નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના નાગરિકોને ખાસ દરજ્જો અને રાજ્યના સ્થાયી નિવાસીની પરિભાષા આપતી બંધારણની કલમ 35એ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. સીજેઆઈ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી 3 જજોની પેનલ આ મામલે સુનાવણી કરશે. બીજી બાજુ સુપ્રીમ કોર્ટમાં આજે થનારી આ સુનાવણીને ટાળવા માટે એક અરજી પણ દાખલ કરાઈ છે. રાજ્ય સરકાર તરફથી દાખલ આ અરજીમાં કહેવાયું છે કે રાજ્યમાં જલદી થનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ મામલે 31 ઓગસ્ટે સુનાવણી હાથ ન ધરીને તેને ટાળવામાં આવે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પેનલ કરશે વિચાર
ગત સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તે વિચાર કરશે કે કલમ 35એ બંધારણના મૂળભૂત માળખાનો ભંગતો નથી કરતી ને. તેમાં વિસ્તૃત સુનાવણીની જરૂર છે. સુનાવણી દરમિયાન જમ્મુ અને કાશ્મીર સરકારે મામલાની સુનાવણી ડિસેમ્બર સુધી ટાળવાની માગણી કરી હતી. જો કે આ માગણી પર સુપ્રીમ કોર્ટે કોઈ ધ્યાન આપ્યું નહતું. હકીકતમાં સુપ્રીમ કોર્ટે નક્કી કરવાનું છે કે આ મામલાને બંધારણીય પેનલ પાસે વિચાર માટે મોકલવામાં આવે કે નહીં. 


શ્રીનગરમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો
આ બાજુ કલમ 35એના સમર્થનમાં અલગાવવાદીઓ તરફથી કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનને રોકવા માટે ગુરુવારે જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો. પોલીસે એક નિવેદનમાં કહ્યું કે નોહટ્ટા, ખાન્યાર, રૈનાવાડી, એમઆર ગંજ, અને સફાકદલ પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા વિસ્તારોમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યાં છે. જ્યારે ગુરુવારે અને શુક્રવારે ક્રલખુદ અને મૈસૂમા પોલીસ સ્ટેશનો હેઠળ આવતા વિસ્તારોમાં આંશિક રીતે પ્રતિંબધ રહેશે. 


પોલીસે કહ્યું કે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યાં છે. સૈયદ અલી ગિલાની, મીરવાઈઝ ઉમર ફારુક, અને મોહમ્મદ યાસીન મલિકના નેતૃત્વવાળા અલગાવવાદી જૂથ સયુંક્ત પ્રતિરોધ નેતૃત્વ (જેઆરએલ) દ્વારા 30 ઓગસ્ટ અને 31 ઓગસ્ટના રોજ કલમ 35એના સમર્થનમાં સંપૂર્ણ રીતે બંધનું આહ્વાન કરવામાં આવ્યું છે. 


કલમ 35એને પડકારવામાં આવી છે
કલમ 35એની બંધારણીય માન્યતાને અરજીઓ દ્વારા પડકારવામાં આવી છે. એનજીઓ વી ધ સિટિઝને મુખ્ય અરજી 2014માં દાખલ કરી હતી. આ અરજીમાં કહેવાયું હતું કે આ કલમના પગલે જમ્મુ અને કાશ્મીરની બહારના ભારતીય નાગરિકોને રાજ્યમાં સંપત્તિ ખરીદવાનો અધિકાર નથી. કોર્ટમાં દાખલ કરાયેલી અરજી પર અલગાવવાદીઓએ એક સૂરમાં કહ્યું કે જો કોર્ટ રાજ્યના લોકોના હિતો વિરુદ્ધ ચુકાદો આપે છો તો જનતા આંદોલન માટે તૈયાર થઈ જાય.


શું છે કલમ 35એ
આ કાયદો 14 મે 1954ના રોજ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ તરફથી લાગુ કરવામાં આવ્યો હતો. કલમ 35એ  જમ્મુ અને કાશ્મીરના બંધારણમાં સામેલ છે. જે મુજબ રાજ્યમાં રહેતા નાગરિકોને અનેક વિશેષાધિકાર આપવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્ય સરકાર પાસે પણ એ અધિકાર છે કે આઝાદી સમયના કોઈ શરણાર્થીને તે રાજ્યમાં સગવડો આપે કે નહીં. કલમ મુજબ રાજ્ય બહારના લોકોને ત્યાં જમીન ખરીદવાનો હક નથી, તેઓ ત્યાં કાયમી ધોરણે વસવાટ પણ કરી શકે નહીં. 


એટલું જ નહીં પરંતુ બહારના લોકો રાજ્ય સરકારની સ્કીમોનો લાભ પણ ન ઉઠાવી શકે અને તેઓ સરકારમાં નોકરી પણ કરી શકે નહીં. કાશ્મીરમાં રહેતી છોકરી જો કોઈ બહારના વ્યક્તિ સાથે લગ્ન કરે તો તેને રાજ્ય તરફથી મળેલા અધિકાર છીનવી લેવાય છે. તેના બાળકો પણ હક માટે લડી શકતા નથી.