કર્ણાટક મામલે આજે થશે આર કે પાર? 10.30 વાગ્યે સુપ્રીમ કોર્ટમાં ફરી સુનાવણી
કર્ણાટકમાં કોની બનશે સરકાર એ મામલે સસ્પેન્સ દિવસેને દિવસે વધતું જાય છે
નવી દિલ્હી : કર્ણાટકમાં કોની બનશે સરકાર એનો વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. બુધવારે રાત્રે કોંગ્રેસ અને જેડીએસની અરજી પર સુપ્રીમકોર્ટે મોડી રાત્રે સુનાવણી હાથ ધરી હતી અને સુપ્રીમ કોર્ટે યેદિયુરપ્પાને શપથ ગ્રહણ માટે લીલી ઝંડી આપી હતી. જોકે સુપ્રીમ કોર્ટે બીજેપીને સમર્થન પત્ર ફાઈલ કરવા આદેશ આપ્યા હતા. ભાજપને બહુમત માટે 112 ધારાસભ્યોના સમર્થનની જરૂર છે અને તેમની પાસે પુરતા સભ્યો નથી. આ સંજોગોમાં યેદિયુરપ્પા માટે લોઢાના ચણા ચાવવા જેવી સ્થિતિ છે. આ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સવારે 10.30 વાગે ફરીથી સુનાવણી હાથ ધરાશે.
કર્ણાટક વિધાનસભાની 222 બેઠક પર આવેલી પરિણામોમાં ભાજપ-104, કોંગ્રેસ-78, જેડીએસ-37 અને અન્યને 2 બેઠક મળી છે. વિપક્ષની સરકાર બનશે કે બીજેપી બહુમત સાબિત કરશે એ જાણવામાં આખા દેશને રસ છે. કર્ણાટક રાજ્યપાલ વજુભાઇ વાળાએ સૌથી મોટી પાર્ટી ભાજપના નેતા યેદિયુરપ્પાને સરકાર માટે આમંત્રણ આપતાં યેદિયુરપ્પાએ ગુરૂવારે સવારે 9 કલાકે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. જોકે શપથગ્રહણ અગાઉ બુધવાર-ગુરૂવાર રાતે સુપ્રીમ કોર્ટમાં એક મોટો ઘટનાક્રમ સર્જાયો હતો.
Video : ફિરંગી દુલ્હને લગ્ન પર આપી એવી Surprise, દુલ્હાએ કર્યું ન ધાર્યું હોય એવું
યેદિયુરપ્પાના શપથગ્રહણના અહેવાલ સામે આવતાં કોંગ્રેસે રાતે જ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા અને આ મામલે સત્વરે સુનાવણી કરવાની માંગ કરી હતી. રજીસ્ટ્રાર સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા અને એમણે કોંગ્રેસ અને જેડીએસની અરજીની તપાસ કરી હતી અને ફરી ચીફ જસ્ટિસ પાસે પહોંચ્યા હતા. રાતે અંદાજે એક વાગે નક્કી થયું કે રાતમાં જ કેસ ચલાવવામાં આવે. ત્રણ કલાક સુધી ચાલેલી સુનાવણી બાદ જોકે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, યેદિયુરપ્પાના શપથગ્રહણ રોકવામાં નહીં આવે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે યેદિયુરપ્પા પાસે બહુમત સાબિત કરવા માટે ધારાસભ્યોનો સંમતિ પત્રની માંગ કરી હતી. કર્ણાટક મામલાની સુનાવણી માટે ત્રણ જજની બેન્ચ બનાવવામાં આવી છે. જેમાં જસ્ટિસ એકે સીકરી, જસ્ટિસ એસએ બોબડે અને જસ્ટિસ અશોક ભૂષણ સામેલ છે. તમને જણાવી દઇએ કે રાજ્યપાલના નિર્ણય બાદ કોંગ્રેસે આ નિર્ણયને બંધારણના અપમાન સમાન ગણાવ્યો છે.