હિજાબ કેસમાં મુસ્લિમ વિદ્યાર્થીનીઓ સાથે ભેદભાવનો આરોપ, વકીલે કહ્યું- બંગડી અને ક્રોસને છૂટ કેમ?
Hijab Controversy: હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન હિજાબ સમર્થક એક વકીલે દાવો કર્યો હતો કે રાજ્યની પ્રી-યુનિવર્સિટી કોલેજમાં ડ્રેસને લઈને કોઈ નિયમ જ નથી. વકીલે કહ્યું કે કોલેજ ડેવલપમેન્ટ કાઉન્સિલ ડ્રેસ અંગે કોઈ નિયમ નક્કી કરવાની સત્તા જ નથી.
Hijab Controversy: કર્ણાટકમાં હિજાબને લઈને શરૂ થયેલા વિવાદ પર કર્ણાટક હાઈકોર્ટમાં સુનાવણી સતત ચાલી રહી છે. બુધવારે થયેલી સુનાવણીમાં અરજદાર વિદ્યાર્થીના વકીલોએ હિંદુ અને ખ્રિસ્તી વિદ્યાર્થીનીઓ પર અનેક સવાલો ઉઠાવ્યા હતા. વકીલે એવો પણ વાંધો ઉઠાવ્યો હતો કે જો હિજાબ પર પ્રતિબંધ મુકવો જ હતો તો એક વર્ષ પહેલા માતા-પિતાને કેમ જાણ કરવામાં આવી ન હતી.
'કોલેજમાં ડ્રેસને લઈને કોઈ નિયમ નથી'
હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન હિજાબ સમર્થક એક વકીલે દાવો કર્યો હતો કે રાજ્યની પ્રી-યુનિવર્સિટી કોલેજમાં ડ્રેસને લઈને કોઈ નિયમ જ નથી. વકીલે કહ્યું કે કોલેજ ડેવલપમેન્ટ કાઉન્સિલ ડ્રેસ અંગે કોઈ નિયમ નક્કી કરવાની સત્તા જ નથી. અરજદારના વકીલે જણાવ્યું કે સરકારે એ સમજાવવું જોઈએ કે તેમણે કયા નિયમ અને સત્તાથી હિજાબ પર પ્રતિબંધ મૂક્યો છે.
'એક વર્ષ પહેલા માતાપિતાને આપવી જોઈતી હતી સૂચના'
અરજદાર મુસ્લિમ વિદ્યાર્થિનીઓ વતી આ કેસની દલીલ કરી રહેલા વકીલે જણાવ્યું કે જો સરકારે હિજાબ પર પ્રતિબંધ મૂકવો હોય તો તેના માતા-પિતાને એક વર્ષ પહેલા તેની જાણ કરવી જોઈતી હતી. વકીલે આ વાત એજ્યુકેશન એક્ટની કલમને ટાંકીને કહી હતી, જેમાં કોઈ પણ નવા નિયમની માહિતી એક વર્ષ અગાઉ આપવાની જોગવાઈ છે.
'હિજાબ પર પ્રતિબંધનો આદેશ ખોટો અને મનસ્વી'
વકીલે દાવો કર્યો કે કર્ણાટક એજ્યુકેશન એક્ટમાં હિજાબ પર પ્રતિબંધ જેવી કોઈ વાતનો પ્રસ્તાવ નથી. એટલા માટે હિજાબ પર લાદવામાં આવેલ પ્રતિબંધ ખોટો અને મનસ્વી છે. વકીલે કોર્ટને અપીલ કરી હતી કે હાઈકોર્ટે આ કેસની સુનાવણી માટે સમય મર્યાદા નક્કી કરવી જોઈએ અને આ મામલે વહેલી તકે ચુકાદો સંભળાવવો જોઈએ.
'ફક્ત હિજાબ પર જ સવાલ કેમ ઉઠાવવામાં આવી રહ્યા છે'
સુનાવણી દરમિયાન મુસ્લિમ વિદ્યાર્થીનીઓના વકીલે સરકાર પર પક્ષપાતનો આરોપ લગાવ્યો હતો. વકીલે જણાવ્યું કે સરકાર દ્વારા યુનિફોર્મ પર જાહેર કરવામાં આવેલા આદેશમાં અન્ય કોઈ ધાર્મિક પ્રતિકની વાત કરવામાં આવી નથી. તો પછી શા માટે સરકાર હિજાબ વિવાદને એકલો મુદ્દો બનાવી રહી છે. વકીલે દાવો કર્યો હતો કે હિંદુ છોકરીઓ બંગડીઓ પહેરે છે અને ખ્રિસ્તી છોકરીઓ શાળા અને કોલેજોમાં ક્રોસ પહેરે છે. પરંતુ તેમને સંસ્થાઓની બહાર મોકલવામાં આવી રહ્યા નથી.
'ભાજપ ધારાસભ્યના ઈરાદા પર ભરોસો નથી'
મુસ્લિમ વિદ્યાર્થીનીઓ તરફથી હાજર રહેલા એડવોકેટ રવિ કુમાર વર્માએ પણ કોલેજ કમિટીના પ્રમુખ પર સવાલો ઉઠાવ્યા હતા. વકીલે જણાવ્યું હતું કે સમિતિના પ્રમુખ ઉડુપીના ભાજપના ધારાસભ્ય છે. તેઓ એક રાજકીય પક્ષ અને વિચારધારાના પ્રતિનિધિ છે. વકીલે પૂછ્યું કે શું આવા કોઈ વ્યક્તિના વિદ્યાર્થીઓના હિતમાં કામ કરવાના ઈરાદા પર ભરોસો કરી શકાય. એડવોકેટે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આ રીતે કોલેજ મેનેજમેન્ટ કમિટીની રચના લોકશાહી માટે ખૂબ જ ચિંતાનો વિષય છે. તેમની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે સુનાવણી ગુરુવાર બપોર સુધી મુલતવી રાખી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube