BJPને માત આપવા મમતાનો નવો દાવ!, 2019ની ચૂંટણી પહેલા કરી મહત્વની જાહેરાત
મમતા બેનરજીએ આ દાવ સમજી વિચારીને ફેંક્યો છે. બંગાળમાં લગભગ 20 ટકા વસ્તી અન્ય ભાષી છે. આ વસ્તીમાં સોથી મોટો વર્ગ ભાજપ સમર્થક ગણાય છે.
કોલકાતા: 2019ની લોકસભાની ચૂંટણીમાં બસ હવે થોડો સમય બાકી છે. આવામાં તમામ પાર્ટીઓએ પોત પોતાની મોરચાબંધી શરૂ કરી દીધી છે. ચૂંટણીમાં સ્થાનિક નેતાઓ પર સૌથી વધુ નજર રહેશે. તેમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીનું નામ સૌથી ઉપર છે. પીએમ બનવાની તેમની તીવ્ર ઉત્કંઠા કોઈથી છૂપાયેલી નથી. આ જ કારણ છે કે તેઓ સીધી રીતે કોંગ્રેસ અને રાહુલ ગાંધીના રસ્તામાં રોડો બનતા પણ અચકાયા નથી. જો કે ખુલ્લેઆમ તો તેમણે ક્યારેય કશું કહ્યું નથી પરંતુ આગામી ચૂંટણી માટે તેમણે સૌથી પહેલા કિલ્લેબંધી કરવાની શરૂ કરી દીધી છે. આ માટે તેઓ હિંદીની શરણમાં પણ પહોંચી ગયા છે.
મમતા બેનરજીએ બંગાળમાં પોતાની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસની હવે હિંદી વિંગની સ્થાપના કરી છે. શુક્રવારે તેમણે આ અંગેની જાહેરાત કરી. તેના અધ્યક્ષ ટીએમસી ધારાસભ્ય અર્જૂન સિંહ હશે. નેતાજી ઈન્ડોર સ્ટેડિયમમાં બિહારી રાષ્ટ્રીય સમાજના કાર્યક્રમને સંબોધિત કરતા મમતા બેનરજીએ કહ્યું કે તેઓ હિંદી બોલનારા લોકો તરફથી ખાસ લગાવ મહેસૂસ કરે છે. અહીં તેમણે અપીલ કરતા કહ્યું કે પ્લીઝ મને તમારી પુત્રી સમજો. આ અવસરે તેમણે ટીએમસીની હિંદી વિંગની સ્થાપનાની પણ જાહેરાત કરી અને એ પણ કહી દીધુ કે તેઓ જલદી રાજ્યમાં એક હિંદી યુનિવર્સિટીની ખોલશે.
હકીકતમાં મમતા બેનરજીએ આ દાવ સમજી વિચારીને ફેંક્યો છે. બંગાળમાં લગભગ 20 ટકા વસ્તી અન્ય ભાષી છે. આ વસ્તીમાં સોથી મોટો વર્ગ ભાજપ સમર્થક ગણાય છે. પરંતુ હવે ટીએમસીના સૂત્રોનું કહેવું છે કે તેનાથી ભાજપને મોટો ફટકો પડશે. આ 20 ટકા વસ્તી બંગાળની અનેક બેઠકો પર હારજીતનું ગણીત બદલી શકે છે. દેશમાં ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર બાદ સૌથી વધુ લોકસભા બેઠકો પશ્ચિમ બંગાળમાં છે.
પશ્ચિમ બંગાળમાં બિહારના લોકોની વસ્તી અનેક બેઠકો પર નિર્ણાયક ભૂમિકામાં છે. આથી મમતા બેનરજીએ સમજી વિચારીને બનાવેલી રણનીતિ હેઠળ આ કાર્યક્રમ આયોજિત કર્યો. પશ્ચિમ બંગાળમાં લોકસભાની 42 બેઠકો છે. જેમાં 34 બેઠકો ટીએમસી પાસે છે. ચાર કોંગ્રેસ પાસે અને બે ભાજપ પાસે છે. 2 બેઠકો સીપીએમ પાસે છે.