Health: સ્માર્ટફોન અને કમ્પ્યૂટર ચલાવતા સમયે થાય છે માથાનો દુઃખાવો, સમજો ચેતવણી છે!
વૈજ્ઞાનિકો એ શોધવામાં સફળ રહ્યા છે કે સ્માર્ટફોન અને કમ્પ્યૂટરને કારણે તમારા જીવનને કેટલી અસર થઈ રહી છે
વોશિંગટનઃ વૈજ્ઞાનિકો એ શોધવામાં સફળ રહ્યા છે કે સ્માર્ટફોન અને કમ્પ્યૂટરમાંથી નિકળતા કૃત્રિમ પ્રકાશની તમારી ઊંઘ પર કેવી અસર પડી શકે છે. હવે આ પરિણામોની મદદથી માઈગ્રેન, અનિદ્રા, જેટ લેગ અને કર્કાડિયન રિધમ વિકારોના નવા ઈલાજ શોધવામાં મદદ મળશે. અમેરિકાની સાલ્ક ઈન્સ્ટીટ્યુટના સંશોધનકર્તાઓએ શોધી કાઢ્યું છે કે, આંખોની કેટલીક કોશિકાઓ આજુ-બાજુના પ્રકાશને અવશોષિત કરીને આપણી શારીરિક ઘડિયાળ (બોડી ક્લોક- કર્કાડિયમ રિધમ તરીકે ઓળખાતી શારીરિક પ્રક્રિયાઓનું રોજિંદુ ચક્ર) ફરીથી નક્કી કરે છે.
આ કોશિકાઓ જ્યારે મોડી રાત્રે કૃત્રિમ પ્રકાશના સંપર્કમાં આવે છે ત્યારે તેના કારણે આપણો આંતરિક સમય પ્રભાવિત થાય છે. પરિણામે આરોગ્ય સંબંધિત અનેક નવી સમસ્યાઓ ઊભી થાય છે. આ સંશોધનનાં પરિણામ 'સેલ રિપોર્ટ્સ'માં પ્રકાશિત થયા છે. તેની મદદથી હવે માઈગ્રેન (અડધા માથાનો દુખાવો), અનિદ્રા, જેટ લોગ (વિમાનની મુસાફરી અને ત્યાર બાદ રાત અને દિવસના અંતર ન સમજી શકવું) અને કર્કાડિયમ રિધમ વિકાર (ઊંઘના સમય પર અસર) જેવી સમસ્યાઓનો નવો ઈલાજ શોધી શકાય છે.
સંશોધનકર્તાઓના જણાવ્યા અનુસાર, આ વિકારોને કેન્સર, મેદસ્વિતા, ઈન્સ્યુલિન પ્રત્યે પ્રતિરોધ, પાચનશક્તિ, સિન્ડ્રોમ અને અન્ય અનેક બિમારીઓ સાથે પણ સાંકળીને જોઈ શકાય છે.
જો તમે સ્માર્ટફોન યુઝર છો તો નીચેની 9 બાબતોનું જરૂર ધ્યાન રાખો
વર્તમાન સમયમાં સ્માર્ટફોન દરેક વ્યક્તિની આવશ્યક્તા બની ગયો છે. જોકે, તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો ઘણા ફાયદા છે, નહિંતર તે આરોગ્યને પણ નુકસાન પણ પહોંચાડી શકે છે. આજની પેઢી માટે સ્માર્ટફોનને એક દુરુપયોગ ધરાવતું ઉપકરણ કહેવાય છે. તેનાથી બચવું જરૂરી છે. આથી તમારે કેટલીક ખાસ બાબતો પર ધ્યાન આપવાનું રહેશે. આથી, તમે મોબાઈલ ફોનને યોગ્ય રીતે ચલાવી શકો અને તમારું પોતાનું પણ ધ્યાન રાખી શકો.
1. લાંબા સમય સુધી સ્માર્ટફોન ચાર્જ ન કરો
સ્માર્ટફોનને વધુ સમય સુધી ચાર્જરમાં લગાવી ન રાખો. તેનાથી તમારો ફોન વધુ ગરમ થઈ જશે. ફૂલચાર્જ થવાની સાથે જ પ્લગ ઓફ કરી દેવો જોઈએ. ભીના ફોનને પણ ક્યારેય ચાર્જિંગમાં મુકવો નહીં.
2. શર્ટના ખિસ્સામાં સ્માર્ટફોન ન રાખો
આ મુદ્દે અનેક વખત ચર્ચા થઈ ચૂકી છે, પરંતુ ડોક્ટરોની સલાહ છે કે લોકોએ મોબાઈલ ફોન કે કોઈ પણ ટ્રાન્સમિટિંગ ડિવાઈસને શર્ટના ખિસ્સામાં ન રાખવું જોઈએ.
3. ચાર્જ થતા સમયે ઈયરફોન લગાવી ગીત ન સાંભળો
ચાર્જિંગ દરમિયાન ઈયરફોન લગાવીને ગીત સાંભળતા હોય અને કોઈ દુર્ઘટના સર્જાઈ હોય એવા સમાચાર અવાર-નવાર આવતા રહે છે. કારણ કે, ઈયરફોનના માધ્યમથી વિજળીનો કરંટ લાગવાની સંપૂર્ણ સંભાવના રહે છે.
4. સ્માર્ટફોનની નજીક ઊંઘવું નહીં
એ વાતનું પણ ધ્યાન રાખો કે તમે જ્યાં ઊઘતા હોવ ત્યાં નજીકમાં કોઈ સ્માર્ટફોન ન હોય. હંમેશાં તેને તમારાથી દૂર રાખો. ક્યારેય સ્માર્ટફોનને ઓશિકાની નીચે ન મુકો. આ એક મોટું જોખમ છે. સાથે જ મોબાઈલના સિગ્નલ મગજને અસર કરે છે તેવી ચર્ચાઓ પણ થઈ ચૂકી છે.
5. તડકાથી સ્માર્ટફોનને બચાવો
નિષ્ણાતોનું માનવું છે કે, સ્માર્ટફોનને તડકાથી બચાવીને રાખવો જોઈએ. ખાસ કરીને ત્યારે જ્યારે ચાર્જિંગ થતો હોય. દિવસમાં કારના ડેશબોર્ડ કે કોઈ ગરમ સ્થાને મોબાઈલ ફોન મુકીને ચાર્જ ન કરવો જોઈએ. મોબાઈલ 0થી 45 ડિગ્રી સુધીનું તાપમાન સહન કરી શકે છે.
6. સસ્તા એડોપ્ટરથી ચાર્જ ન કરો
સ્માર્ટફોન તેની સાથે આવેલા ચાર્જરની મદદથી જ ચાર્જ કરવો જોઈએ. જો ચાર્જર ખોવાઈ જાય તો બ્રાન્ડેડ ચાર્જર જ ખરીદવું જોઈએ. સસ્તા ચાર્જર કે એડોપ્ટરથી ચાર્જ ન કરો.
7. ચાર્જ કરતા સમયે કવર જરૂર દૂર કરો
સ્માર્ટફોન જ્યારે પણ ચાર્જ કરો ત્યારે તેનું કવર કે કેસ કાઢી નાખવું જોઈએ. તેનાથી ચાર્જિંગના સમયે ફોન ઓવરહીટ એટલે કે વધુ પડતો ગરમ થવાની સંભાવના વધી જાય છે.
8. અજ્ઞાત સોર્સથી એપ ડાઉનલોડ ન કરો
ટેક્નિકલ નિષ્ણાતોનું માનવું છે કે, ક્યારેય પણ અજ્ઞાત સોર્સ કે પ્લેટફોર્મ પરથી મોબાઈલ એપ ડાઉનલોડ ન કરવી જોઈએ. આવી એપ તમારા મોબાઈલનો ડાટા ચોરી કરી શકે છે. તમારા ફોનને ડેમેજ પણ કરી શકે છે.
9. સ્માર્ટફોનને હંમેશાં લોક રાખો
સ્માર્ટફોનમાં તમારી વ્યક્તિગત માહિતી હોય છે. આથી સ્માર્ટફોનને હંમેશાં સુરક્ષિત રાખવા માટે તેને લોક રાખો. ફોનને તમે બાયોમેટ્રિક ઓથેન્ટિફિકેશન જેમ કે ફિંગરપ્રિન્ટ કે અઘરા પાસવર્ડની મદદથી લોક રાખી શકો છો.