West Nile Fever: કેરળ રાજ્યમાં વેસ્ટ નાઈલ ફીવર ફેલાઈ રહ્યો છે. કેરળ સરકારે મંગળવારે જણાવ્યું હતું કે રાજ્યના ત્રિશૂર, મલપ્પુરમ અને કોઝિકોડ જિલ્લામાંથી પશ્ચિમ નાઇલ ફિવરના કેસ નોંધાયા છે. રાજ્યના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રાજ્યમાં વાયરલ ચેપના કેસ નોંધાયા છે અને તમામ જિલ્લાઓને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે. મંત્રીએ તાવ અથવા વેસ્ટ નાઇલ ચેપના લક્ષણો દેખાય તો તાત્કાલિક સારવાર માટે વિનંતી કરી. ઉલ્લેખનીય છેકે, હાલ પુરતો ગુજરાતમાં આ પ્રકારનો કોઈ કેસ નથી. તેથી હાલ ગુજરાતમાં આનો કોઈ ખતરો નથી. જોકે, દરેકે સાવચેત રહેવું આવશ્યક છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે આ વેસ્ટ નાઇલ ફિવર?
કેરળ રાજ્યના થ્રિસુર, મલપ્પુરમ અને કોઝિકોડ જિલ્લામાંથી વેસ્ટ નાઇલ ફિવરના કેસો નોંધાયા છે. વેસ્ટ નાઈલ ફિવર એ એક ગંભીર પ્રકારનો તાવ છે.  વેસ્ટ નાઇલ તાવ ક્યુલેક્સ પ્રજાતિના મચ્છરો દ્વારા ફેલાય છે. જો તાવની સમયસર સારવાર ન કરવામાં આવે તો તે જીવલેણ પણ બની શકે છે.


એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વેસ્ટ નાઇલમાં મૃત્યુદર જાપાનીઝ 'એન્સેફાલીટીસ'ની તુલનામાં પ્રમાણમાં ઓછો છે, પરંતુ જાપાનીઝ 'એન્સેફાલીટીસ' પણ સમાન લક્ષણો દર્શાવે છે અને તે વધુ ખતરનાક છે. મંત્રીએ કહ્યું કે વેસ્ટ નાઈલ વાયરસની સારવાર માટે કોઈ દવા કે રસી ઉપલબ્ધ ન હોવાથી, લક્ષણોની સારવાર અને નિવારણ જરૂરી છે.


અગાઉ મંગળવારે કોઝિકોડ જિલ્લાના આરોગ્ય અધિકારીઓએ પશ્ચિમ નાઇલ તાવના પાંચ કેસની પુષ્ટિ કરી હતી. જિલ્લા સર્વેલન્સ ટીમના એક અધિકારીએ જણાવ્યું કે બાળકો સહિત તમામ સંક્રમિત વ્યક્તિઓ હવે સ્વસ્થ છે અને તેઓ પોતાના ઘરે ગયા છે. તેઓ જ્યાં રહે છે તે વિસ્તારોમાંથી કોઈ નવા કેસ નોંધાયા નથી, અધિકારીએ જણાવ્યું હતું કે, હાલમાં એક વ્યક્તિ મચ્છરજન્ય ચેપથી પીડિત હોવાની શંકા છે અને તેની સારવાર કરવામાં આવી રહી છે.


પશ્ચિમ નાઇલ ફિવરના લક્ષણોઃ
આ રોગ ચેપગ્રસ્ત મચ્છરોના કરડવાથી મનુષ્યોમાં ફેલાય છે. જો દર્દીની સમયસર સારવાર ન કરવામાં આવે તો આ તાવ એન્સેફાલીટીસનું કારણ પણ બની શકે છે. જેના કારણે મગજ સંબંધિત રોગો થવાનો ખતરો રહે છે. ગંભીર કિસ્સાઓમાં, આ રોગ મૃત્યુનું કારણ પણ બની શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વેસ્ટ નાઇલ ચેપના મુખ્ય લક્ષણો માથાનો દુખાવો, તાવ, સ્નાયુઓમાં દુખાવો, ચક્કર અને નબળી યાદશક્તિ છે.


કેવી રીતે ફેલાય છે આ ગંભીર પ્રકારનો તાવ?
વેસ્ટ નાઇલ તાવ ક્યુલેક્સ પ્રજાતિના મચ્છરો દ્વારા ફેલાય છે. તે સૌપ્રથમ 1937 માં યુગાન્ડામાં મળી આવ્યું હતું. 2011માં કેરળમાં પહેલીવાર તાવ જોવા મળ્યો હતો અને 2019માં મલપ્પુરમના છ વર્ષના છોકરાનું તાવને કારણે મૃત્યુ થયું હતું. આ પછી, મે 2022 માં, ત્રિશૂર જિલ્લામાં તાવથી 47 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું. વેસ્ટ નાઇલ વાયરસ જીવલેણ ન્યુરોલોજીકલ રોગોનું કારણ બની શકે છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, તે મુખ્યત્વે ચેપગ્રસ્ત મચ્છરોના કરડવાથી ફેલાય છે.


આ ગંભીર તાવથી કેવી રીતે બચવું?
તેમજ કેટલાક ઉપાયો આપતા મંત્રીએ જણાવ્યું હતું કે શરીરને સંપૂર્ણપણે ઢાંકી દે તેવા કપડાં પહેરો, મચ્છરદાની અને 'જીવડાં'નો ઉપયોગ કરો, જો ફ્લૂના લક્ષણો દેખાય તો ડોક્ટર પાસે સારવાર કરાવો, તમારા ઘર અને આસપાસના વિસ્તારોને સ્વચ્છ રાખો.