VIDEO: ઘાયલ બાળકને બચાવવા ગોદમાં ઉઠાવીને દોડ્યો પોલીસકર્મી, સારવારનો ખર્ચ પણ આપ્યો
દુનિયામાં હજુ પણ માનવતા મરી નથી પરવારી... કેટલાક લોકો માનવતાની મહેક જેવા એવા ઝળહળતા ઉદાહરણો રજુ કરે છે જે આ વાક્યને સાર્થક કરે છે.
હૈદરાબાદ: દુનિયામાં હજુ પણ માનવતા મરી નથી પરવારી... કેટલાક લોકો માનવતાની મહેક જેવા એવા ઝળહળતા ઉદાહરણો રજુ કરે છે જે આ વાક્યને સાર્થક કરે છે. હૈદરાબાદના એક પોલીસકર્મીએ પણ આવું જ એક ઉદાહરણ પૂરું પાડ્યું. એક 7 વર્ષના બાળક માટે તેઓ મસીહા બનીને આવ્યાં. હૈદરાબાદ પોલીસકર્મી મહેશના કારણે આ બાળકનો જીવ બચ્યો.
મળતી માહિતી મુજબ એક કાર દુર્ઘટનામાં ઘાયલ થયેલા 7 વર્ષના બાળકને ઘટનાસમયે ડ્યૂટી પર તહેનાત ઈન્સ્પેક્ટર મહેશે તરત જ ઉઠાવી લીધો અને પોતાની ગાડીમાં નજીકની હોસ્પિટલ લઈ ગયા. એટલું જ નહીં પીડિત બાળકના માતા પિતાની આર્થિક સ્થિતિને જોતા ઈન્સ્પેક્ટર મહેશે હોસ્પિટલનો બધો ખર્ચો પોતે ઉઠાવ્યો. આ ઘટનાનું સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યું છે.
ન્યૂઝ એજન્સી ANI દ્વારા જારી વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે ઈન્સ્પેક્ટર મહેશ બાળકને ગોદમાં ઉઠાવીને હોસ્પિટલ લઈ જઈ રહ્યાં છે. આ ઘટના 2જી ફેબ્રુઆરીના રોજની છે. અત્રે જણાવવાનું કે થોડા દિવસો પહેલા પોલીસ સંલગ્ન આવા જ એક અહેવાલ સામે આવ્યાં હતાં. જો કે તેમાં પોલીસકર્મીઓના સંવેદનહીનતા જોવા મળી હતી.
ઉત્તર પ્રદેશના સહારનપુરમાં ત્રણ પોલીસકર્મીઓએ કથિત રીતે એક અકસ્માતગ્રસ્ત યુવકને એટલા માટે રસ્તા પર મરવા માટે છોડી દીધો કારણ કે યુવકને બચાવવા માટે ગાડીમાં લઈ જાય તો પેટ્રોલિંગ ગાડી ખરાબ થાત. આ ઘટના મીડિયામાં ચગવાથી ત્રણેય પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવાયા હતાં.