ઓવૈસીએ PM મોદી અને અમિત શાહને હૈદરાબાદથી ચૂંટણી લડવાનો પડકાર ફેંક્યો
અસુદ્દીન ઓવૈસીએ એક કાર્યક્રમમાં સત્તામાં રહેલ ભાજપની સાથે કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું હતું
નવી દિલ્હી : ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇતેહાદુલ મુસ્લિમીન (AIMIM)નાં અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ એકવાર ફરીથી વડાપ્રધાન મોદી તથા અમીત શાહ પર શાબ્દિક પ્રહાર કર્યા છે. તેમણે પડકારતા વડાપ્રધાન મોદી અને અમીત શાહને કહ્યું કે તેઓ આગામી લોકસભા ચૂંટણીમાં તેની વિરુદ્ધ હૈદરાબાદથી ચૂંટણી લડીને દેખાડે. ઓવૈસીએ એક કાર્યક્રમમાં સત્તારૂઢ ભાજપની સાથે સાથે કોંગ્રેસ પર પણ શાબ્દિક પ્રહારો કર્યા હતા. ઓવૈસીએ અગાઉ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનાં સંઘ કાર્યાલય જવા અંગે પણ ભાજપ અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું.
એએનઆઇનાં અનુસાર ઓવૈસીએ કહ્યું કે, હું હૈદરાબાદમાં AIMIM સાથે લડવા માટે તમામને પડકાર ફેંકુ છું. વડાપ્રધાન મોદી અને અમિત શાહને પણ ચેલેન્જ કરૂ છુ કે તેઓ અહીં આવીને લડીને દેખાડે. હુ કોંગ્રેસને પણ પડકાર ફેંકુ છું. જો આ બંન્ને પાર્ટીઓ ઇચ્છે તો મળીને મારી વિરુદ્ધ લડીને દેખાડે. આ બંન્ને પાર્ટીઓ ભેગી થઇને પણ મને હરાવી શકે તેમ નથી.
ઓવૈસી હાલમાં ત્યારે સૌથી વધારે ચર્ચામાં રહ્યો હતો જ્યારે તેણે હાપુડમાં થયેલી લિચિંગની ઘટનાને યાદ કરતા કહ્યુંકે, મુસ્લિમ મતદાતા માત્ર મુસ્લિમ ઉમેદવારોને જ મત આફે. ઓવૈસીએ 70 વર્ષથી મુસલમાનોને માત્ર ઉપયોગ કરવામાં આવતો હોવાની વાત પણ કરી હતી. તેણે કહયું કે આપણને ડરાવી રખાયા. સેક્યુલરિઝમને બચાવવાનું છે. આપણી માં અને બહેનનાં નામે ગાળો દેવાઇ રહી છે. માત્ર બે લોકોની ધરપકડ કરવામાં આવી આ કેસમાં. કાસીમનું મોત હોય કે ઝારખંડમાં બે ભાઇઓનાં મોત.મોદીજી આ બધુ જ તમારા સમયમાં ચાલી રહ્યું છે. શું આ જ સૌનો સાથ સૌનો વિકાસ છે.
અલ્લાહ કહી રહ્યા છે કે હવે ન ડરો. તમે અમને કાસીમ બનાવી દો, તમે જુનૈદ, અલીમુદ્દીન, ઇસરત જે પણ બનાવી દો પરંતુ અમે ઇસ્લામને નથી છોડવાનાં.હું જ્યા સુધી જીવતો રહીશ મુજાહિદની જેમ જ જીવીશ. મને તાળીઓ નથી જોઇતી. બસ એટલું યાદ રાખો કે પોતાનાં હક માટે લડો.