જયપુર: એકબાજુ દેશની જનતા પેટ્રોલ ડીઝલના સળગતા ભાવોથી હતાશ અને આક્રોશમાં છે ત્યારે કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી રામદાસ આઠવલે એવી વાતો કરી રહ્યાં છે જે જાણીને જનતા તેમના પ્રત્યે કોપાયમાન થઈ શકે છે. શનિવારે રામદાસ આઠવલેએ કહ્યું કે પેટ્રોલ ડીઝલના વધતા ભાવોથી તેમને કોઈ પરેશાની નથી કારણ કે તેઓ એક મંત્રી છે. એક સમીક્ષા બેઠકમાં ભાગ લેવા આવેલા આઠવલેને જ્યારે પત્રકારોએ પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોથી સામાન્ય જનતાને થતી પરેશાનીઓ અંગે પૂછ્યું તો તેમણે જવાબ આપ્યો કે 'હું પેટ્રોલ ડીઝલના વધતા ભાવોથી પરેશાન નથી. કારણ કે હું મંત્રી છું... મારું મંત્રી પદ જશે તો હું પરેશાન થઈશ. પરંતુ જનતા પરેશાન છે. તેને સમજી શકીએ છીએ અને ભાવો ઓછા કરવાની જવાબદારી સરકારની છે.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સાથે જ તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવો પર લગામ કસવાના પ્રયત્નો કરી રહી છે પરંતુ રાજ્ય સરકારે પણ તે માટે  કોશિશો કરવી જોઈએ. પત્રકારોના એક સવાલ પર જવાબ આપતા  તેમણે કહ્યું કે જો પેટ્રોલ અને ડીઝલના બાવો ઓછા કરવા હોય તો રાજ્યોએ પણ તે માટે કોશિશ કરવી જોઈએ કારણ કે તેમાં રાજ્ય સરકારનો પણ કર હોય છે, કેન્દ્ર સરકારનો પણ કર હોય છે. તેને કમ કરવાથી પેટ્રોલ ડીઝલના ભાવ ઓછા થઈ શકે છે. 


અમિત શાહે પેટ્રોલ ડીઝલના ભાવવધારાને ગણાવ્યો ચિંતાનો વિષય
આ બાજુ હૈદરાબાદમાં એક પ્રેસ કોન્ફરન્સમાં અમિત શાહે કહ્યું કે, ડીઝલ અને પેટ્રોલની કિંમતોમાં સતત વધારો અને ડોલરની તુલનાએ નબળો પડી રહેલો રૂપિયો  ભાજપ અને સરકાર માટે ચિંતાનો વિષય છે. વૈશ્વિક કારણો જેમ અમેરિકા- ચીન વચ્ચે ટ્રેડ વોર અને અમેરિકાનાં તેલ ઉત્પાદક દેશોની સાથે સંબંધોના કારણે એવું થયું છે. સમાધાન શોધવામાં આવી રહ્યું છે અને ઝડપથી સરકાર આ મુદ્દે કોઇ નિર્ણય લેશે. 


શાહે તેમ પણ જણાવ્યું કે, રૂપિયાની કિંમતો પર જે અસર પડી છે, તે અન્ય દેશની તુલનાએ ઘણી ઓછી છે. ઉલ્લેખનીય છે કે ડીઝલ - પેટ્રોલ અને અન્ય જરૂરી વસ્તુઓના વધતા ભાવની વિરુદ્ધ કોંગ્રેસના નેતૃત્વમાંવિપક્ષી પાર્ટીઓએ 10 સપ્ટેમ્બરે ભારત બંધનું આયોજન કર્યું હતું.