નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશની વાત આવે ત્યારે આંખ સામે બરફ આચ્છાદિત પ્રદેશો આવી જાય. ફરવાની વાત આવે ત્યારે સિમલા, મનાલી, ડેલહાઉસી, ધર્મશાળા જેવા સ્થળોએ લોકો રજા ગાળવા પહોંચી જાય છે. સિમલા-મનાલીની સુંદરતાને માણવા ન માત્ર દેશ પરંતુ વિદેશમાંથી સહેલાણીઓ ઉમટી પડે છે. તો તમને એવા સ્થળની વાત કરીએ જે હિમાચલ પ્રદેશમાં આવેલી છે, અને ધીમે ધીમે આ સ્થળ પ્રવાસીઓની પસંદ બન્યું છે. આ સ્થાન 10 હજાર ફૂટની ઊંચાઈએ છે, અને તેનો નજારો એટલો સુંદર છે કે પ્રવાસીઓ ખેંચાઈ આવે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


 


હિમાચલ પ્રદેશમાં આવેલું સેથન ગામ જે બરફ આચ્છાદિત પહાડો અને ઘનઘોર જંગલોમાં વસ્યું છે. અહીં આવેલા ઈગ્લૂ હાઉસના કારણે સેથન ગામ ખૂબ પ્રચલિત છે. બરફથી બનેલા ઈગ્લૂમાં રહેવા માટે ખાસ સહેલાણીઓ સેથન ગામ પહોંચતા હોય છે. સહેલાણીઓ આ ગામમાં -15 ડિગ્રી સેલ્શિયસ તાપમાનમાં રહીને પણ ઈગ્લૂ હાઉસમાં રહેવાનો આનંદ લઈ શકે છે.


સેથન ગામ હિમાચલ પ્રદેશના હામતા વેલીમાં આવેલું છે. મનાલી થઈને આ ગામ પહોંચી શકાય છે. ભારે હિમવર્ષા થાય તો અહીં બધુ સફેદ જ દેખાય છે. આ ગામમાં સુંદર ઈગ્લૂ હાઉસ બનેલા છે. લોહી થીજાવી દે તેવી ઠંડી હોવા છતા પ્રવાસીઓ આ ઈગ્લૂમાં રહેવાનું પસંદ કરતા હોય છે.


તમને જણાવી દઈએ કે વર્ષ 2012માં સ્થાનિક યુવક તશી અને વિકાસે ગામમાં ઈગ્લૂ બનાવવાની શરૂઆત કરી હતી. સતત પરિશ્રમની મહેનત રંગ લાવી. મનાલી જતા સહેલાણીઓ સેથન ગામમાં ઈગ્લૂ હાઉસની ઝલક મેળવવા અને તેમાં રહેવા માટે ઉત્સુક હોય છે. એકસમયનો ઈગ્લૂ બનાવવાનો શોખ આજે તેમના માટે રોજગારી બની ગયો છે.