હું સોફ્ટ કે હાર્ડ હિંદુત્વમાં વિશ્વાસ રાખતો નથીઃ રાહુલ ગાંધી
બે દિવસીય તેલંગણાના પ્રવાસે ગયેલા રાહુલ ગાંધીએ કહ્યું કે, નરેન્દ્ર મોદી 2019માં વડાપ્રધાન બનશે નહીં.
હૈદરાબાદઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે સ્પષ્ટ કર્યું કે, તે સોફ્ટ કે કટ્ટર હિંદુત્વના અનુરાગી નથી. તેલંગણાના પ્રવાસે ગયેલા સંપાદકો સાથે વાતચીતમાં કોંગ્રેસ અધ્યક્ષ તે વાત પર સહમત ન થયા કે, બહુસંખ્યક સમુદાયને રિઝવવા માટે નરમ હિંદુત્વને ગળે લગાવશે. તેમણે કહ્યું, હું હિંદુત્વના કોઇપણ પ્રકારમાં વિશ્વાસ રાખતો નથી, ભલે તે સોફ્ટ હિંદુત્વ હોય કે કટ્ટર હિંદુત્વ. હિંદુ છે બસ થઈ ગયું. જે ધર્મની રાજનીતિ કરે છે તે હિંદુત્વની વાત કરે છે. અમે ધર્મની રાજનીતિ કરતા નથી. હિંદુ હોવું અને ધર્મની રાજનીતિ કરવી બંન્ને વાત અલગ-અલગ છે.
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, ધાર્મિક નેતાઓ સાથે તેમની મુલાકાત અને ધાર્મિક સ્થળ પર જવામાં કંઇ પણ ખોટુ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે મતભેદ પર તેમણે ભાર આપીને કહ્યું કે, તે વૈચારિક મતભેદ છે ન કે વ્યક્તિગત.
બે દિવસીય હૈદરાબાદ પ્રવાસના બીજા દિવસે રાહુલ ગાંધીએ ભવિષ્યવાણી કરી, નરેન્દ્ર મોદી 2019માં વડાપ્રધાન બનશે નહીં. તેમણે પૂર્વાનુમાન લગાવ્યું કે ભારતીય જનતા પાર્ટીને 230 સીટ પણ નહીં મળે અને તેથી નરેન્દ્ર મોદીના બીજીવાર વડાપ્રધાન બનવાનો પ્રશ્ન જ ઉભો થતો નથી. ભાજપની બિહાર અને ઉત્તર-પ્રદેશમાં સીટો ઘટશે, કારણ કે ગેર-ભાજપા પક્ષો વચ્ચે ગઠબંધન છે.
તેમણે કહ્યું કે, શિવસેના સહિત ભાજપની ઘણી સહયોગી પાર્ટી મોદીના ફરી વડાપ્રધાન બનવાની વિરુદ્ધ છે. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, તેમની પારટી ભાજપને હરાવવા માટે સમાન વિચારધારાવાળા દળોની સાથે ગઠબંધન કરવાની દિશામાં કાર્ય કરી રહી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે કોંગ્રેસ હેઠળ ગઠબંધન કેન્દ્રમાં આગામી સરકાર બનાવશે.
કોંગ્રેસ અને બિન-ભાજપ પક્ષોના બહુમત મળવાની સ્થિતિમાં વડાપ્રધાન કોણ હશે? આ સવાલનો સીધો જવાબ ન આપતા રાહુલે કહ્યું કે, ગઠબંધનના તમામ ઘટક દળો મળીને નક્કી કરી લેશે. સંસદમાં મોદીને ગળે લગાવવાના સવાલ પર રાહુલે કહ્યું કે, તેમને તે દેખાડવાનો ઇરાદો હતો કે તેઓ આલોચના કરે છે પરંતુ કોઇને નફરત કરતા નથી. તેમણે કહ્યું કે, વડાપ્રધાને પોતાની પ્રતિક્રિયામાં વધુ સક્રિયતા ન દેખાડી. રાહુલે આરોપ લગાવ્યો કે મોદી રાજકીય વિરોધીઓનું વધુ સન્માન કરતા નથી.