કલાઈકુન્ડા(ખડગપુર) : ભારતીય હવાઈ દળે બુધવારે સ્વદેશમાં જ નિર્મિત હવાથી હવામાં માર કરતી 'અસ્ત્ર' મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મિસાઈલને સુખોઈ-30 વિમાનમાંથી ફાયર કરવામાં આવી હતી. 'બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ એર-ટૂ-એર મિસાઈલ' (BVRAAM) ટેક્નોલોજી ધરાવતી આ મિસાઈલનું પરીક્ષણ પશ્ચિમ બંગાળના ખડગપુર જિલ્લામાં આવેલા કલાઈકુન્ડા એરફોર્સ સ્ટેશન ખાતે પરીક્ષણ કરાયું હતું. 


સંરક્ષણ મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, "હવાથી હવામાં માર કરતી આ મિસાઈલનું પરીક્ષણ સફળ રહ્યું હતું. મિસાઈલે તેના ટાર્ગેટ પર અત્યંત સચોટ રીતે હુમલો કરીને તેના નિર્માણનો હેતુ સિદ્ધ કર્યો હતો."


સંરક્ષણ મંત્રાલયે વધુમાં જણાવ્યું કે, અસ્ત્ર મિસાઈલનાં અત્યાર સુધી 20થી વધુ પરીક્ષણ થઈ ચૂક્યાં છે. તેના વર્ગમાં તે શ્રેષ્ઠ મિસાઈલ છે. અત્યાર સુધી થયેલાં પરીક્ષણમાં અસ્ત્રને સુખોઈ-30 વિમાનમાંથી જ છોડવામાં આવી છે. હવે તેને સેનામાં દાખલ કરતાં પહેલાનાં પરીક્ષણ હાથ ધરાયાં છે. 


સંરક્ષણ મંત્રી નિર્મલા સિતારમણે ભારતીય હવાઈ દળની પ્રશંસા કરતા જણાવ્યું કે, ભારત હવે સ્વદેશી રીતે હથિયારોની ડિઝાઈન કરવામાં આગળ નિકળી ગયું છે અને એડવાન્સ હથિયાર પ્રણાલીઓનો વિકાસ કર્યો છે. 


સિતારમણે આ મિશનમાં સંકળાયેલી ડીઆરડીઓ અને તેમની ટીમને પણ અભિનંદન પાઠવ્યા હતા.