Heatwave: ગરમીએ મચાવ્યો હાહાકાર, દિલ્હીમાં 52 ડિગ્રી ઉપર તાપમાન, બિહારમાં 80 બાળકો થયા બેભાન
ઈતિહાસમાં ક્યારેય ન પડી હોય એવી ગરમી આ વખતે પડી રહી છે.. જી હાં, ઈતિહાસમાં ક્યારેય ન નોંધાયું હોય એટલું તાપમાન આજે દેશમાં નોંધાયું છે. દિલ્હીના મંગેશપુરમાં 52.3 ડિગ્રી તાપમાન નોંધાયું. એટલું જ નહીં બિહારમાં ભીષણ ગરમીના કારણે શાળામાં 80 જેટલી વિદ્યાર્થીનીઓ બેભાન થઈ ગઈ. ઈતિહાસના સૌથી ગરમ દિવસનો જુઓ આ ખાસ રિપોર્ટ..
દિલ્હીમાં ગરમીના તમામ રેકોર્ડ તૂટી ગયા છે. દિલ્હીમાં પહેલીવાર તાપમાનનો પારો 52 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મંગેશપુરમાં 52.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું..
દિલ્હીના મંગેશપુરમાં તાપમાન 52.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અત્યાર સુધી સૌથી વધુ ગરમી રાજસ્થાનમાં પડી હતી. રાજસ્થાનના ફલૌદીમાં વર્ષ 2016માં 51 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જે દેશનું અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન હતું. આ પહેલાં રાજસ્થાનના અલવરમાં 1956માં 50.6 સુધી પારો પહોંચ્યો હતો..
જોકે, આ તમામ રેકોર્ડ તોડીને હવે દિલ્લી સૌથી આગળ આવી ગયું છે. એટલું જ નહીં આ તાપમાનના કારણે દેશનું અત્યાર સુધીનું સૌથી ગરમ શહેર દિલ્લી બની ગયું છે. ગરમીના અતિશય પ્રકોપથી દિલ્લીની જનતા ત્રાહિમામ્ પોકારી ઊઠી છે.. એક તરફ દિલ્હીમાં પાણીની સમસ્યા અને બીજી તરફ આકર ગરમીના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે.એક તરફ દિલ્હીમાં તાપમાને તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.. થોડા સમય બાદ રાજધાનીના વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો હતો. લોકોએ ગરમીથી થોડી રાહત અનુભવી હતી.. દિલ્લી NCR અને નોઈડા સહિતના શહેરોમાં બુધવાર સાંજે હળવો વરસાદ નોંધાયો હતો..
બિહારમાં બાળકોને ગરમીની અસર
તો બીજી તરફ બિહારમાં પણ પારો 48 ડિગ્રીની નજીક છે. બુધવારે 8 જિલ્લાના 80 બાળકો ગરમીના કારણે બેભાન થઈ ગયા હતા.. રાજ્યમાં બે દિવસ માટે હીટવેવનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હીટ વેવને લઈને IMDએ કહ્યું છે કે જૂન મહિનામાં સામાન્ય કરતા વધુ ગરમી પડવાની સંભાવના છે. IMD અનુસાર, જૂન મહિનામાં મધ્ય ભારત અને ઉત્તર મધ્ય ભારતમાં વધુ ગરમી પડશે. વાસ્તવમાં જૂન મહિનામાં 3 દિવસ માટે પડતી લૂને સામાન્ય માનવામાં આવે છે. પરંતુ આ વખતે IMDએ જૂન મહિનામાં 6 દિવસ સુધી હીટ વેવ રહેવાની આગાહી કરી છે..
મે મહિનામાં પડેલી ગરમીએ અને વધતા તાપમાને લોકોના પરસેવા છોડાવી દીધા છે.. ત્યારે હવે જૂન મહિનામાં તાપમાન વધુ રહેવાની સંભાવના છે.. દક્ષિણ ભારત સિવાય દેશના બધા જ ભાગોમાં ગરમી વધી રહી છે.. ત્યારે IMD નું કહેવું છે કે મે મહિનામાં વધારે તાપમાન હોવાનું મુખ્ય કારણ વરસાદ ન પડવો છે.. IMD દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, મેના પહેલા પખવાડિયામાં 5 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થયા હતા, પરંતુ માત્ર 2 વરસાદ લાવી શક્યા હતા, જ્યારે 15 મેથી એક પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થયું નથી.. જેના કારણે દેશના મોટાભાગના વિસ્તારોમાં દુષ્કાળની સ્થિતિ છે અને ગરમી રેકોર્ડ તોડી રહી છે..
---