નવી દિલ્હી: ભારતના પ્રવાસે આવેલા સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનું આજે રાષ્ટ્રપતિ ભવનમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સૂત્રોના જણાવ્યાં મુજબ આ અવસરે ક્રાઉન પ્રિન્સે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું તેઓ મોટા ભાઈની જેમ સન્માન કરે છે. તેમણે કહ્યું કે અમે બંને ભાઈ છીએ. તેઓ મોટા અને હું તેમનો નાનો ભાઈ છું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ  અગાઉ સાઉદી અરબના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ સાઉદ મંગળવારે મોડી રાતે બે દિવસના પ્રવાસે ભારત પહોંચ્યાં. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું પ્રોટોકોલ તોડીને સ્વાગત કર્યું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે એક ટ્વિટમાં કહ્યું કે પ્રોટોકોલથી હટીની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન બિન અબ્દુલ અઝીઝનું સ્વાગત કર્યું. સાઉદી અરબના પ્રિન્સ ભારતના પહેલા દ્વિપક્ષીય પ્રવાસે આવ્યાં છે. 



પાક પ્રાયોજિત આતંકવાદ રહેશે મુખ્ય મુદ્દો
આ પ્રવાસ દરમિયાન પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ પણ મુખ્ય મુદ્દો રહેશે. આ સાથે જ બંને દેશો વચ્ચે રક્ષા સંબંધો વધારવા ઉપર પણ ભાર મૂકાશે જેમાં સયુંક્ત નેવી અભ્યાસ સામેલ છે. અધિકૃત સૂત્રોએ જણાવ્યું કે દક્ષિણ એશિયાના પ્રવાસની શરૂઆતમાં પ્રિન્સે પાકિસ્તાનથી કરી હતી. ભારતે તેમના પાકિસ્તાનથી ભારત આવવાના પ્રવાસને લઈને આપત્તિ વ્યક્ત કરી હતી. સાઉદી અરબના પ્રિન્સ એવા સમયે ભારતના પ્રવાસે આવ્યાં છે જ્યારે હાલમાં જ પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદે સીઆરપીએફના કાફલાની એક બસ પર આત્મઘાતી હુમલો કર્યો હતો જેમાં 40 જવાનો શહીદ થયા હતાં. 



5 કરાર પર થશે હસ્તાક્ષર
બંને દેશોના પ્રતિનિધિ મંડળની બેઠક બુધવારે મોડી રાતે હૈદરાબાદ હાઉસમાં થવાની છે. વડાપ્રધાન દ્વારા સાઉદી અરબના પ્રિન્સના સન્માનમાં ભોજન સમારોહ આયોજાયો છે. અધિકૃત સૂત્રોના જણાવ્યાં પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા પ્રિન્સ વચ્ચે બુધવારે પ્રતિનિધિ સ્તરની વાર્તા થવાની છે જેમાં ભારત પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સમૂહોનો મુદ્દો જોરશોરથી ઉઠાવશે. 


વિદેશ મંત્રાલયમાં આર્થિક મામલાઓના સચિવ ટી એસ ત્રિમૂર્તિના જણાવ્યાં મુજબ સાઉદી નેતાના પ્રવાસે બંને પક્ષો વચ્ચે રોકાણ, પર્યટન, આવાસ અને સૂચના તથા ટેક્નોલોજી ક્ષેત્રોમાં પાંચ કરાર પર હસ્તાક્ષર થવાની આશા છે. આ પ્રવાસથી ભારત-સાઉદી દ્વિપક્ષીય સંબંધોમાં નવા અધ્યાયની શરૂઆત થશે. 



સાઉદી અરબે પુલવામા આતંકી હુમલાની કરી નીંદા
મંત્રાલયના એક નિવેદનમાં કહેવાયું છે કે સાઉદી અરબે પુલવામા આતંકી હુમલાની કડક શબ્દોમાં નીંદા કરી છે. નિવેદનમાં કહેવાયું છે કે અમે સુરક્ષા અને આતંકવાદ વિરોધી મામલાઓમાં તેમના સહયોગને બિરદાવીએ છીએ. સાઉદી અરબે આતંકવાદી સંબંધી અમારી ચિંતાઓ પ્રત્યે ઊંડી સમજ દાખવી છે અને તેણે આ વૈશ્વિક બુરાઈને પહોંચી વળવા માટે ભારત સાથે મળીને કામ કરવા પર સહમતિ વ્યક્ત કરી છે. 

દ્વિપક્ષીય સંબંધ
ભારત અને સાઉદી અરબનો દ્વિપક્ષીય કારોબાર વર્ષ 2017-18માં 27.48 અબજ ડોલર રહ્યો હતો. સાઉદી અરબ ભારતનો ચોથો સૌથી મોટો વ્યાપારી સહયોગી દેશ છે. સાઉદી અરબ ઉર્જા સુરક્ષા ક્ષેત્રમાં ભારત માટે એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે. જે ક્રુડ ઓઈલ  સંબંધમાં 17 ટકા જરૂરિયાતો પૂરી  કરે છે. બંને દેશો ખાદ્ય સુરક્ષા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રિન્યુએબલ ઉર્જા, ફર્ટિલાઈઝર જેવા ક્ષેત્રોમાં સંયુક્ત ભાગીદારી વધારવા માટે ઈચ્છુક છે.