ઓપરેશન મહાલક્ષ્મી: 900 યાત્રીઓને બચાવાયા, આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આપાવામાં આવેલી માહિતી અનુસાર આગામી 48 કલાકમાં મહારાષ્ટ્રના કેટલાક વિભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
મુંબઇ/નવી દિલ્હી: મુંબઇમાં ભારે વરસાદને કારણે રેલવે ટ્રેક પર ફસાયેલી મહાલક્ષ્મી એક્સપ્રેસના તમામ પ્રવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ન્યુઝ એજન્સી એએનઆઇ અનુસાર, એનડીઆરએફના ડીઝી એસએન પ્રધાને કહ્યું કે, ‘ઓપરેશન મહાલક્ષ્મી’ દરમિયાન મહિલાઓ અને બાળકોને સૌથી પહેલા બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાંથી 9 મહિલાઓ ગર્ભવતી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે, ત્યાર બાદ વૃદ્ધોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. અને અંતે પુરુષ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા, તેમણે જણાવ્યું કે, ‘ઓપરેશન મહાલક્ષ્મી’ આશરે 8 કલાક સુધી ચાલ્યુ હતું. જેમાં 900 કરતા પણ વધુ મુસાફરોનું રેસ્ક્યું કરવામાં આવ્યું હતું.
એનડીઆરએફ, એરફોર્સ અને અન્ય ટીમોએ સાથે મળી કર્યું રેસ્ક્યું
આ રેસ્ક્યુ ઓપરેશમમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યનંદ રાયે કહ્યું કે, એનડીઆરએફે તેના સાઘનોને વધારે સારા કર્યા છે જેથી તે દેશના કોઇ પણ સ્થળે આવેલી આપત્તિની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ગૃહ મંત્રાલયે એરફોર્સ, રેલવે અને મહારાષ્ટ્ર સરકારના અધિકારીઓ સાથે સીધા સંપર્કમાં હતા. અમે મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસના પણ સીધા સંપર્કમાં હતા. જ્યારે ગૃહમંત્રી અમિતશાહ પણ સતત રેસ્ક્યું ઓપરેશન પર ધ્યાન રાખી રહ્યા હતા. વધુમાં તેમણે કહ્યું કે રેસ્ક્યુ ઓપરેશનમાં મદદ કરનાર લોકોનો ગૃહમંત્રાલય આભાર માને છે.
VIDEO: ઓપરેશન મહાલક્ષ્મી પૂરું, 9 ગર્ભવતી મહિલાઓ સહિત તમામ મુસાફરોને ટ્રેનમાંથી હેમખેમ બહાર કઢાયા
જુઓ VIDEO
ટ્રેનમાં 9 ગર્ભવતી મહિલાઓ હતી
ટ્રેનમાંથી રેસ્ક્યુ કરાયેલા મુસાફરોમાં બાળકો, વૃદ્ધો ઉપરાંત 9 ગર્ભવતી મહિલાઓ પણ હતી. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં ટ્રેનમાં મુસાફરોની સંખ્યા 2000 હોવાનું કહેવાયું હતું. મુસાફરોને કોઈ પણ પ્રકારની પરેશાનીઓ ન થાય તે માટે ઈમરજન્સીમાં એમ્બ્યુલન્સ અને 37 ડોક્ટરોની ટીમને તહેનાત કરાઈ હતી. ચિકિત્સકોની ટીમમાં ગાયનેકોલોજીસ્ટ પણ હતાં. બચાવ ટીમોએ સૌથી પહેલા મહિલાઓ અને બાળકોને રેસ્ક્યુ કર્યાં, ત્યારબાદ વૃદ્ધોને અને અંતમાં પુરુષોને ટ્રેનમાંથી રેસ્ક્યુ કર્યા હતાં.