ભાજપ સાથે જવા અંગે પુત્રને ધમકાવનાર દેવગોડાનાં સુર મીઠા થયા
મોટા ભાગનાં એક્ઝિટ પોલમાં સ્પષ્ટ થયું છે કે વિધાનસભા ત્રિશંકુ થઇ શકે છે, જેના પગલે કિંગમેકર દેવગોડાનાં સુર બદલાયા
નવી દિલ્હી : કર્ણાટક ચૂંટણીમાં એક્ઝિટ પોલમાં ભલે રાજનીતિક દળો ગંભીરતાથી નહી લેવાની વાત કરી રહ્યા હોય પરંતુ તેવું છે નહી. એક્ઝીટ પોલનાં કારણે કર્ણાટકનાં ત્રણેય મોટા દળોની બેચેની વધી ગઇ છે. મોટા ભાગનાં એક્ઝીટ પોલમાં વિધાનસભા ત્રિશંકુ થવાની જ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેમાં દેવગોડા કિંગમેકર તરીકે ઉભરી આવે છે. જો કે હવે બધાની નજરો દેવગોડાનાં વલણ પર ટકેલી છે.
જો કે અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ બંન્ને સાથે ગઠબંધનનો ઇન્કાર કરી રહેલ દેવગોડા મતદાન બાદનાં એક્ઝિટ પોલનાં કારણે અસમંજસમાં પડી ગયા છે. હવે દેવગોડાને ગઠબંધન અંગે પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, હું અત્યારથી ઇન્કાર કે સ્વીકાર નથી કરી રહ્યો. આપણે 15 મે સુધી રાહ જોવી જોઇએ. ત્યાર બાદ જ આપણે કોઇ પણ હકીકતને સમજી શકીશું.દેવગોડાનાં નિવેદન પરથી સ્પષ્ટ છે કે, તેઓ હવાનું વલણ માપીને ગઠબંધન કરશે. તેવામાં ભાજપ અને કોંગ્રેસ બંન્ને માટે તક હશે. જો કે તેઓ કોની સાથે જશે તે તો સંપુર્ણ તેમના પર જ નિર્ભર રહેશે.
જો કે પ્રચાર દરમિયાનની વાત કરીએ તો કોંગ્રેસ સતત જેડીએસને ભાજપની જ ટીમ ગણાવતા રહ્યા હતા. બીજી તરફ ભાજપે કોંગ્રેસ પર તાબડતોબ હૂમલા કર્યા, પરંતુ જેડીએસનાં પ્રત્યે તેનાં નેતાઓ વધારે આક્રમક નથી. પોતે દેવગોડાનું વલણ હંમેશાથી ભાજપ માટે કડક રહ્યું છે. દેવગોડાએ મુસ્લિમ મતદાતાઓને ધ્યાનમાં રાખીને ભાજપ સાથે ગઠબંધનની સંભાવનાઓને હંમેશા ઇન્કાર કર્યો. દેવગોડાએ ત્યાં સુધી કહી દીધું હતું કે જો તેનો પુત્ર કુમાર સ્વામી ભાજપ સાથે જોડાશે તો તે પોતાનાં જ પુત્ર સાથે સંબંધ તોડી નાખશે.