આકાશમાંથી થઈ રહી છે અગનવર્ષા, સમગ્ર દેશ `લૂ`ની ઝપટમાં, રાહતના કોઈ સમાચાર નહીં
દેશના અનેક શહેરોમાં તાપમાન 50 ડિગ્રીને પાર થઈ ગયું છે અને કેટલાક મોટા શહેરોમાં પારો 45થી ઉપર જ નોંધાઈ રહ્યો છે, ત્યારે હવામાન ખાતાએ પણ હજુ આગામી બે-ત્રણ દિવસ સુધી `લૂ` ચાલુ રહે તેવી સંભાવના વ્યક્ત કરી છે, ભીષણ ગરમીના કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે
નવી દિલ્હીઃ આજકાલ સમગ્ર દેશમાં આકાશમાંથી અગનવર્ષા થઈ રહી છે. દેશનું કોઈ રાજ્ય બાકી નથી જ્યાં ગરમીનો પ્રકોપ જોવા મળતો ન હોય. મોટાભાગના રાજ્યોમાં તાપમાન 45 ડિગ્રીને પાર નોંધાઈ રહ્યું છે. રાજસ્થાનના ચુરૂમાં તો ગરમીએ 50 ડીગ્રીનો આંકડો વટાવી દીધો છે, એટલે કે આકાશમાંથી જાણે કે અગનગોળા વરસતા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ગુજરાતમાં પણ મોટાભાગના શહેરોમાં તાપમાન 40થી 45 ડિગ્રીની વચ્ચે નોંધાયું છે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ આગામી બે-ત્રણ દિવસ સુધી તાપમાનમાં કોઈ રાહત મળવાની સંભાવના નથી. હવામાન ખાતાએ જણાવ્યું કે, લોકોએ જરૂર ન હોય તો બપોરના સમયે ઘરની બહાર નિકળવું નહીં. દેશના અનેક શહેરોમાં 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે.
હિમાલયની ગોદમાં આવેલા જમ્મુ-કાશ્મીરમાં પણ તાપમાન વધ્યું
જમ્મુમાં છેલ્લા પાંચ દિવસથી સૂર્યદેવતા પ્રકોપ વરસાવી રહ્યા છે. જમ્મુના ઠંડા પ્રવાસન સ્થળ કુદ, પટનીટોપ, સનાસર અને બટોતમાં પણ તામાન 25થી 28 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. ગરમીના કારણે સ્થાનિક તંત્રએ સ્કૂલોમાં 1 જુનથી દોઢ મહિનાનું વેકેશન જાહેર કરી દીધું છે.