હાથરસઃ ઉત્તર પ્રદેશના હાથરસમાં મંગળવારે સત્સંગ દરમિયાન નાસભાગ મચી જતાં મૃતદેહોનો ઢગલો થઈ ગયો. જેમાં 10, 20, 30, 40 કે 50 નહીં પરંતુ 121 લોકોનાં મોત થયા.  જ્યારે અનેક ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા. આ મામલે SDMએ DMને રિપોર્ટ સોંપી દીધો છે? ત્યારે આ રિપોર્ટમાં શું ખુલાસો થયો?. ક્યારે પોલીસના હાથ મુખ્ય ગુનેગાર સુધી પહોંચશે? જોઈશું આ અહેવાલમાં....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચારેબાજુ ઉત્સવ અને ભક્તિમય માહોલ....
ચોતરફ રોકકળ અને ગમગીનીભર્યુ વાતાવરણ...


આ બે દ્રશ્યો મંગળવારના એક જ જગ્યાના છે પરંતુ સમય અલગ-અલગ છે. ઉત્તર પ્રદેશના હાથરસના ફૂલરાઈ ગામમાં ખુલ્લા ખેતરમાં ભોલે બાબાના સત્સંગનો કાર્યક્રમ હતો. જેના કારણે મોટી સંખ્યામાં લોકો પ્રવચન સાંભળવા આવ્યા પરંતુ આ પ્રવચન તેમના જીવનનું અંતિમ પ્રવચન બની ગયું. કાર્યક્રમ પૂરો થયા પછી અચાનક નાસભાગ મચી અને તે પછીના દ્રશ્યો આંખોમાં આંસુ લાવી દે તેવા છે.


ભોલે બાબાનો સત્સંગ મોતનો સત્સંગ બની ગયો. તેમાં એક-બે નહીં પરંતુ 121 જેટલાં નિર્દોષ લોકો હતા ન હતા થઈ ગયા તો 150થી વધુ લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મૃતકોમાં સૌથી વધારે મહિલાઓ અને નાના બાળકો છે. સ્વજનના અકાળે મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હાથરસમાં સર્જાયેલી માનવસર્જિત દુર્ઘટના અંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ફૂલ એક્શનમાં છે. મુખ્યમંત્રી પોતે હાથરસ પહોંચ્યા અને તેમણે અધિકારીઓ સાથે સમગ્ર ઘટનાક્રમની જાણકારી મેળવી. એટલું જ નહીં હોસ્પિટલમાં પહોંચીને તમામ ઈજાગ્રસ્ત લોકોના ખબર-અંતર પૂછ્યા અને ડોક્ટરોને યોગ્ય સારવાર કરવાના નિર્દેશ આપ્યા....


આ પણ વાંચોઃ ગોડમેન નહિ, બેડમેન કહો, આ છે દેશના 5 કુખ્યાત બાબા, જેના કાળા કામો તમને ચોંકાવી દેશે


હાથરસમાં નાસભાગ પર SDMએ DMને પોતાનો રિપોર્ટ સોંપી દીધો છે... જેમાં સામે આવ્યું કે સત્સંગમાં પરવાનગી કરતાં વધારે ભીડ ઉમટી પડી. 80 હજારની પરવાનગી છતાં અઢી લાખ લોકો ઉમટી પડ્યા. ભોલે બાબાના પગ નીચેની ધૂળ લેવા લોકોએ દોટ મૂકી. જેના માટે લોકો ડિવાઈડર કૂદવા લાગ્યા. રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે કે બાબાના સેવાદારોએ ધક્કામુક્કી કરી અને  ધક્કામુક્કીના કારણે કેટલાંક લોકો નીચે પડી ગયા. નીચે પડેલાં લોકો ઉપર ભીડ દોડવા લાગી. ભીડના કારણે લોકોનો શ્વાસ રુંધાવા લાગ્યો...


વિપક્ષના નેતાઓએ પણ આ ઘટના અંગે દુખ વ્યક્ત કર્યુ અને આવી ઘટના ફરી ન બને તે માટે પગલાં લેવાની માગણી કરી. આવી અનેક ઘટનાઓ બને છે પરંતુ સરકાર વળતરની જાહેરાત કરીને છૂટી જાય છે. તંત્રને જાણ હતી છતાં કેમ કોઈ પગલાં ન લીધા?. શું સરકારી સહાયથી મૃતકોના પરિજનોને તેમના સ્વજન પાછા મળી જશે? આવા અનેક સવાલ છે જેના પર સરકાર અને કેન્દ્ર સરકારે ગંભીરતાથી વિચારવાની જરૂર છે.