્યા હરિયાણાના મુખ્યમંત્રી, બીજીવાર CM પદના શપથ લીધા
નાયબ સિંહ સૈનીએ હરિયાણાના મુખ્યમંત્રી પદના શપથ લીધા. પંચકૂલામાં યોજાયેલા આ સમારોહમાં પીએમ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, સહિત ભાજપના અને એનડીએ ગઠબંધનના કદાવર નેતાઓ સામેલ થયા. અત્રે જણાવવાનું કે આ શપથગ્રહણ સમારોહ ઐતિહાસિક કાર્યક્રમ છે કારણ કે હરિયાણામાં ભાજપની સતત ત્રીજીવાર સરકાર બની છે.
ભાજપે જીતી 48 બેઠકો
હાલમાં યોજાઈ ગયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક પ્રદર્શન કરતા 90 સીટોમાંથી 48 બેઠકો જીતી. જ્યારે કોંગ્રેસને 37 સીટ પર જીત મળી હતી.
બીજીવાર હરિયાણાના સીએમ બનેલા નાયબસિંહ સૈનીનો જન્મ અંબાલાના મિર્ઝાપુર મજરા ગામમાં 25 જાન્યુઆરી 1970ના રોજ થયો હતો. તેમના પિતા તેલુરામ સિંહ અને માતા કુલવંત કૌર છે. તેમનો જન્મ ભલે હરિયાણામાં થયો હોય પરંતુ તેમનું યુપી અને બિહાર સાથે પણ ખાસ કનેક્શન છે. તેમણે યુપી અને બિહારથી અભ્યાસ કર્યો છે. સીએમ સૈનીએ બિહારની જાણીતી યુનિવર્સિટીથી ગ્રેજ્યુએશન કર્યું છે. ત્યારબાદ તેમણે યુપીથી કાયદાનો અભ્યાસ કર્યો છે.
હરિયાણામાં શરૂઆતનો અભ્યાસ કર્યા બાદ તેઓ બિહાર ગયા. મીડિયા રિપોર્ટ્સ મુજબ તેમણે બિહારના મુઝફફરપુરની બાબાસાહેબ ભીમરાવ આંબેડકર બિહાર યુનિવર્સિટીથી બીએ કર્યું. ત્યારબાદ તેઓ કાયદાનો અભ્યાસ કરવા માટે યુપી આવી ગયા અને તેમણે મેરઠ સ્થિત ચૌધરી ચરણસિંહ યુનિવર્સિટીથી એલએલબીની ડિગ્રી લીધી.
કાયદાના અભ્યાસ દરમિયાન તેઓ રાજકારણમાં આવ્યા. ઈકોનોમિક્સ ટાઈમ્સના રિપોર્ટ મુજબ નાયબસિંહે ભાજપના રાજ્ય મુખ્યાલયમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કરિયર શરૂ કરી હતી. ત્યારબાદ વર્ષ 1996 સુધી સૈની પાર્ટીના સંગઠનાત્મક કાર્યોમાં સક્રિય રીતે ભાગ લેતા હતા. એલએલબી કર્યા બાદ સીએમ સૈની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયા જ્યાં તેમની મુલાકાત મનોહરલાલ ખટ્ટર સાથે થઈ. એવું કહેવાય છે કે ખટ્ટરે જ સૈનીને રાજકારણમાં આગળ વધાર્યા.
2014માં નારાયણગઢ વિધાનસભા સીટથી જીતીને વિધાયક બન્યા હતા. વર્ષ 2019માં કુરુક્ષેત્ર લોકસભા સીટ જીત્યા અને સાંસદ બન્યા. ઓક્ટોબર 2023માં તેઓ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બન્યા અને તેમના કાર્યકાળમાં લોકસભા ચૂંટણીમાં ભાજપને 10 સીટો પર જીત મળી. ત્યારબાદ લોકસભા ચૂંટણી 2024 પહેલા સીએમ મનોહરલાલ ખટ્ટરના રાજીનામા બાદ 12 માર્ચ 2024માં સૈની નવા મુખ્યમંત્રી જાહેર થયા. હવે 2024 વિધાનસભા ચૂંટણીમાં જીત્યા અને ફરીથી સીએમ બન્યા.