નવી દિલ્હી : હિમાચલ પ્રદેશનાં કાંગડામાં એક શાળાની બસ ખાઇમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 27 બાળકોનાં મોત નિપજ્યા હતા. બાળકો ઉપરાંત શાળાની બસમાં બેઠેલ બે શિક્ષક અને  1 ડ્રાઇવરનું પણ મોત નિપજ્યું છે. બસમાં 40 બાળકો બેઠા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર મૃત્યુઆંક હજી પણ વધવાની શક્યતાઓ છે. હાલ 2 ટીચર અને 1 ડ્રાઇવર સહિત કુલ 30 લોકોનાં મોત નિપજ્યા છે. મુખ્યમંત્રી જયરામ ઠાકુરે મેજીસ્ટ્રેટ લેવલની તપાસનાં આદેશ આપ્યા છે. રાજ્ય સરકારે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને 4-4 લાખની સહાયની જાહેરાત કરી છે. હિમાચલના પરિવહન મંત્રી ગોવિંદ ઠાકુરે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું કે, આ ઘટનામાં 27 બાળકો સહિત 30 લોકોના મોત થયા છે. આ દુર્ઘટના પર વડાપ્રધાન અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ શોક વ્યક્ત કર્યો છે. 




COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દુર્ઘટના કાંગડા જિલ્લાનાં નૂરપુરમાં થઇ હતી. એનડીઆરએફની ટીમ ઘટના સ્થળ પર પહોચી ચુકી છે. રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યુ છે. જે સમયે શાળાની બસ બાળકોને ઘરે મુકવા માટે જઇ રહી હતી ત્યારે આ દુર્ઘટના થઇ હતી. પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે કે, બસની સ્પીડ ઘણી વધારે હતી. જેના કારણે તે અનિયંત્રિત થઇને ઉંડી ખીણમાં પડી હતી. જેનાં કારણે આ કરૂણાંતિકા સર્જાઇ હતી. 



હાલ તંત્ર દ્વારા રાહત અને બચાવ કાર્ય ચાલુ કરી દેવામાં આવ્યું છે. યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચાલી રહી છે. ઉપરાંત તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સરકાર દ્વારા તમામ ઘાયલોને ફ્રી સારવારની જાહેરાત કરી દેવામાં આવી છે.