અગાઉની જેમ જ યોજાશે NEET ની પરીક્ષા, માનવસંસાધન વિકાસ મંત્રાલયે પોતાનો નિર્ણય બદલી નાખ્યો
HRD મંત્રાલયે આરોગ્ય મંત્રાલયની ભલામણ બાદ નીટ મેડિકલ અને ડેન્ટલ પ્રવેશ પરીક્ષાને વર્ષમાં બે વખત અને માત્ર ઓનલાઈન મોડમાં લેવાનો વિચાર માંડી વાળ્યો છે, 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર
નવી દિલ્હીઃ માનવ સંસાધન વિકાસ મંત્રાલયે આરોગ્ય મંત્રાલયની ભલામણ બાદ મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટે લેવાતી "NEET" પરીક્ષાને વર્ષમાં બે વખત અને માત્ર ઓનલાઈન મોડમાં જ લેવાના વિચારનો ત્યાગ કરી દીધો છે.
ઉલ્લેખનીય છે કે, ગયા મહિને માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે જાહેરાત કરી હતી કે નવરચિત નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) વર્ષમાં બે વખત રાષ્ટ્રીય લાયકાત સહ પ્રવેશ પરીક્ષા (નેશનલ એલિજીબિલીટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ- નીટ)ની સાથે એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટે સંયુક્ત પ્રવેશ પરીક્ષાનું મુખ્ય આયોજન કરશે. તેમણે જાહેરાત કરી હતી કે, એનટીએ દ્વારા લેવામાં આવનારી આ તમામ પરીક્ષાઓ કમ્પ્યૂટર આધારિત હશે.
જોકે, ત્યાર બાદ આરોગ્ય મંત્રાલયે માનવ સંસાધન મંત્રાલયને પત્ર લખીને વર્ષમાં બે વખત નીટના આયોજન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કેમ કે, આ પ્રકારના પરીક્ષા કાર્યક્રમથી વિદ્યાર્થીઓ પર એક વધારાનું દબાણ ઊભું થાય એમ હતું. સાથે જ ગ્રામીણ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ અંગે પણ એવી ચિંતા વ્યક્ત કરાઈ હતી કે, માત્ર ઓનલાઈન મોડમાં પરીક્ષા લેવાને કારણે તેમને નુકસાન થઈ શકે છે. આરોગ્ય મંત્રાલયે કુલ 8 બાબતે ચિંતા વ્યક્ત કરી હતી.
અધિકારીએ જણાવ્યું કે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના આગ્રહ બાદ નીટ પરીક્ષા પદ્ધતિમાં ફેરફારના અગાઉના નિવેદનથી વિરુદ્ધ હવે તે કાગળ-પેન દ્વારા અને એટલી જ ભાષામાં કરાવાનો નિર્ણય લેવાયો છે, જેવું ગયા વર્ષે આયોજન કરાયું હતું. આ પરીક્ષાનું આયોજન એનટીએ દ્વારા નહીં પરંતુ સીબીએસઈ દ્વારા જ કરવામાં આવશે. આ સાથે જ મોડી સાંજે સીબીએસઈ દ્વારા મેડિકલ અને એન્જિનિયરિંગ માટેની પ્રવેશ પરીક્ષાઓના આયોજનની તારીખો પણ જાહેર કરી દેવાઈ હતી.
નીટની પરીક્ષાનો કાર્યક્રમ આ પ્રમાણે છે
ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયાઃ 1 નવેમ્બરથી 30 નવેમ્બર, 2018 સુધી ચાલશે
એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાની તારીખઃ 15 એપ્રિલ, 2019
પરીક્ષાની તારીખઃ 5 મે, 2019
પરિણામઃ 5 જુન, 2019