નવી દિલ્હી: સામાન્ય રીતે મુંબઈમાં વરસાદનું આગમન 10 જૂનના રોજ થતું હોય છે. આ વખતે ચોમાસાએ એક દિવસ પહેલા જ એન્ટ્રી કરી નાખી. બુધવાર સવારથી શરૂ થયેલા વરસાદે માંડ માંડ કોરોનાની થપાટથી ઊભા થયેલા મુંબઈના જનજીવનને પાછું અસ્તવ્યસ્ત કરી નાખ્યું. વારસાદનો આ સિલસિલો ગુરુવારે મુંબઈની આજુબાજુના કેટલાક વિસ્તારોમાં પણ જોવા મળ્યો. કેટલીક જગ્યાએ છૂટો છવાયો વરસાદ પણ પડ્યો. હવામાન વિભાગે ચોમાસા દરમિયાન સમુદ્રમાં ઉઠનારી ઊંચી લહેરોથી મુંબઈકરોને અત્યારથી જ ચેતવ્યા છે. લોકડાઉન બાદ ધીરે ધીરે ખુલી રહેલા મુંબઈમાં લોકો વરસાદની મજા માણવા માટે સમુદ્ર કિનારે જવા લાગ્યા છે. આવામાં તેઓ હાઈ ટાઈડની ઝપેટમાં ન આવે, તે માટે હવામાન ખાતાએ અલર્ટ બહાર પાડી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચોમાસાની ઋતુના 4 મહિનામાં 18 દિવસ જોખમભર્યા
NBT વેબસાઈટના રિપોર્ટ મુજબ મુંબઈગરાઓ માટે ચોમાસાના 4 મહિનામાં 18 દિવસ જોખમભર્યા રહેશે. જેમાંથી 6 દિવસ તો ફક્ત જૂન મહિનામાં જ છે. જ્યારે 12 દિવસમાંથી જુલાઈમાં 5 દિવસ, ઓગસ્ટમાં 5 દિવસ અને સપ્ટેમ્બરમાં 2 દિવસ છે. હાઈ ટાઈડ દરમિયાન બીએમસી પમ્પિંગ સ્ટેશનોના ફ્લડ ગેટ બંધ કરી દે છે. આ દરમિયાન જો ભારે વરસાદ પડે તો મુંબઈના રસ્તાઓ પર જમા થયેલા પાણીના નિકાલ માટે પણ વ્યવસ્થા નથી જેનાથી મુંબઈમાં પૂરની સ્થિતિ પેદા થઈ જાય છે. 


સમુદ્રમાં લહેરોની ઉંચાઈ
25 અને 26 જૂનના રોજ હાઈ ટાઈડના સમયે સમુદ્રમાં લહેરોની ઊંચાઈ 4.85 મીટર રહેશે. જ્યારે અન્ય 16 દિવસોમાં સમુદ્રમાં લહેરોની ઊંચાઈ 4.55 મીટરથી 4.77 મીટર રહેશે. 


તારીખ સમય લહેરોની ઊંચાઈ (મીટરમાં)
23 જૂન 10.53 4.56
24 જૂન 11.45 4.77
25 જીન 12.33 4.85
26 જૂન 13.23 4.85
27 જૂન 14.10 4.76
28 જૂન 14.57 4.61
23 જુલાઈ 11.37 4.59
24 જુલાઈ 12.24 4.71
25 જુલાઈ 13.07 4.73
26 જુલાઈ 13.48 4.68
27 જુલાઈ 14.27 4.55
10 ઓગસ્ટ 13.22 4.50
11 ઓગસ્ટ 13.56 4.51
22 ઓગસ્ટ 12.07 4.57
23 ઓગસ્ટ 12.43 4.61
24 ઓગસ્ટ 13.47 4.56
8 સપ્ટેમ્બર 12.48 4.56
9 સપ્ટેમ્બર 13.21 4.54

ત્રણ દાયકાઓમાં જૂનમાં બીજીવાર રેકોર્ડબ્રેક વરસાદ
આ વર્ષે સમય પહેલા ચોમાસુ બેસી જતા જૂન મહિનામાં રેકોર્ડબ્રેક વરસાદ નોંધાયો છે. ત્રણ દાયકામાં બુધવાર અને ગુરુવાર વચ્ચે જૂન મહિનામાં 24 કલાક વરસાદ વરસ્યો જે બીજીવાર સૌથી વધુ વરસાદ નોંધાયો. આ દરમિયાન હવામાન ખાતાએ અહીં 231 મિમી વરસાદ નોંધ્યો. આ અગાઉ 1991માં 10 જૂનના રોજ મુંબઈમાં 399 મિમી વરસાદ વરસ્યો હતો. મુંબઈ અને તેની આજુબાજુના વિસ્તારોમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની સંભાવના જોતા ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. 


5 દિવસ સુધી ભારે વરસાદનું અલર્ટ
આઈએમડીના જણાવ્યાં મુજબ આગામી 5 દિવસ સુધી મુંબઈમાં ભારે વરસાદની સંભાવના છે. મુંબઈ ઉપરાંત થાણે, પાલઘર, રાયગઢ અને કોંકણમાં પણ આગામી દિવસોમાં વરસાદની સંભાવના જોતા ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે. પ્રાદેશિક હવામાન વિભાગના અધિકારી જયંત સરકારે જણાવ્યું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ સમગ્ર મહારાષ્ટ્રમાં દસ્તક આપી દીધી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube