આ રાજ્યમાં સત્તામાં છે BJP પરંતુ કરમાયું `કમળ`, કોંગ્રેસે કબજે કરી 4 સીટ
હિમાચલ પ્રદેશમાં યોજાયેલી પેટાચૂંટણીના પરિણામે ભાજપની ચિંતા વધારી છે. મંગળવારે થયેલી મતગણતરીમાં કોંગ્રેસે મંડી લોકસભા સીટ પર જીત હાસિલ કરી સાથે ત્રણેય વિધાનસભા સીટ પણ કબજે કરી છે.
શિમલાઃ હિમાચલ પ્રદેશમાં પેટાચૂંટણીના પરિણામે ભાજપની ચિંતા વધારી છે. મંગળવારે થયેલી મતગણતરીમાં કોંગ્રેસે મંડી લોકસભા સીટ પર જીત હાસિલ કરી છે સાથે ત્રણેય વિધાનસભા સીટો પર પણ જનતાએ તેનો સાથ આપ્યો છે. હિમાચલમાં સરકારમાં હોવા છતાં ભાજપનું કમળ કરમાયું છે. જે પાર્ટી માટે ચિંતાજનક છે.
મંડીમાં જીત્યા કોંગ્રેસના પ્રતિભા સિંહ
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિણામ પ્રમાણે મંડી સંસદીય સીટ પર દિવંગત મુખ્યમંત્રી વીરભદ્ર સિંહના પત્ની તથા કોંગ્રેસના ઉમેદવાર પ્રતિભા સિંહ ભાજપના ઉમેદવાર બ્રિગ્રેડિયર (અવકાશ પ્રાપ્ત) ખુશાલ ઠાકુરને પરાજય આપ્યો છે. આ સાથે કોંગ્રેસે ત્રણેય વિધાનસભા સીટો પણ કબજે કરી છે. આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ માટે આ પરિણામ ઝટકા સમાન છે.
આ પણ વાંચોઃ ફટકડા પર રાજ્ય સરકારો કડક, આ રાજ્યોમાં પૂર્ણ પાબંધી, તમારું શહેર પણ છે સામેલ?
ત્રણેય વિધાનસભા બેઠકો કબજે કરી
INC ના રોહિત ઠાકુરે જુબ્બલ કોટખાઈથી અપક્ષ ભાજપના બળવાખોર ઉમેદવાર ચેતન બ્રગટાને 6103 મતોથી હરાવીને જીત મેળવી હતી. કોંગ્રેસે ફતેહપુર વિધાનસભા બેઠક પણ કબજે કરી લીધી છે. આ બેઠક પર કોંગ્રેસના ભવાની સિંહે ભાજપના બલદેવ ઠાકુરને 5789 મતોથી હરાવ્યા હતા. કોંગ્રેસના સંજય અવસ્થીએ અરકી વિધાનસભા બેઠક પરથી તેમના નજીકના હરીફ ભાજપના ઉમેદવાર રતનપાલને 3277 મતોથી હરાવ્યા હતા. ભાજપે 2019માં મંડી અને 2017માં જુબ્બલ-કોટખાઈ બેઠક પરથી જીત મેળવી હતી જ્યારે અરકી અને ફતેહપુર બેઠક કોંગ્રેસના ફાળે ગઈ હતી. આ ચાર બેઠકો પર 30 ઓક્ટોબરે પેટાચૂંટણી યોજાઈ હતી.
'લોકોએ પરિવર્તનનું મન બનાવ્યું'
હિમાચલમાં કોંગ્રેસના પ્રભારી રાજીવ શુક્લાએ કહ્યું કે, પરિણામોએ સ્પષ્ટ કરી દીધું છે કે લોકોએ પરિવર્તન માટે પોતાનું મન બનાવી લીધું છે. દેશમાં વાતાવરણ બદલાઈ રહ્યું છે. લોકો ભાજપ સરકારથી નારાજ છે. રાજીવ શુક્લાએ કહ્યું કે, લોકસભા સીટ હારવી એ કેન્દ્ર પ્રત્યેની નારાજગી દર્શાવે છે અને ત્રણ વિધાનસભા સીટ પર હારવું એ રાજ્ય સરકાર પ્રત્યેની નારાજગી દર્શાવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube