હવે ઘરે બેઠા બનાવી શકો છો કલર Voter ID Card, ચૂંટણી પંચે શરૂ કરી આ સેવા
ઘરે બેસીને કોમ્પ્યુટરની મદદથી નવું આઇડી કાર્ડ બનાવવા માટે અરજી આપી શકાય છે. આ માટે તમારે ચૂંટણી પંચની વેબ સાઇટની વિજિટ લેવાની રહેશે.
નવી દિલ્હી : દેશમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. આવતા વર્ષે લોકસભા ચૂંટણી થવાની છે ત્યારે મતદારો માટે ચૂંટણી પંચે વધુ એક સારી સેવાનો પ્રારંભ કર્યો છે. આવતા વર્ષે યોજાનાર લોકસભાની ચૂંટણી માટે આવતા મહિનાથી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ પણ શરૂ કરાશે. મતદાર યાદીમાં મતદારો સુધારા વધારા કરી શકશે. આ સાથે ચૂંટણી પંચે મતદારોને ઘરે બેઠા કલર વોટર આઇડી કાર્ડ મળી શકે એવી સુવિધા ઉભી કરી છે.
ચૂંટણી પંચેની આ પહેલથી તમને ચૂંટણી ઓળખ પત્ર માટે આસાની થઇ જશે. ઘરે કોમ્પ્યુટરની મદદથી તમે નવું આઇડી કાર્ડ બનાવવા માટે અરજી આપી શકશો. આ માટે તમારે ચૂંટણી કચેરીએ જવાની જરૂર નહી રહે પરંતુ માત્ર ચૂંટણી પંચની વેબ સાઇટની વિજિટ લેવાની રહેશે.
ચૂંટણી પંચે આ વેબ સાઇટ પર ઘણા ઓપ્શન આપ્યા છે. વેબ સાઇટ પરથી તમે નવા વોટર આઇડી માટે રજીસ્ટ્રેશન કરાવી શકશો. જો તમારે વોટર કાર્ડમાં કોઇ ક્ષતિ હોય તો એમાં સુધારો કરવો હોય તો એ પણ કરાવી શકશો. ઉપરાંત તમે જે નવા કાર્ડ માટે અરજી આપી છે એના સ્ટેટસ અંગે જાણકારી પણ મેળવી શકશો.
સાવધાનીથી ભરો ફોર્મ-6
નવા કાર્ડ માટે ઓપ્શન પર ક્લિક કરવાથી તમને ચૂંટણી પંચ તરફથી ફોર્મ-6 ખુલશે જેમાં દર્શાવેલી વિગતો તમારે ભરવાની છે. પરંતુ આ વિગતો ભરવામાં ખાસ કાળજી રાખવી જરૂરી છે. કારણ કે આ વિગતોના આધારે જ તમારૂ નવું વોટર આઇડી કાર્ડ આવશે. ખાસ વાત એ પણ છે કે, આ વેબપેજ જઇને તમે કોઇ પણ રાજ્યના કોઇ પણ શહેરનું ચૂંટણી કાર્ડ બનાવી શકો છો. આ તમામ કોલમમાં વિગતો ભર્યા બાદ એમાં ફોટો, ઉંમર, પ્રમાણપત્ર અને સરનામું અપલોડ કરવાનો ઓપ્શન આવશે. અહીં ખાસ એ ધ્યાન રાખવું કે ફોટો એવો અપલોડ કરવો કે જેમાં બેકગ્રાઉન્ડ સફેદ હોય.
ઉંમર માટે કયું પ્રમાણપત્ર આપવું?
ઉંમરની ખરાઇ માટે તમે તમારો જન્મનો દાખલો, હાઇસ્કૂલની માર્કશીટ, પાસપોર્ટ, પાનકાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ કે આધાર કાર્ડની કોપી અપલોડ કરી શકો છો.
સરનામા માટે કયું પ્રમાણ પત્ર?
એડ્રેસ પ્રુફ માચે તમારે તમારો પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ, બેંકની પાસબુક, પોસ્ટ ઓફિસની પાસબુક, રેશનકાર્ડ, ભાડા કરાર, વીજળી બિલ, પાણી બિલ, ગેસ કનેકશન કોપી, ટેલીફોન બિલ કે ભારતીય ટપાલ દ્વારા ઘરે મોકલાવેલ પોસ્ટની કોપી અપલોડ કરી શકો છો.
ક્યારે આવશે નવું વોટર આઇડી?
આ તમામ જાણકારી આપ્યા બાદ ચૂંટણી પંચ દ્વારા નિયત કરેલ તમારા બુથના બીએલઓ (બુથ લેવલ ઓફિસર) તમારા ઘરે આવશે અને તમે આપેલી માહિતી અને પ્રમાણપત્રોની ખરાઇ કરશે. જે બાદ બીએલઓ પોતાનો રિપોર્ટ લગાવશે અને બાદમાં આ પ્રક્રિયાના એક મહિનાની અંદર તમારા ઘરે તમારૂ નવું રંગીન પ્લાસ્ટિક વોટર આઇડી કાર્ડ તમારા ઘરે આવી જશે.