કર્ણાટકમાં CMએ પૂર પ્રભાવિત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું, કેરળમાં 22 હજાર લોકોને રેસ્ક્યુ કરાયા
દક્ષિણના રાજ્યોમાં વરસાદનો કેર ચાલુ છે. મહારાષ્ટ્રની સાથે સાથે કેરળ અને કર્ણાટકમાં પણ ભારે વરસાદ ચાલુ છે. આ વખતે ચોમાસાની ઋતુમાં ભારે વરસાદના કારણે કેરળ અને કર્ણાટકના અનેક ભાગોમાં પૂરની સ્થિતિ પેદા થઈ છે.
નવી દિલ્હી: દક્ષિણના રાજ્યોમાં વરસાદનો કેર ચાલુ છે. મહારાષ્ટ્રની સાથે સાથે કેરળ અને કર્ણાટકમાં પણ ભારે વરસાદ ચાલુ છે. આ વખતે ચોમાસાની ઋતુમાં ભારે વરસાદના કારણે કેરળ અને કર્ણાટકના અનેક ભાગોમાં પૂરની સ્થિતિ પેદા થઈ છે. આ વિસ્તારોમાં ફસાયેલા લોકોને કાઢવા માટે તથા તેમના સુધી મદદ પહોંચાડવા માટે સેનાને કામે લગાડી છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ કર્ણાટકમાં પૂરના કારણે અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા છે. રાજ્યમાં પૂર પ્રભાવિત વિસ્તારોમાં અત્યાર સુધીમાં 16,875 લોકો અને 3010 જાનવરોને 272 રાહત કેમ્પોમાં પહોંચાડવામાં આવ્યાં છે.
કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને શુક્રવારે રાજ્યમાં પૂર અને રાહત બચાવ કાર્યની જાણકારી આપી. તેમણે જણાવ્યું કે રાજ્યમાં પૂરથી રાહત માટે 315 કેમ્પો સ્થાપિત કરવામાં આવ્યાં છે. જેમાં 22000 લોકો હાજર છે. આ કેમ્પોમાં મોટાભાગના લોકો વાયનાડથી આવ્યાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં પૂરથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 22 પર પહોંચી ગઈ છે. આવતી કાલે વરસાદમાં ઘટાડો થવાની શક્યતા છે પરંતુ 15 ઓગસ્ટના રોજ કેરળમાં ફરીથી ભારે વરસાદની આશંકા છે.