હિમાચલ પાણીમાં ડૂબ્યું! ઘર-રોડ-બ્રિજ ડૂબી કે તૂટી ગયા, 20ના મોત, જાણો કેવી છે ભયંકર સ્થિતિ
Himachal Rain Update: હિમાચલ પ્રદેશમાં સતત પડી રહેલા વરસાદથી લોકો પર કહેર વરસાવી રહી છે. પૂર અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 20 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે.
Himachal Rain Update: હિમાચલ પ્રદેશમાં સતત પડી રહેલા વરસાદથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. પૂર અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 20 લોકોએ જીવ ગુમાવ્યા છે. ભારે વરસાદ બાદ ભૂસ્ખલન, પૂરના કારણે ઘણા રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. રસ્તાઓ તૂટવાને કારણે લોકો અનેક જગ્યાએ ફસાયા છે. બિયાસ નદીનું વધતું જળસ્તર ચિંતાનું કારણ બની ગયું છે. વરસાદનું વિનાશક સ્વરૂપ જોઈને સરકારે સમગ્ર રાજ્યમાં એલર્ટ જાહેર કર્યું છે.
20 થી વધુ લોકો મૃત્યુ પામ્યા
હિમાચલ પ્રદેશ છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ સામે ઝઝૂમી રહ્યું છે અને વરસાદ સંબંધિત ઘટનાઓને કારણે 20થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. હિમાચલ પ્રદેશની નદીઓમાં પાણીનું સ્તર ખતરનાક સ્તરે છે અને કુદરતના કહેર વચ્ચે અનેક મકાનો અને ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે. રાજ્યના ચિત્રો અને વિડિયો સમગ્ર દેશમાં આઘાતજનક દ્રશ્યો દેખાડી રહ્યાં છે. સરકારે રહેવાસીઓને ઘરની અંદર રહેવાની અપીલ કરી રહી છે.
દરેક જગ્યાએ એલર્ટ જારી
ભારતીય હવામાન વિભાગે સોમવારે હિમાચલ પ્રદેશના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. બિલાસપુર, સોલન, શિમલા, સિરમૌર, ઉના, હમીરપુર, મંડી અને કુલ્લુમાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે.
મોટાભાગના જિલ્લાઓમાં રેડ એલર્ટ
હિમાચલ પ્રદેશ (HP) ટ્રાફિક, ટૂરિસ્ટ અને રેલવે પોલીસે ટ્વિટર પર રાજ્યના વિવિધ ભાગો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. વિભાગે ટ્વીટ કર્યું કે હવામાન વિભાગે રાજ્યના મોટાભાગના જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદનું ખૂબ ઊંચું જોખમ છે. એટલા માટે તમે બિનજરૂરી મુસાફરી ટાળો. નદીઓ અને ભૂસ્ખલન વિસ્તારોથી દૂર રહો. કૃપા કરીને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા જારી કરવામાં આવેલી સૂચનાઓનું પાલન કરો.
સોલનના મંડીમાં વાદળ ફાટ્યું
સોલન અને મંડીમાં વાદળ ફાટવાના કારણે અચાનક પૂર આવ્યું હતું. સોલનમાં વાદળ ફાટવાથી ચેવા ગામમાં ભૂસ્ખલન થયું હતું, જ્યારે થુનાગમાં વાદળ ફાટવાથી અચાનક પૂર આવ્યું હતું. સતત ભારે વરસાદ બાદ બિયાસ નદીમાં પૂરને કારણે મંડીનું પંચવક્ત્ર મંદિર પાણીમાં ડૂબી ગયું હતું.
મનાલીમાં બસ-હોટલો પાણીમં ડૂબી
સોશિયલ મીડિયા પર આવા વીડિયો વાયરલ થઈ રહ્યા છે જેમાં મનાલીમાં એક બસ પૂરના પાણીમાં તણાઈ ગઈ છે. અન્ય એક વીડિયોમાં મનાલીની એક હોટલ અલ્લુને ડૂબતી દેખાડાઈ રહી છે. NHAI અનુસાર, બિયાસ નદીમાં પૂરની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે અને NHના કુલ્લુ-મનાલી વિભાગની નજીક પાણીનું સ્તર વધી ગયું છે અને આ વિસ્તારમાં ભારે વરસાદની અપેક્ષા છે.
હેલ્પલાઈન નંબર જાહેર
સીએમ સુખવિંદર સિંહ સુખુએ લોકોને ઘરની અંદર રહેવા વિનંતી કરી છે કારણ કે ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આ ઉપરાંત કોઈપણ ઈમરજન્સી માટે હેલ્પલાઈન નંબર પણ જારી કરવામાં આવ્યા છે.
શિમલા-કાલકા ટ્રેનો રદ
અવિરત વરસાદને કારણે રેલ્વેએ 10 અને 11 જુલાઈના રોજ શિમલા-કાલકા વચ્ચેની તમામ અપ અને ડાઉન ટ્રેનો રદ કરી દીધી છે. ભારે વરસાદના કારણે રેલ્વે ટ્રેક પર ભૂસ્ખલન, પાણી ભરાવા અને કાટમાળ આવી ગયો છે.
હિમાચલ પ્રદેશમાં પુલ તૂટ્યો, રેકોર્ડ બ્રેક વરસાદ
રવિવારે નદીમાં પાણીનું સ્તર વધવાને કારણે મંડીમાં પંચવક્ત્ર પુલ તૂટી પડ્યો હતો. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, મંડી, અશ્વની કુમારે જણાવ્યું હતું કે નદીના જળસ્તરમાં વધારો થવાને કારણે ઐતિહાસિક પુલ ધોવાઈ ગયો હતો. અગાઉ, મંડી જિલ્લામાં વહેતી બિયાસ નદીએ ઓટ ગામને બંજર અને પંડોહ ગામો સાથે જોડતા પુલ ધોયા હતા. આ ઘટનાની નોંધ લેતા, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી જયરામ ઠાકુરે કહ્યું કે ધોવાઈ ગયેલો પુલ 'હિમાચલની ઓળખ' છે. હિમાચલ પ્રદેશના કુલ્લુમાં બિયાસ નદીના પ્રવાહમાં નેશનલ હાઈવે 3 નો એક ભાગ ધોવાઈ ગયો છે. સોલનમાં રવિવારે 135 મીમી વરસાદ નોંધાયો હતો, જેણે 1971માં એક દિવસમાં 105 મીમીનો 50 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો, જ્યારે ઉનામાં 1993 પછી સૌથી વધુ વરસાદ નોંધાયો હતો.