મુંબઇ : મુંબઇના અનેક વિસ્તારોમાં રવિવારે ભારે વરસાદના કારણે વાહન વ્યવહાર ઠપ થઇ ગયો છે. અનેક સ્થળો પર પાટાઓ પર પાણી ભરાતા લોકલની વ્યવસ્થા પર અસર પડી હતી. તો કેટલાક વિસ્તારોમાં બસ સેવા પણ અટકાવી દેવાઇ હતી. હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસમાં મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ગોવામાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઇમાં સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે. જેનાં કારણે તિલક નગર, કુર્લા, સાયન, મુલુંડ, ઘાટકોપર, ચેમ્બરુ, કિંગ સર્કલ, રાયગઢ, પાલઘરના રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા છે. તિલક નગરમાં ઘરમાં પાણી ઘુસી ગયા છે. બીજી તરફ કુર્લામાં પણ પાટાઓ પાણીમાં ડુબી જતા લોકલ ટ્રેન અટકી પડી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આજે ઘાટકોપરનાં બ્રિજ પર પણ તિરાડ પડતા તેને બંધ કરી દેવાયો છે. એક જ અઠવાડીયામાં આ ત્રીજો પુલ બંધ કરવામાં આવ્યો છે. 

હવામાન વિભાગ દ્વારા મહારાષ્ટ્ર, ગોવા, આંધ્ર, તેલંગાણામાં બુધવાર સુધી ભારે વરસાદની આગાહી કરી છે. રેલ્વે દ્વારા તમામ ક્ષેત્રોમાં ભારે વરસાદની આશંકાના કારણે કેટલીક ટ્રેન પણ રદ્દ કરી દીધી છે. તેલંગાણાના નાલગોંડા, સુર્યાપેટ, ખમ્મ, ભદ્રાદિ, કોઠાગુડેમ, જયશંકર, ભૂપલાપલ્લી, વારંગલ, મહબુબાબાદમાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરાઇ છે. 

આંધ્રના શ્રીકાકુલમ, વિજયનગર, વિશાખાપટ્ટનમ, પુર્વ ગોદાવરી, કૃષ્ણા અને ગુંટૂરમાં 24 કલાકમાં ભારે વરસાદ અંગે એલલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ગોવામાં પણ ભારે વરસાદનું એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે. જેના કારણે તમામ રાજ્યોનું તંત્ર સતર્ક થઇ ગયું છે અને તમામ ઇમરજન્સી સ્ટાફને સ્ટેન્ડટુ રહેવા માટેના આદેશો આપ્યા છે.