હૈદરાબાદઃ હૈદરાબાદના નિઝામના મ્યુઝિયમમાંથી હોલિવૂડ સ્ટાઈલમાં રૂ.50 કરોડની કિંમતના ત્રણ કિલો વજન ધરાવતા સોનાના ટિફિન બોક્સ, હીરા-મોતી જડેલા કપ-પ્લેટ અને અન્ય કિંમતી વસ્તુઓ ચોરાઈ ગઈ હતી. પોલીસે સમગ્ર કેસની તપાસ માટે 15 વિશેષ ટીમની રચના કરી હતી. તાજેતરમાં જ મુંબઈમાંથી આ કેસમાં બે ચોરને પોલીસે પકડ્યા છે અને ચોરી કરેલો માલ પણ તેમની પાસેથી મળી આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિઝામે ભલે આ વસ્તુઓનો પોતાના માટે ઉપયોગ કર્યો ન હોય, પરંતુ હૈદરાબાદ પોલીસે જણાવ્યું કે, પકડાઈ ગયેલા આ ચોરમાંથી એક ચોર જમવા માટે આ સોનાના ટિફિનનો જ ઉપયોગ કરતો હતો. 


પોલિસને મળી કડી 
બે સપ્ટેમ્બરના રોજ ચોરી થયા બાદ સીસીટીવીની તપાસ કરતાં પોલીસને કોઈ કડી મળી ન હતી. ત્યાર બાદ જ્યારે હૈદરાબાદના સમગ્ર ચારમીનાર વિસ્તારનો વીડિયો સર્વેલન્સ ચેક કરવામાં આવ્યો તો જાણવા મળ્યું કે, એક બાઈકના પથરા સાથે અથડાઈ જવાને કારણે તેનું રેડિએટર નુકસાન પામ્યું હતું. તેનાથી પહેલાના સીસીટીવી ચેક કરતાં પણ આ બાઈક જોવા મળી હતી, જેમાં બે યુવાન મફલર બાંધીને ફરતા હતા, જેથી તેમના ચહેરા ઓળખી શકાયા ન હતા. 


પોલીસે આ લીડની મદદથી જ્યારે વધુ તપાસ કરી તો જહીરાબાદ વિસ્તારમાં એ બાઈક મળી આવી હતી. એ બાઈકમાં પણ રેડિએટર ખરાબ હતું. તેને સીસીટીવી ફૂટેજ સાથે સરખાવતાં પુરાવો મજબૂત બન્યો હતો. ત્યાર બાદ બાઈકના માલિકને શોધતાં શોધતાં પોલીસ મુંબઈની ફાઈવ-સ્ટાર હોટલમાં પહોંચી હતી. અહીં આ બંને ચોર પકડાઈ ગયા હતા. જેમાં એક પર તો પહેલાથી જ 26 કેસ ચાલી રહ્યા હતા. આ વ્યક્તિ થોડા દિવસ પહેલા મ્યુઝિયમમાં ગયો હતો અને અહીં આ કિંમતી ચીજ-વસ્તુઓ જોયા બાદ તેની ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો. ચોરી માટે તેણે પોતાના સાથીદાર સાથે ચારથી પાંચ વખત મ્યુઝિયમની રેકી પણ કરી હતી.


 


(હૈદરાબાદના નિઝામની હવેલીનો ફાઈલ ફોટો. હાલ અહીં મ્યુઝિયમ બનાવાયું છે.)


સાતમા નિઝામ સાથે જોડાયેલી વસ્તુઓ થઈ ગાયબ
બે સપ્ટેમ્બરની રાત્રે ચોરી થયા બાદ મ્યુઝિયમના અધિકારીઓએ પોલીસમાં જે રિપોર્ટ લખાવ્યો હતો, તેના અનુસાર, મ્યુઝિયમની ત્રીજી ગેલરીમાંથી ચોરીની આ ઘટના થઈ હતી. તેમણે જણાવ્યું કે, આ કિંમતી વસ્તુઓ હૈદરાબાદના સાતમા નિઝામની હતી. એ દરમિયાન મ્યુઝિયમની સુરક્ષાના અધિકારીએ જણાવ્યું કે, ગાર્ડ્સે જ્યારે સવારે મ્યુઝિયમની ત્રીજી ગેલરીનો રૂમ ખોલ્યો તો તેમાંથી સોનાનું ટિફિન, એક કપ-રકાબી અને એક ચમચી ગાયબ હતી. 


ત્યાર બાદ પોલીસને બોલાવાઈ હતી. તેમણે જણાવ્યું કે, સૌથી પહેલા તો ફ્લોરનું વેન્ટિલેટર તોડવામાં આવ્યું હતું. ત્યાર બાદ દોરડાંની મદદથી ચોર ઉપર ચડ્યા હતા. તેમણે અહીંથી સોનાનું ટિફિન, હીરા-મોતી જડેલા કપ-રકાબી અને ચમચીની ચોરી કરી હતી. 


નિઝામના આ મ્યુઝિયમમાં સાતમા અને અંતિમ નિઝામ ઉસ્માન અલી ખાનની વસ્તુઓનો સંગ્રહ છે અને તેમના પિતા એટલે કે છઠ્ઠા નિઝામના વોર્ડરોબ સાથે જોડાયેલી વસ્તુઓ છે. આ મ્યુઝિયમ પહેલા નિઝામનો મહેલ હતો. મ્યુઝિયમની ગેલેરીમાં સોના અને ચાંદીથી મઢેલી કલાકૃતિઓ અને સુંદર નકશીકામ કરેલી વસ્તુઓ જોવા મળે છે.